- વિશ્ર્વ સ્તનપાન સપ્તાહનો પ્રારંભ, પોસ્ટરો, બેનરો, રેલી, શોર્ટ ફિલ્મથી મહિલાઓને અપાશે માર્ગદર્શન
વિશ્વભરમાં દર વર્ષે તા. 01થી 07 ઓગસ્ટ સુધી ’વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વિક’ એટલે કે ’વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષ 2024માં “ઈકઘજઈંગૠ ઝઇંઊ ૠઅઙ : ઇછઊઅજઝઋઊઊઉઈંગૠ જઞઙઙઘછઝ ઋઘછ અકક’ – થીમ અનુસાર ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંકલિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, રાજકોટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. સીંઘ અને આરોગ્ય વિભાગની ટીમ સાથે પત્રિકાઓનું વિતરણ અને પોસ્ટરો, બેનરો, રેલી, રોલ પ્લે, પ્રેસનોંધ, કાઉન્સેલિંગ સેશન, બ્રેસ્ટ ફીડિંગ અંતર્ગત શોર્ટ ફિલ્મ, કેમ્પ વર્કશોપ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે.
જેમાં સ્તનપાન સંબંધિત વિષયો અંગે જાગૃતિ લાવવા અને પગલાં લેવા માટે ખાસ કરીને જન્મના પ્રથમ કલાકમાં સ્તનપાન, 6 મહિના સુધી ફકત ને ફકત સ્તનપાન જ કરાવવું, પાણી પણ ન આપવું અને બાળકના 6 મહિના પૂરા થાય કે તરત ઉમર પ્રમાણે ઉપરનો આહાર શરૂ કરવો અને બે વર્ષ કે તેથી વધુ સ્તનપાન ચાલુ રાખવું જેવી વિવિધ બાબતોની ભલામણ કરવામાં આવેલ છે. જેથી બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે જેના કારણે ઘણા બાળકોનું જીવન બચાવી શકાય તે માટે એ એક વૈશ્વિક અભિયાન છે.
આનો હેતુ મહિલાઓને નવજાત બાળકોના સ્વસ્થ ઉછેર માટે સ્તનપાનની અગત્ય અને ફાયદાઓથી માહિતગાર કરવાનો છે. ખરેખર તો સ્તનપાન એ નવજાત બાળકની તંદુરસ્તી માટે અમૃતપાન છે. સ્તનપાન કરાવતી ધાત્રી માતાઓએ પોતે પણ પોતાના ભોજનની યોગ્ય કાળજી લેવી જોઈએ. જેથી કરીને માતાના દૂધનું પોષણમુલ્ય જળવાઈ રહે અને માતાના શરીરમાં પણ પોષકતત્વોની ઉણપ ન સર્જાય. આનાથી ધાત્રી માતા અને નવજાત બાળક એમ બંનેનું સ્વાસ્થ્ય અને પોષણનું સ્તર જળવાય રહે છે.
શિશુના જન્મ પહેલાના નવ મહિના સુધી માતા અને માતાના ભોજનની જેટલી કાળજી લેવાય છે તેટલી જ કાળજી શિશુના જન્મ પછીના પહેલા છ મહિના સુધી અચૂક લેવી જોઈએ. કેમકે શિશુ જન્મ પછીના શરુઆતના છ મહિના સંપૂર્ણ રીતે માતાના દૂધ પર નિર્ભર હોય છે. શિશુની ભોજન અને પોષણ સંબંધી પ્રત્યેક જરુરિયાતો, ત્યાં સુધી કે પાણીની જરુરિયાત પણ ફક્ત અને ફક્ત માતાના દૂધમાંથી જ પૂરી થઈ શકે છે. શિશુને શરુઆતના છ મહિના ફક્ત માતાનું દૂધ આપવાનું હોય છે. બહારની કોઈ જ વસ્તુ નહીં એટલે કે પાણી પણ નથી આપવાનું હોતું. આવે વખતે માતાનું દૂધ પૂરતી માત્રામાં બધા પોષક તત્વો ધરાવે અને દૂધ પણ પૂરતી માત્રામાં આવે તે માટે કેટલીક બાબતોની કાળજી લેવી જરુરી થઈ પડે છે.
આમ, સમગ્ર સ્તનપાન સપ્તાહ દરમિયાન રૂબરૂ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી સ્તનપાન અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવશે, તેમ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.