આ ચોમાસાની સીઝનમાં ફરવા જવાની એક અલગ જ મજા હોય છે. ઘણા લોકો ચોમાસામાં પહાડો પર જવાનું પસંદ કરે છે. તો કેટલાક લોકો હિલસ્ટેશન પર ફરવા માટે જાય છે. ફરવાના શોખીન લોકોને આ સીઝનમાં ખૂબ મજા આવે છે. તે ઝરમર વરસાદમાં ફરવાની તક ગુમાવતા નથી. આવી ઋતુમાં મોટાભાગના લોકોને લોન્ગ ડ્રાઈવ પર જવું પણ ગમે છે. જો તમે પણ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો આ જગ્યાઓ ફરવા માટે બેસ્ટ છે. જ્યાં જઈને તમને એક અલગ જ આનંદ મળે છે. ચાલો જાણીએ આ જગ્યાઓ વિશે.
મધ્યપ્રદેશમાં ફરવા માટેનાં બેસ્ટ સ્થળ
શિવપુરી
શિવપુરી ગ્વાલિયરથી 119 કિલોમીટરના અંતરે આવેલું છે. આ સ્થળ પર શાંતિ અને સુંદરતાથી ભરપૂર નજારો જોવા મળે છે. તેમજ આ સ્થળ એક પ્રવાસી સ્થળ તરીકે જાણીતું છે. અહીંનો સુરવાયા કિલ્લો પણ જોવાલાયક છે. જેની દીવાલો અને મંદિરના અવશેષો પ્રાચીન કાળથી જાણીતા છે. શિવપુરીમાં માધવ નેશનલ પાર્ક આવેલું છે. જ્યારે નરવર કિલ્લાની મુલાકાત તમને ઇતિહાસ સાથે રૂબરૂ મુલાકાત લેવાની તક આપે છે. તેમજ આ સ્થળ પર આવેલા કેટલાક મહેલો અને તળાવો અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે.
દતિયા
દતિયા એ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના દતિયા જિલ્લામાં આવેલું એક શહેર છે. તે જિલ્લાનું મુખ્ય મથક પણ છે. ભૌગોલિક રીતે તે બુંદેલખંડ પ્રદેશમાં છે. આ શહેર 16મી સદીમાં બુંદેલખંડના પ્રખ્યાત બુંદેલા રાજા વીર સિંહ જુ દેવ દ્વારા વસાવવામાં આવ્યું હતું. આ સ્થળ પર આવેલું પીતામ્બર પીઠ મંદિર ખૂબ જ ખાસ છે. જે તેના ભવ્ય સ્થાપત્ય અને આધ્યાત્મિક અનુભવ માટે જાણીતું છે. જો તમે આ સ્થળ પર ફરવા આવવાનું વિચારી રહ્યા છો. તો બગલામુખી દેવીના આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં. ગ્વાલિયર નજીક ઉત્તર પ્રદેશની સરહદ પર આવેલું દતિયા મધ્ય પ્રદેશનું એક લોકપ્રિય તીર્થ સ્થળ છે. અગાઉ તે મધ્યપ્રદેશ રાજ્યમાં રજવાડું હતું. પણ હવે તે સ્વતંત્ર જિલ્લો છે. તે ઉત્તરમાં ભીંડ અને જાલૌન, દક્ષિણમાં શિવપુરી અને ઝાંસી, પૂર્વમાં સમથાર અને ઝાંસી અને પશ્ચિમમાં ગ્વાલિયરથી ઘેરાયેલું છે. સિંધ અને પાહુજ જિલ્લાની મુખ્ય નદીઓ આવેલી છે. અહીંની મોટાભાગની જમીન બિનફળદ્રુપ છે. અહીં કઠોળ, ઘઉં, જુવાર, કપાસ વગેરેની ખેતી થાય છે.
ઓરછા
ઓરછા એ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના નિવારી જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક શહેર છે. તેની સ્થાપના રૂદ્ર પ્રતાપ સિંહ બુંદેલા દ્વારા 1501 પછીના સમય પછી સમાન નામના રાજ્યની રાજધાની તરીકે કરવામાં આવી હતી. ઓરછા બુંદેલખંડ પ્રદેશમાં બેતવા નદીના કિનારે આવેલું છે. તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં ટીકમગઢથી 80 કિમી અને ઝાંસીથી 15 કિમી દૂર આવેલું છે. અહીં આવીને જ તમને ઓરછાની સુંદરતાનો અનોખો નજારો જોવા મળે છે. લક્ષ્મી નારાયણ મંદિરમાં માત્ર ભગવાનના આશીર્વાદ લેવા જ નહીં, પણ અહીંની કોતરણીને કેમેરામાં કેદ કરવાનું પણ તમે ભૂલતા નહીં. બુંદેલા રાજાઓ અને તેમના પરિવારોની યાદમાં બનાવવામાં આવેલા સ્મારકો અને છત્રીઓ અહીં જોવાલાયક છે. આ એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન રામની રાજા તરીકે પૂજા થાય છે. ઓરછામાં એક પક્ષી અભયારણ્ય પણ છે. જ્યાં તમે વિવિધ પ્રકારના પક્ષીઓ અને વૃક્ષો અને છોડ જોઈ શકો છો.
મોરેના
મોરેના એ ભારતના મધ્ય પ્રદેશ રાજ્યના મોરેના જિલ્લામાં આવેલું શહેર છે. તે જિલ્લાનું મુખ્ય મથક પણ છે. જો તમે પ્રાણીઓ અને પક્ષીઓને જોવાના શોખીન છો. તો તમારે ચોક્કસપણે રાષ્ટ્રીય ચંબલ અભયારણ્યની મુલાકાત લેવી જોઈએ. જ્યાં તમે ભયંકર મગરથી લઈને લાલ તાજવાળા કાચબા સુધી બધું જોઈ શકો છો. ગંગા નદીમાં ડોલ્ફિનને ફરતી જોવાનો અનુભવ પણ ખૂબ જ મજેદાર હોય છે. તેમજ અહીં નજીકમાં બટેશ્વર મંદિર જૂથ પણ આવેલું છે. જે વારસાનો ખજાનો કહેવામા આવે છે.