- રૈયા ટેલિફોન પાસે ગારમેન્ટનો ધંધો શરૂ કર્યા બાદ શ્યામ ભૂતને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા રાજકોટના ચાર અને જામનગરના એક વ્યાજખોરના વમળમાં ફસાયા
શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ અવિરત વધી રહ્યો છે. ત્યારે વધું એક વેપારી વ્યાજના ચક્રમાં ફસાયો હતો. મૂળ ધોરાજીના અને હાલ રાજકોટ રહેતાં વેપારીએ ધંધા માટે પાંચ વ્યાજખોરો પાસેથી લીધેલા 1.67 કરોડના 3.81 કરોડ પડાવી લીધાં છતાં વધું રૂ.1.60 કરોડ પડાવવા વેપારીને ધમકી આપી દુકાનમાં ઘુસી કોરા ચેક લઈ જઈ ચેક બાઉન્સ કરાવી ફરીયાદ કરી ક્રેટા કાર પણ પડાવી લીધી હતી. બનાવ અંગે વેપારીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મૂળ ધોરાજીના અને હાલ ટેલિફોન એક્સચેન્જ પાછળ હરિહરનગર-3 માં સન પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતાં શ્યામભાઈ દિનેશભાઈ ભૂત (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિપ કિરીટ ટીલવા, પિયુષ ભગવાનજી ફળદુ, ભરત હરી જાગાણી, રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ વાઘેલા (રહે. ચારેય રાજકોટ) અને અનિરુદ્ધસિંહ સજુભા જાડેજા (રહે. જામનગર) નું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કપડાનો વેપાર કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2011 થી તેઓ રાજકોટ રહેવા તેમજ ધંધો કરવા આવેલ હતો. સ્વામી એન્ટરપ્રાઇઝ પેઢીના નામે રેડીમેટ ગાર્મેટનો રીટેઇલ તથા હોલસેલના વેપારની શરૂઆત કરેલ તે દરમ્યાન વેપાર વધતા તેમને વધારે મુડી રોકાણની જરૂરીયાત ઉભી થતા તેમના માસીના દિકરા દીપ ટીલવા પાસેથી વર્ષ 2016 માં વર્ષમાં કટકે-કટકે બેંક અને રોકડ રૂ.25 લાખ ત્રણ ટકા લેખે વ્યાજે લિધેલ હતા.
તેમને કટકે કટકે ચેકથી તથા રોકડમા કુલ રૂ.55 લાખ જેટલા મુદ્દલ તથા વ્યાજ સહીત તેઓને આપી દિધેલ હતાં, તેમ છતા પણ દીપ ટીલવા વધુ રકમની માંગણી કરે છે. તે સમય દરમ્યાન તેમનો ધંધો સમગ્ર સૌરાષ્ટ્ર- કચ્છમાં વિસ્તરેલ હોય અને ધંધામા પૈસાની અવાર-નવાર જરૂરીયાત ઉભી થતા વર્ષ 2016-17 માં પીયુષ ફળદુ પાસેથી બેન્કથી તથા રોકડ મારફતે રૂ.27 લાખ 3 ટકાના વ્યાજે લિધેલ હતાં.
જેમનું વ્યાજ દર મહીને રોકડમા રૂ. 54 હજાર ચુકવતો હતો. જેમા તેને સિક્યુરીટી પેટે કોરા ચેક આપેલ છે, વ્યાજખોર પીયુષને આજ સુધી કુલ વ્યાજ સહીત રૂ.70 લાખ રોકડમા ચુકવી આપેલ છે. તેમ છતાં પીયુષ હજુ વ્યાજના વધુ રૂ.24.50 લાખની માંગણી કરે છે. ત્યારબાદ ભરત જાગાણી પાસેથી વર્ષ 2016 થી 2018 દરમ્યાન કટકે કટકે 3 ટકાના કુલ રૂ.40 લાખ રોકડમા અને વર્ષ 2019 માં વર્ષમાં બીજી વખત 3 ટકાના વ્યાજે રૂ.50 લાખ રોકડમા લિધેલ હતા.તે રકમની સામે ભરતને રૂ.1.50 કરોડ ચુકવી આપેલ હતાં. તેમ છતાં ભરત હજુ રૂ.1 કરોડની માંગણી કરે છે, અને તેમને જે તે વખતે કોઈ ચેક આપેલ ન હતો તેમ છતા તેમણે રાજ બેંકનો એક કરોડ રૂપીયાનો ચેક ભરી તેમના વિરૂધ્ધ કોર્ટમાં ફરીયાદ કરેલ છે. તેમજ ભરત તેમની ઓફીસ અને ઘરે આવી બોલાચાલી ઝગડો કરી તેમને માર મારેલ હતો.જામનગરના વ્યાજખોર અનિરૂધ્ધસિંહ જાડેજા પાસેથી વર્ષ 2018-19 ના વર્ષમાં તેઓનો શો-રૂમ જામનગર આવેલ હોય જેનું સંચાલન સાંભળતા પરેશભાઈ પટેલની ઓળખાણથી કટકે કટકે આંગડીયા મારફતે જામનગરથી કુલ રૂ.15 લાખ 5 ટકાના વ્યાજે લિઘેલ હતા, જેમને કુલ વ્યાજ સહીત રૂ.53 લાખ આપેલ હતા. તેમ છતા આરોપી હજુ રૂ.35 લાખની માંગણી કરે છે.યુવાને પોતાની ક્રેટા કાર અનિરૂધ્ધસિંહને પૈસાની અવેજમા આપેલ હતી. બાદમાં ફરીવાર પૈસાની જરૂરીયાત ઉભી થતા વર્ષ 2022 ના જાન્યુઆરી માસમાં વ્યાજ આપવાનુ બંધ કરી દિધેલ હતું. એકાદ માસ બાદ અનિરૂધ્ધસિંહ તેમની ઓફીસે આવેલ અને બળજબરીથી તેમની પત્નિ કૃતીબેનના નામના સાત કોરા ચેક લઈ ગયેલ હતો. બાદમા રૂ.53 લાખ આપી દિધેલ છતા તેઓની કાર પરત કે ચેક પરત આપેલ નથી.
