હાલોલ સુધી આગની જ્વાળાદેખાઈ
સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વતના પાછળના ભાગે આવેલા નવલખી કોઠારની આસપાસ અંદાજીત દોઢથી બે હેકટર જંગલ વિસ્તારમાં ગુરુવારે સાંજથી ભીષણ આગ ફાટી નીકળી હતી. જે મોડીરાત સુધી ચાલી રહી હતી. જેની જ્વાળાઓ હાલોલ સુધી દેખાતા લોકોમાં દહેશત ફેલાઇ હતી. પાવાગઢ પર્વતની આસપાસ અસંખ્ય વૃક્ષોનું જંગલ આવેલું છે. આ પર્વત પર આવેલા વૃક્ષોમાં આજે સમીસાંજે નવલખી કોઠારની પાછળના ભાગમાં આગે દેખાદીધી હતી અને જોતજોતામાં આગે આજુબાજુના વૃક્ષોને લપેટમાં લીધા હતા. જેથી આગે વિકરાળ સ્વરૃપ ધારણ કર્યું હતું. આ ભીષણ આગને કારણે વન વિભાગના અધિકારીઓની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. પરંતુ આગ બુઝાવાના સાધનો પર્વત ઉપર પહોંચી શકે તેવી સ્થિતિ ન હોવાથી આગ કાબુમાં લેવામાં વન વિભાગને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વન વિભાગ દ્વારા આગ વધુ વૃક્ષોને લપેટમાં લે નહીં તેને ધ્યાનમાં રાખી આજુબાજુના કેટલાક વૃક્ષો કાપવામાં આવ્યા હતા. આ અંગે આરએફઓ ગઢવીના જણાવ્યા પ્રમાણે મોડીરાત સુધી આગની જ્વાળાઓ દેખાતી રહી હતી. આગ કાબુમાં લેવા વન વિભાગ દ્વારા વૃક્ષો કાપવાની કામગીરી પણ કરવામાં આવી હતી. જેથી આગ વધુ આગળ સુધી પ્રસરે નહીં. આ લખાય છે ત્યાર સુધી ૧૨ વાગ્યા સુધી આગની જ્વાળાઓ હાલોલ સુધી દેખાતી હોવાનું રહીશોએ જણાવ્યું હતું.