- એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગે નવી પોલિસી ઘડાઈ
- 28 હજાર બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા તૈયારીઓ શરૂ
સાયબર ગઠીયાઓ ઘણીવાર ઓનલાઇન છેતરપિંડી આચરી નાણાંનો ઉપયોગ ગમે તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને કરતા હોય છે ત્યારે ઘણીવાર વેપારીઓ તેમજ નિર્દોષ લોકોના એકાઉન્ટ સાયબર ફ્રોડના નાણાં આવવાથી ફ્રીઝ થઇ જતાં હોય છે જેના લીધે વેપારીઓને ભારે હાલાકીક્ષસ સામનો કરવો પડતો હોય છે જેથી આ હાલાકીને ધ્યાને રાખીને હવે આખેઆખું એકાઉન્ટ નહિ પણ ફક્ત સાયબર ફ્રોડ આચરી ટ્રાન્સફર કરવામાં આવેલા નાણાં જ ફ્રીઝ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પોલીસએ એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની પોલિસીમાં સુધારો કર્યો છે. નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા સંતુલન જાળવવા માટે એક મહત્વપૂર્ણ પગલું બની રહેશે. નવી પોલિસી હેઠળ ખાતામાં રહેલા કુલ રકમને બદલે ખાતામાં છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરવામાં આવશે. જેથી મધ્યમ વર્ગના લોકો પર નાણાકીય તણાવ ઘટાડી શકાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમના વધતા વ્યાપ વચ્ચે જે ખાતામાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવામાં આંબે તે આખુ ખાતું હાલ સુધીમાં ફ્રીઝ કરી દેવામાં આવતું હતું. ઘણીવાર છેતરપિંડીના નાણાંનો ઉપયોગ ગઠીયા દ્વારા પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે કરવામાં આવતો હોય છે. ઘણીવાર ગઠીયાઓ આ પૈસાથી ખરીદી કરીને વેપારીને આ નાણાં ઓનલાઇન ચૂકવતા હોય છે અને પરિણામે વેપારીનું ખાતું ફ્રીઝ કરી દેવાતું હોય છે. જેથી આ નવી પોલિસી ઘડી કાઢવામાં આવી છે.
આ સિવાય ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, હાલ સુધીમાં સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા કુલ 28 હજાર ખાતા અનફ્રીઝ કરવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે પૈકી 2 હજાર ખાતા રાજકોટ શહેર સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા હતા.
ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ પોલીસ દ્વારા ખોવાયેલા અને ચોરાયેલા મોબાઈલ શોધીને પરત આપવાની પણ કામગીરી કરાઈ રહી છે. જે હેઠળ વર્ષ 2023માં 584 મોબાઈલ અને ચાલુ વર્ષના 7 મહિનામાં 400 જેટલાં મોબાઈલ શોધીને મૂળ માલિકને પરત સોંપી દેવામાં આવ્યા છે.
સાયબર ફોર્ડમાં ગયેલા નાણાં ઝડપી પરત અપાવવા સાયબર ક્રાઇમ રીફન્ડ યુનિટની સ્થાપના કરાશે
ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના યુગમાં સાયબર ફ્રોડમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ઓનલાઇન નાણાં ગુમાવનારની સંખ્યામાં ખુબ ઝડપથી વધારો થતો હોય આ નાણાં ઝડપથી પરત અપાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ રીફન્ડ યુનિટની સ્થાપના કરવામાં આવનાર છે. જેમાં એક પીઆઈની ટીમમાં દરેક પોલીસ મથકમાંથી 2-2 કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવનાર છે.
રાજકોટવાસીઓએ ગત વર્ષે 35 કરોડ તો ચાલુ વર્ષે ફક્ત 7 માસમાં 36 કરોડ નાણાં ઓનલાઇન ફ્રોડમાં ગુમાવ્યા
રાજકોટવાસીઓએ ઓનલાઈન છેતરપિંડીમાં ગુમાવેલા નાણાંમાં સતત ઉછાળો નોંધાઈ રહ્યો છે. પ્રજાજનોએ ગત વર્ષમાં 35 કરોડ ગુમાવ્યા હતા જેની સામે ચાલુ વર્ષે ફક્ત 7 માસમાં જ 36 કરોડ રૂપિયા ગુમાવ્યાની ફરિયાદો નોંધાઈ છે. ગત વર્ષમાં ઓનલાઇન છેતરપિંડીની 7783 અરજીઓ નોંધાઈ હતી જેની સામે ચાલુ વર્ષે 7062 હજારથી વધુ અરજીઓ નોંધાઈ ચુકી છે.
સાયબર ક્રાઇમે 2023માં રૂ.3.5 કરોડ જયારે ચાલુ વર્ષના ફક્ત 7 માસમાં 3.80 કરોડ રિફંડ અપાવ્યા
રાજકોટ સાયબર ક્રાઇમની ટીમે ઓનલાઇન છેતરપિંડીમાં નાણાં ગુનાવનાર લોકો પૈકી વર્ષ 2023માં રૂ. 3.50 કરોડ પરત અપાવ્યા હતા જયારે ચાલુ વર્ષના ફક્ત 7 માસના સમયગાળામાં ભોગ બનનારાઓને રૂ. 3.80 કરોડ પરત અપાવવામાં સફળતા મળી છે.