લિપસ્ટિક મેકઅપનો એક એવો ભાગ છે જેના વિના ચહેરાનો મેકઅપ ઘણીવાર અધૂરો ગણાય છે. લિપસ્ટિક્સ વિવિધ રંગોની હોય છે અને વિવિધ પ્રકારના રસાયણોથી બનેલી હોય છે. આજકાલ ઘણી બ્રાન્ડ્સ હર્બલ લિપસ્ટિક પણ બનાવે છે. આ લિપસ્ટિકના ઘણા પ્રકાર છે. જેમ કે મેટ લિપસ્ટિક, ગ્લોસી લિપસ્ટિક, ક્રીમી મેટ, ક્રેયોન અને લિક્વિડ વગેરે. જો છોકરીઓ રોજ લાલ લિપસ્ટિક ન કરતી હોય તો તેઓ બ્રાઉન, બેજ કે પિંક જેવા નેચરલ શેડ્સ પસંદ કરે છે. પણ લિપસ્ટિકનો રંગ અને બ્રાન્ડ કોઈ પણ હોય લિપસ્ટિકની ઘણી આડઅસર થઈ શકે છે. લાંબા સમયથી કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં લિપસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે.
મેકઅપ સાથે મેચિંગ લિપસ્ટિક સુંદરતામાં વધુ વધારો કરે છે. પણ શું તમે ક્યારેય નોંધ્યું છે કે સુંદરતા વધારતી લિપસ્ટિકના ગેરફાયદા પણ હોઈ શકે છે? જો તમારા મનમાં પણ આવો જ સવાલ ચાલી રહ્યો હોય તો અમે તમને જણાવી દઈએ કે લિપસ્ટિક તમારા હોઠને નુકસાન પહોંચાડી શકે છે. પણ તમામ લિપસ્ટિક હોઠને નુકસાન પહોંચાડતા નથી. નિયમિતપણે લિપસ્ટિક લગાવવાથી હોઠને શું નુકસાન થઈ શકે છે જાણો તે વિશે.
લિપસ્ટિક તમારા હોઠને કઈ રીતે નુકસાન પહોંચાડે છે
હોઠ ફાટી જાય
લિપસ્ટિકમાં રહેલાં અલગ-અલગ તત્ત્વો સિવાય અન્ય ઘણા પરિબળો છે જે હોઠને નુકસાન પહોંચાડે છે. રોજ લિપસ્ટિક લગાવવાથી હોઠ ડ્રાય થઈ શકે છે. આના કારણે હોઠ ફાટી પણ શકે છે. પણ ગુણવત્તાયુક્ત લિપસ્ટિકમાં ઘણીવાર તેલ અને માખણ જેવા ઘણા મોઇશ્ચરાઇઝિંગ ઘટકો હોય છે જે હોઠની હાઇડ્રેશન જાળવવામાં મદદ કરે છે. આ સિવાય હોઠને મોઈશ્ચરાઈઝ કરીને ડ્રાયનેસ ઘટાડી શકાય છે. લિપસ્ટિક મેટ, ક્રીમી મેટ અથવા લિક્વિડ હોઈ શકે છે. પણ તે હોઠને કોઈ કુદરતી ભેજ આપતી નથી પણ તેને શુષ્ક બનાવવામાં ફાળો આપે છે. આવી સ્થિતિમાં જો તમારે રોજ લિપસ્ટિક લગાવવી પડે તો પણ હોઠની સંભાળ પર ધ્યાન આપવું જરૂરી છે.
લિપસ્ટિક લગાવવાથી એલર્જી થઈ શકે
ઘણા લોકો માને છે કે લિપસ્ટિક લગાવવાથી એલર્જી થઈ શકે છે. તમને લિપસ્ટિકથી એલર્જી હોઈ શકે છે. પણ તે ગુણવત્તા પર પણ આધાર રાખે છે. મોટી અને જાણીતી કોસ્મેટિક કંપનીઓ સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. તેથી, સારી ગુણવત્તાની લિપસ્ટિકથી એલર્જીનું જોખમ ઓછું રહે છે. જો લિપસ્ટિકમાં જરૂર કરતાં વધુ રસાયણો હોય તો તે માત્ર હોઠ માટે જ નહીં આસપાસની ત્વચા માટે પણ નુકસાનકારક છે. કેમિકલયુક્ત લિપસ્ટિક હોઠ પર ખંજવાળ અને બળતરા પેદા કરી શકે છે અને હોઠની આસપાસની ત્વચાને પણ અસર કરે છે.
આરોગ્ય માટે નુકસાન
હોઠ પર લિપસ્ટિક લગાડવામાં આવે છે અને જીભ પણ તેને સ્પર્શે છે. તે સ્પષ્ટ છે કે લિપસ્ટિક સીધી મોંમાં અને મોંમાંથી પેટમાં જાય છે. આ કારણે લિપસ્ટિકમાંથી રસાયણો પણ પેટમાં જાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. તેનાથી શરીરના આંતરિક અવયવોને ચેપ અને નુકસાન પણ થઈ શકે છે.
શું ધ્યાનમાં રાખવું જોઈએ
હાઇડ્રેશન :
સૂકા હોઠને મુલાયમ રાખવા માટે તમારી જાતને હાઇડ્રેટેડ રાખો. દિવસભર પુષ્કળ પાણી પીવો. જ્યારે તમારા હોઠ હાઇડ્રેટેડ હોય છે. ત્યારે તે સુકાઈ જવાની શક્યતા ઓછી હોય છે.
એક્સ્ફોલિયેશન :
સ્ક્રબર અથવા સોફ્ટ બ્રશ વડે હોઠને એક્સ્ફોલિએટ કરો. આ હોઠમાંથી ડેડ ત્વચાના કોષોને દૂર કરે છે અને તેને નરમ બનાવે છે. આ લિપસ્ટિકને ફાઇન લાઇનમાં સ્થિર થવાથી અટકાવે છે.
લિપ બામ લગાવો :
લિપસ્ટિક લગાવતા પહેલા તમારા હોઠ પર લિપ બામ અથવા કન્ડિશનર લગાવો. તેનાથી હોઠની શુષ્કતા ઓછી થાય છે.