પોલીસ દ્વારા યોજવામાં આવશે લોક દરબારમાં હિંમત આવતા રજુઆત કરી હતી અને પોલીસ કમિશ્નર ના સહયોગથી ગુનો નોંધાયો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વ્યાજ સાથે મુદ્દલ આપી દીધા છતાં કાર પચાવી પાડી
ફરિયાદી પોતાની કાર મેળવવા અનિરૂધ્ધસિંહને ફોન કરતો ત્યારે તે કહેતો કે, હજુ તારે મને વધુ વ્યાજ અને પેનલ્ટીની રકમ આપવી પડશે તો જ તને કાર પાછી આપીશ અને જો તુ મને તે રકમ નહી દે તો હું તને ગમે ત્યારે મારી નાખીશ કહીં ધમકી આપી વારંવાર ગાળો દેતો હતો.
રાજદીપસિંહ વાઘેલાએ હવાલો લઇ બમણી ઉઘરાણી શરૂ કરી
રાજદીપસિંહ વાઘેલા પાસેથી વર્ષ 2019 મા મીત્ર રોહિત ઉર્ફે પ્રતિક ચોવટીયાએ આશરે રૂ.40 લાખ રૂપીયા લિધેલ હોય અને તે વખતે રોહિત સુરત રહેતો હતો.જેથી તે આંગડીયા મારફતે રાજદિપસિંહનુ વ્યાજ મોકલતો જે દુકાનેથી વ્યાજખોરને આપતો હતો. છએક માસ સુધી પ્રતિકે પૈસા મોકલેલ અને બાદમાં પ્રતિકે પૈસા આપવાનું બંધ કરી દિધેલ હતું. જેથી રાજદિપસિંહ ફરિયાદીની દુકાને આવી ડરાવી ધમકાવી કહેતા કે, પ્રતિકે લીધેલ 40 લાખનુ વ્યાજ તારે જ આપવુ પડશે જેથી દર માસે તેઓ વ્યાજખોરને 40 લાખના 4.5 ટકા લેખે વ્યાજ સહિત દર માસે રૂ.1.80 લાખ ચુકવતો હતો. ધંધામાં પૈસાની જરૂર હોય જેથી પોતે પણ રાજદીપસિંહ પાસેથી વર્ષ 2021માં રૂ.10 લાખ 5 ટકાના વ્યાજે લિધેલ હતા અને મહીને તેમને રૂ.50 હજાર વ્યાજ ચુકવતો હતો. તેમના મિત્ર પ્રતિકે લીધેલ 10 લાખ અને પોતે લીધેલ રૂ.10 લાખના વ્યાજ સહીત કુલ રૂ.53 લાખ ચુકવેલ હતા. ઉપરાંત દિપ ટીલવાએ તેમજી વધુ વ્યાજ લેવા માટે રાજદિપસિંહને રકમ કઢાવવા હવાલો આપેલ હોય. જેથી રાજદિપસિંહ પૈસાણી બમણી ઉઘરાણી કરતો હતો.
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારી મુંબઈ ભાગી ગયો
પાંચેય વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા જેથી વેપારી વર્ષ 2022 ના ઓગસ્ટમાં બોમ્બે જતો રહેલો અને તે દરમ્યાન રાજદીપસિંહ તેમના ઘરે માતા પિતા પાસે આવી પૈસાની ઉઘરાણી કરી ધમકી આપતો હતો. વર્ષ 2023 ના ઓક્ટોબર મહિનામાં ફરી રાજદિપસિંહ ઘરે આવેલા અને વેપારીના પત્નિને કહેલ કે, શ્યામ ક્યા છે, અમો એ કહેલ તે ઘરે નથી મારા પત્નિને ધક્કો મારી બેડરૂમમાં ચેક કરેલ અને બાજુમા ઓફીસ હોય તે પણ ચેક કરેલ અને પરીવારજનોને બોલી જતો રહેલ હતો. જેથી વેપારી વ્યાજખોરોના ભયના કારણે મુંબઈ સહિતના સ્થળોએ છુપાઈને રહેતો હતો. બાદ પોલીસ કમિશનર દ્વારા લોક દરબાર યોજવાના હોવાની જાણ થતા રાજકોટ ખાતે દોડી આવીને ફરિયાદ કરી હતી.