- મહિલા દર્દીએ કેસ ફાઈલમાં દવા લખી આપવા અંગે કહેતાં મહિલા તબીબે નવી ફાઈલ કાઢી આવવાનું કહેતા મામલો બિચક્યો
- ફાઈલમાં દવા લખવાની જગ્યા હોવાનું જણાવતા ’તમને ખબર ન પડે અમે કહીએ એમ કરો કહી એક્સ આર્મી મેન અને તેમના પત્ની સાથે બોલાચાલી કરી
સિવિલ હોસ્પિટલમાં તબીબ અને દર્દી વચ્ચે બબાલ થયાના અનેક ઉદાહરણો ભૂતકાળમાં સર્જાઈ ચૂક્યા છે.ત્યારે સિવિલમાં ચોક્કસ તબીબોના દર્દીઓ અને તેના સ્વજન સાથેના વર્તનને લઈ જવાબદારોને નીચું જોણું થાય છે.આવા અનેક બનાવો સારવારને લઈને બન્યા છે ત્યારે હાલ વધુ એકવાર આવી ઘટના સામે આવી છે.ઓ.પી.ડી. બિલ્ડિંગના ત્રીજા માળે સ્કિન વિભાગમાં મહિલા તબીબે કેસ ફાઈલમાં દવા લખવા બાબતે મહિલા દર્દી અને તેમના એક્સ આર્મીમેન પતિ સાથે ગેરવર્તણૂક કરતા હોય એ પ્રકારે તુચ્છ વર્તન કરતા અન્ય દર્દીઓ પણ તબીબને ન શોભે એ પ્રકારના અણછાજતા વર્તનથી ચોંકી ઉઠ્યા હતા.ત્યારે ઓ.પી.ડી. બિલ્ડીંગના ત્રીજા માળે સ્કીન વિભાગ પાસે લોકોના ટોળાઓના ટોળાઓ જમા થઈ જતાં મામલો બિચક્યો હતો.
દર્દીના જણાવ્યા અનુસાર ઘટનાક્રમ એ પ્રકારે હતો કે, શહેરમાં રહેતા હર્ષાબેન પ્રકાશભાઈ સોલંકી નામના મહિલા આજે સવારે સિવિલ હોસ્પિટલના સ્કિન વિભાગમાં નિદાન માટે આવ્યા હતા, ત્યારે તેમની કેસ ફાઈલમાં દવા લખવાની હોવાથી ફરજ પર રહેલા રેસિડેન્ટ તબીબે કેસ ફાઈલમાં દવા લખવાની જગ્યા નથી કહી બીજી ફાઈલ કઢાવવા માટેનું કહેતા મહિલા દર્દીએ કેસ ફાઈલમાં રહેલા ખાલી પેજ બતાવ્યા હતા અને કહ્યું હતું કે, જ્યાં આગળની દવા અને સારવાર લખવામાં આવી છે.તેની નીચે પણ અડધું પેજ કોરું છે અને પાછળની સાઈડ પણ આખું પેજ ખાલી છે તો અહીં દવા હાલ લખી આપો, બીજી વખત આવીશુ ત્યારે નવી ફાઈલ કઢાવીને આવીશું. આ સમયે રેસિડેન્ટની બાજુમાં સિનિયર ડો.ભાવના બેઠા હોય અને તેમણે દર્દી હર્ષાબેન સાથે તબીબને ન શોભે એવી ભાષામાં વર્તન કરવા લાગતા દર્દી હર્ષાબેને બહાર ઉભેલા તેમના પતિ પ્રકાશભાઈને બોલાવતા તેમની સાથે પણ તમે અંદર કેમ અને શું કામ આવ્યા કહી બોલાચાલી કરવા લાગ્યા હતા.પ્રકાશભાઈએ પોતે એક્સ આર્મીમેન હોવાનું જણાવી ડો.ભાવનાને વ્યવસ્થિત રીતે વાત કરવા માટેનું કહેવા છતાં તેમણે તોછડાઈભર્યું વર્તન શરૂ રાખ્યું હતું. ગેલેરીમાં મોટેથી અવાજ આવવા લગતા દર્દીઓ એકઠા થઇ જતા મહિલા દર્દી અને તેમના પતિ દવા લખાવ્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા.હાજર મીડિયાકર્મીએ તબીબનું નામ પૂછતાં તેમની સાથે પણ તમે રહેવા દ્યો બધું કહી નામ જણાવ્યું નહતું. અને વોર્ડમાં ચાલતી પકડી હતી.ત્યારે સમગ્ર મામલે સાચું શું એ જાણવા સ્કિન વિભાગના વડા દ્વારા તપાસ કરવામાં આવે અને સાથે સાથે મહિલા તબીબ ડો.ભાવનાને પણ દર્દીઓ પ્રત્યે લાગણીઓ અને ભાવના રાખવા માટેની શીખ આપવામાં આવે એ ખૂબ જ જરૂરી છે.
હેવી ડોઝની દવા શરૂ હોવાથી નવી ફાઈલ કાઢવા જણાવ્યું’તું : તબીબ ભાવનાબેન
અન્ય પક્ષે તબીબ સાથે ટેલીફોનીક ચર્ચા દરમિયાન મહિલા તબીબ ડો. ભાવનાએ જણાવ્યા અનુસાર, મહિલા દર્દીને હેવી ડોઝની દવાઓ ચાલુ હોય જેથી તેમાં સંપૂર્ણપણે દવાઓની વિગત લખવી મુશ્કેલ જણાતાં તેઓએ નવી ફાઈલ કાઢી આવવા અંગે કહ્યું હતું.જે દરમિયાન દંપતી સાથે માથાકૂટ થઈ હોવાનું તબીબે મીડિયા પ્રતિનિધીને ફોન દ્વારા જણાવ્યું હતું.