• વાહનનો ટેક્સ નહિ ભરનાર વિરૂધ્ધ આરટીઓએ લાલ આંખ કરતા
  • રાજકોટ જિલ્લાના 1223 વાહનોને તાત્કાલિક ટેક્સ ભરવા નોટિસ અપાયા બાદ 243 કેસમાં ભરપાઈ
  • રાજકોટ જિલ્લામાં વર્ષોથી ટેક્સ ભર્યા વિના દોડતા વાહનો વિરુદ્ધ આરટીઓએ લાલ આંખ કરી તાત્કાલિક ટેક્સની ભરપાઈ કરવા 1223 જેટલાં વાહન માલિકોને નોટીસ ફટકારવામાં આવી હતી. જો ટેક્સની રકમ ભરવામાં નહિ આવે તો વાહન માલિકની મિલ્કત ઉપર બોજો નાખવામાં આવશે તેવી સ્પષ્ટ જાહેરાત બાદ 243 વાહન માલિકોએ ટેક્સ પેટે રૂ. 1 કરોડની ભરપાઈ કરી દીધાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ જિલ્લામાં વર્ષોથી વાહનનો ટેક્સ નહિ ભરનારાઓની યાદી આરટીઓ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ટેક્સ ભર્યા વિના જ દોડતા 1223 વાહનો ધ્યાને આવતા આરટીઓ ઇન્સ્પેક્ટર કે એમ ખપેડ દ્વારા આ તમામ વાહનોની યાદી તૈયાર કરી માલિકોને નોટીસ ફટકારવા સૂચના આપવામાં આવી હતી. જે બાદ તાત્કાલિક ટેક્સની રકમ ભરી દેવા 1223 જેટલી નોટીસ ફટકારવામાં આવી હતી. સાથોસાથ આ તમામ વાહન માલિકોને રેવેન્યુ રિકવરી સર્ટિફિકેટ(આરઆરસી)ની નોટીસ આપવામાં આવી હતી.

આરટીઓ તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટીસને પગલે 243 કેસમાં તાત્કાલિક રૂ. 1,00,07,438 જેવડી માતબર રકમ ભરી દેવામાં આવતા સરકારને નોંધપાત્ર આવક થવા પામી છે. જેમાં સ્કૂલ બસ પેટે રૂ. 40,582, ટેક્સી વાહન પેટે રૂ. 7,21,346, મેક્સી વાહન પેટે રૂ. 7,50,158, ગૂડ્સ વાહન પેટે રૂ. 26,40,576, એક્સકેવેટર પેટે રૂ. 12,69,342 અને સ્પેશ્યલ ક્ધસ્ટ્રકશન વ્હીકલ પેટે રૂ. 45,85,432ની ભરપાઈ કરી દેવામાં આવી છે.

હજુ પણ ટેક્સ નહિ ભરનારા વાહન માલિકોને વધુ એકવાર રીમાઇન્ડર નોટીસ ફટકારી વધુ એકવાર ટેક્સ પેટેની રકમ ભરી દેવા મુદ્દત આપવામાં આવી છે. જો હવે નિયત સમયગાળામાં ટેક્સની ભરપાઈ નહિ કરવામાં આવે તો પછી આરટીઓ રેવન્યુ તંત્ર સાથે મળીને મિલ્કત પર બોજો નાખવાની શરૂઆત કરી દેનારી છે.

421 વાહન માલિકોને રીમાઈન્ડર નોટિસ સ્વરૂપે અંતિમ તક

આરટીઓ કે એમ ખપેડે ’અબતક’ને આપેલી વિગત મુજબ ટેક્સ ભરવામાં બાકી રહેતા 421 વાહન માલિકોને રીમાઇન્ડર તેમજ કલમ 152 હેઠળ નોટીસ ફટકારી ટેક્સની ભરપાઈ કરવા અંતિમ તક આપવામાં આવી છે. જો નિયત સમય માર્યાદામાં ટેક્સની રકમની ચુકવણી નહિ કરવામાં આવે તો વાહન માલિકોની મિલ્કત પર બોજો લાદવામાં આવશે.

23 જેટલાં કેસોમાં વસુલાત માટે બોજો નાખવાની કામગીરી શરૂ કરતું મામલતદાર તંત્ર

આરટીઓ તંત્રે ફટકારેલી કુલ નોટીસ પૈકી હજુ 421 કેસોમાં આશરે રૂ. 20 કરોડ જેવી રકમની વસુલાત બાકી હોય આરટીઓ તંત્ર દ્વારા વિછિયા, ગોંડલ, જેતપુર, ઉપલેટા, રાજકોટ ગ્રામ્ય મામલતદાર તંત્રને 23 જેટલાં કેસોમાં વસુલાત માટે બોજા નોંધ કરી મિલકતોની વિગતો મંગાવી છે. બોજો નાખવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે જેથી ટૂંક સમયમાં ટેક્સ નહિ ભરનારાની મિલ્કત પર બોજો નાખી દેવામાં આવનાર છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.