- પેવર એક્શન પ્લાનના કામમાં લાખો રૂપિયાની મલાઇ તારવી લેવામાં આવતી હોય દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ રાજકોટના રાજમાર્ગોની દશા મગરના પીઠ જેવી થઇ જાય છે: ગેરેન્ટીવાળા રસ્તાઓની હાલત પણ ‘ચાઇના’ના માલ જેવી !
કોર્પોરેશનના પાપે સામાન્ય વરસાદમાં પણ સ્માર્ટ સિટી એવા રાજકોટના રસ્તાઓની હાલત બિસ્માર થઇ જાય છે. ડામરમાં કામણ કરનારાઓના પ્રતાપે હાલ શહેરનો એકપણ રોડ એવો નથી કે જ્યાં મહાકાય ખાડાઓનો સામ્રાજ્ય જેવા મળતું ન હોય જો વાહનચાલક થોડી પણ બેદરકારી દાખવે તો તેને સિધું જ હાડાકાંના ડોક્ટર પાસે જવું પડે તેવી સ્થિતિ હાલ રાજમાર્ગોની થઇ જવા પામી છે. ફૂલપ્રૂફ ગેરેન્ટીવાળા રોડની હાલત પણ ચાઇનાના માલ જેવી થવા પામી છે. વાઇટ કોટીંગ રોડ પણ બોદા પૂરવાર થયા છે. દર વર્ષે રસ્તા મરામત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ શહેરીજનોના ભાગે માત્ર ચોમાસાની સિઝનમાં બદતર રસ્તા સિવાય વિશેષ કશું જ નશીબમાં આવતું નથી.
રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીએ રાજકોટ શહેરમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. સામાન્ય વરસાદે પણ કોર્પોરેશનની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પાડી દીધી છે. રોજ ઝાપટાં વરસી રહ્યા છે. જેના કારણે રોડને પારાવાર નુકશાની થઇ રહી છે. પાણી અને ડામરને દુશ્મની હોય છે. વરસાદના કારણે રોડ તૂટે તે પરંપરા બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. ડામર એક્શન પ્લાન માટે કરોડો રૂપિયા વરસે દહાડે ખર્ચવામાં આવે છે. જેમાંથી લાખો રૂપિયાની મલાઇ તારવી લેવામાં આવતી હોવાના કારણે દર વર્ષે ચોમાસામાં રાજકોટવાસીઓની હાલત ગામડામાં રહેતા નાગરિકોથી પણ ખરાબ થઇ જવા પામે છે. અનેક રોડ પર હાલ એક-એક ફૂટના ખાડા પડ્યા છે. જેના કારણે માર્ગ અકસ્માતનું પ્રમાણ વધ્યું છે. ‘નજર હટી, દુર્ઘટના ઘટી’ તે પંક્તિ મુજબ જો અત્યારે રાજકોટમાં વાહનચાલકો પોતાનું વાહન ચલાવવામાં થોડા પણ બેદરકાર રહે તો બિસ્માર રસ્તાઓના કારણે ‘ભપ્પ’ થઇ જાય છે અને હાડકાંના ડોક્ટર પાસે પહોંચી જવું પડે છે. છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશન દ્વારા ગેરેન્ટીવાળા રસ્તાઓ બનાવવામાં આવે છે. જેમાં કોન્ટ્રાક્ટર પાસેથી એવી બાહેંધરી લેવામાં આવે છે કે ચોમાસાની સિઝનમાં ગમે તેટલો વરસાદ પડશે તો પણ આ રોડ તૂટશે નહિં. જો કે, ડામર કોન્ટ્રાક્ટરોની ગેરેન્ટી ચાઇનાના માલ જેવી નિવડી રહી છે. સામાન્ય ઝાપટાંમાં પણ ડામર ઉખડીને પાણી સાથે ચાલવા માંડે છે. હજુ તો ભારે વરસાદ બાકી છે ત્યારે કલ્પના કરવાની જ રહી છે કે હવે રસ્તાની હાલત કેવી થશે.
એક તરફ રાજકોટ સ્માર્ટ સિટી બની ચુક્યું છે. બીજી તરફ બિસ્માર રસ્તાઓ જાણે રંગીલા રાજકોટની આબરૂંનું ચીરહરણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના શાસકો લોક દરબાર યોજી વોર્ડ વાઇઝ લોકો પાસે જઇ ફરિયાદો જાણી રહ્યા છે. પરંતુ આંખોની સામે દેખાતી ફરિયાદો હલ કરવામાં શાસકોને રસ ન હોય તેવું લાગે છે. દર વર્ષે રસ્તાઓ તૂટે છે અને ડામર કામ પાછળ કરોડો રૂપિયા વેડવી નાંખવામાં આવે છે છતાં કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી.