- કૃષિ મંત્રી રાઘવજી પટેલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાન અંગે અધિકારીઓ – પદાધિકારીઓ સાથે બેઠક યોજી
દ્વારકા ન્યુઝ : રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજી પટેલે દ્વારકા સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં મંત્રીએ જિલ્લામાં ભારે વરસાદથી થયેલ નુકસાનની માહિતી મેળવી હતી. તેમજ તંત્ર દ્વારા કરવામાં આવેલ રાહત બચાવ અને પુનઃ સ્થાપનની કામગીરી, પાણી નિકાલ બાદ સાફ સફાઈ અને દવા છાંટકાવ, ચાંદીપુરા વાઈરસ અંગેની પરિસ્થિતિની વિગતોથી અવગત થઈને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં તેમણે પાક નુકસાન સર્વેની ચાલી રહેલી કામગીરીની સમિક્ષા કરી હતી. સર્વેની કામગીરી માટે વધારાની ટીમો ફાળવી સર્વે પૂર્ણ કરવા તાકિદ કરી હતી. તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલુ વરસાદે કરવામાં આવેલ રાહત બચાવની કામગીરીની સરાહના કરી હતી. વધુમાં વૃક્ષારોપણ અભિયાનને વધુ સઘન બનાવવા માટે સૂચના આપી હતી.
બેઠકમાં ધારાસભ્ય પબુભા માણેક, કલેકટર જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, અગ્રણી લુણાભા સુમણીયા, જેઠાભાઈ હાથિયા, રાજુભાઇ કોટક, હાડાભા માણેક, ખેરાજભા કેર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.