- 46 ફરિયાદો કોર્પોરેશન સિવાયના અન્ય સરકારી વિભાગોની:
- લોક દરબાર અડધો અડધ વોર્ડમાં પૂર્ણ થયા બાદ અધિકારીઓ પાસેથી ફરિયાદ નિકાલનો હિસાબ માંગતા મેયર સહિતના પદાધિકારીઓ
શહેરીજનોએ સામાન્ય પ્રશ્ર્ન માટે ઝોન, કચેરી કે વોર્ડ ઓફિસે ધક્કો ન ખાવો પડે તે માટે ‘મેયર તમારે દ્વારે’ શિર્ષક હેઠળ કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. શહેરના 1 થી 8 વોર્ડમાં લોક દરબાર પૂર્ણ થયા બાદ આવેલી ફરિયાદો પૈકી કેટલીક ફરિયાદો હલ થઇ તેની સમિક્ષા કરવા માટે મેયર દ્વારા એક બેઠક યોજાઇ હતી. જેમાં 579 ફરિયાદો પૈકી 265 ફરિયાદો આજની તારીખે પેન્ડિંગ હોવાની કબૂલાત અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી.
વોર્ડ નં.1માં 81 ફરિયાદો પૈકી 69નો નિકાલ થઇ ગયો છે. 12 હજુ પેન્ડિંગ છે. વોર્ડ નં.2માં 46 પૈકી 38 ફરિયાદો હલ થઇ છે. આઠ હજુ પેન્ડિંગ છે. વોર્ડ નં.3માં 92 ફરિયાદો પૈકી 16નો નિકાલ જ થયો છે. જ્યારે 76 પેન્ડિંગ છે. જે પૈકી 35 ફરિયાદ કોર્પોરેશન સિવાય અન્ય સરકારી વિભાગની છે. વોર્ડ નં.4માં 92 પૈકી 62 ફરિયાદો હલ થઇ છે અને 31 પેન્ડિંગ છે. જેમાં ચાર બીજા વિભાગની છે. વોર્ડ નં.5માં 33 ફરિયાદો હલ છે અને 38 પેન્ડિંગ છે. વોર્ડ નં.6માં 39 ફરિયાદો પૈકી 26નો નિકાલ થઇ ગયો છે જ્યારે 13 પેન્ડિંગ છે. જ્યારે વોર્ડ નં.7માં 62 પૈકી 40 ફરિયાદોનો નિકાલ થઇ ગયો છે અને 22 પેન્ડિંગ છે. જે પૈકી 6 અન્ય વિભાગોની છે. જ્યારે વોર્ડ નં.8માં 96 ફરિયાદો પૈકી માત્ર 31 ફરિયાદોનો નિકાલ થયો છે અને 65 ફરિયાદ આજની તારીખે પેન્ડિંગ છે.
મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને વોર્ડ વાઈઝ મેયરશ્રી તમારા દ્વારે(લોક દરબાર)નું વોર્ડ વાઇઝ આયોજન કરાય છે. આ લોક દરબારમાં નાગરિકો તરફથી રજુ થનાર રજુઆત, પ્રશ્ર્ન અને ફરિયાદનો સ્થળ પર/ટૂંકા સમયગાળામાં હકારાત્મક નિકાલ કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે. જે અંતર્ગત ગઇકાલે મેયરના અધ્યક્ષ સ્થાને નાગરિકો દ્વારા કરાયેલ રજૂઆતો/પ્રશ્ર્નો અંગે રીવ્યુ મિટિંગ યોજાઈ હતી. “લોક દરબાર” વોર્ડના નાગરિકો દ્વારા જે રજૂઆતો/પ્રશ્ર્નો આવેલ તેમાં નિકાલ અને પેન્ડિંગ રજૂઆતો/પ્રશ્નોનાં નિકાલ બાબતે અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી ઊંડાણપૂર્વક માહિતી મેળવી સંબંધિત અધિકારીને જરૂરી સુચનાઓ આપી.
આ રીવ્યુ મિટિંગમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદભાઈ પટેલ, રોશની વિભાગના સીટી એન્જીનિયર, આરોગ્ય અધિકારી, પર્યાવરણ ઈજનેર, એનક્રોચમેન્ટ ઓફિસર, ડાયરેકટર પાર્ક્સ એન્ડ ગાર્ડન, નાયબ પર્યાવરણ ઈજનેર, નાયબ આરોગ્ય અધિકારી, 1 થી 8 વોર્ડના વોર્ડ એન્જીનિયર, 1 થી 8 વોર્ડના વોર્ડ ઓફિસર, 1 થી 8 વોર્ડના એસ.આઈ./એસ.એસ.આઈ. વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
“લોક દરબાર” બાબતે વોર્ડ વાઇઝ આવેલ ફરિયાદોનો વોર્ડ ઓફિસરો પાસેથી વોર્ડમાં આવેલ ફરિયાદની સંખ્યા આજની તારીખ સુધીમાં નિકાલ થયેલ ફરિયાદની સંખ્યા, પેન્ડીંગ ફરિયાદની સંખ્યા તેમજ નિકાલ કરવામાં આવેલ અને પેન્ડીંગ રહેલ ફરિયાદોની ઉંડાણપૂર્વક વિગતો/માહિતી મેળવી હતી.
“લોક દરબાર” વોર્ડ નં.1 થી 8માં પેન્ડીંગ રહેલા પ્રશ્ર્નો 265 છે. જે પૈકી 46 પ્રશ્ર્નો રાજકોટ મહાનગરપાલિકા સિવાયના અન્ય વિભાગો જેવા કે, પી.જી.વી.સી.એલ., કલેકટર કચેરી, નેશનલ હાઈવે, રૂડા, શહેર પોલીસને લગત હોઈ, સંબંધિત વિભાગોને પત્ર વ્યવહાર કરવામાં આવેલ
છે
તેમજ પેન્ડીંગ રહેલા 265 પ્રશ્ર્નોમાં મુખ્યત્વે ડામર રોડ કરવા, મેટલીંગ રોડ કરવા, પેવીંગ બ્લોક નાખવા, રીપેર કરવા, વરસાદી પાણી ભરાવા, ડ્રેનેજ લાઈન નવી નાખવા, નવી આંગણવાડી બનાવવી, નવા ગાર્ડન બનાવવા વગેરે સંબંધી હોઈ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એસ્ટીમેટ બનાવવાની વહીવટી પ્રક્રિયા હેઠળ છે. જે અંગે મંજુરી મળ્યેથી તાત્કાલિક આ પ્રશ્ર્નોનું નિરાકરણ કરવામાં આવનાર છે