- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 175 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ નવસારીના ખેરગામમાં
- અઢી ઈંચ જયારે સૌરાષ્ટ્રના 44 તાલુકામાં ઝાપટાથી લઇ અડધો ઈંચ વરસા
ગુજરાતમાં વહેલું પહોંચેલું ચોમાસું ઘણા દિવસો સુધી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અટવાયું હતું, તે બાદ જૂન મહિનો વરસાદની દ્રષ્ટિએ નબળો જોવા મળ્યો હતો. જ્યારે જુલાઇ મહિનામાં જ્યાં વરસાદ પાડ્યો ત્યાં ભુક્કા બોલાવી દીધા છે. એટલે હવે અષાઢે અનરાધાર વરસેલો મેઘો, શ્રાવણમાં પણ સરડવા ચાલુ રાખશે ખરા?આગાહી પ્રમાણે તો વધુ એક વખત મેઘરાજા ગુજરાતને ધમરોળશે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા 2 થી 4 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર 2 ઓગસ્ટે ડાંગ , નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. 3 અને 4 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત , ડાંગ, નવસારી, તાપી સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.સોરાષ્ટ્રમા પણ ફરી વિરામ બાદ 2 ઓગસ્ટથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે,. હવામાન વિભાગની આગાહી મુજબ ખાસ કરીને 2 ઓગસ્ટથી અમરેલી, ભાવનગર , ગીરસોમનાથ અને દીવમાં પણ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ભારે વરસાદને લઇને આ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતમાં 2 ઓગસ્ટથી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગીમી દિવસોમાં પ્રતિકલાક 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન સાથે વરસાદ વરસી શકે છે. જેના પગલે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો હાઉસફુલ થયા.. સૌરાષ્ટ્રના 35, કચ્છ અને દક્ષિણ ગુજરાતના છ- છ જળાશયો સંપૂર્ણ ભરાયા છે તો 207 જળાશયોમાં કુલ 50.76 ટકા જળસંગ્રહ છે.રાજ્યના 75 જળાશયો હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી 90 ટકાથી વધુ ભરાયેલા છે તો 53 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 10 જળાશયો એલર્ટ પર છે. તો 70થી 80 ટકા ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 175 તાલુકામા વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં અઢી ઈંચ જયારે ડાંગ, વઘઇ, વલસાડમાં બે-બે ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના 44 તાલુકામાં ઝાપટાથી લઇ અળધો ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યભરમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 3 ઓગસ્ટે ભાવનગર, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપી છે. આ સાથે જ બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ગીર સોમનાથ, આણંદ, વડોદરા અને પંચમહાલમાં ભારે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 4 ઓગસ્ટના રોજ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તો કચ્છ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદની યલો એલર્ટની ચેતવણી છે. હવામાન વિભાગે 5 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.