મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની ગ્રામીણ નારીશક્તિ સાથે “સખી સંવાદ” અંતર્ગત ગાંધીનગરમાં પ્રત્યક્ષ સંવાદનો સેતુ સાધશે

બુધવાર, તા. ૩૧ જુલાઈએ સવારે મહાત્મા મંદિર ખાતે રાજ્યના ૨૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ત્રણ લાખ જેટલી માતા બહેનોને ₹ ૩૫૦ કરોડની સહાય-લાભ વિતરણનો કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોના સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની નારીશક્તિ સાથે બુધવાર, તા. ૩૧ જુલાઈએ સવારે ૧૧:૦૦ કલાકે “સખી સંવાદ” અંતર્ગત પ્રત્યક્ષ સંવાદનો સેતુ ગાંધીનગરના મહાત્મા મંદિર માં આયોજિત કાર્યક્રમથી સાધશે.

ગ્રામીણ બહેનોના સામાજિક ઉત્થાનથી તેમનું જીવન ધોરણ ઊંચું લાવીને તેમને આર્થિક રીતે પગભર કરવા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વ-સહાય જૂથ, સેલ્ફ હેલ્પ ગ્રુપની રચના કરવામાં આવતી હોય છે.B

સ્વ-સહાય જૂથોની બહેનોને આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડીને તેમને આર્થિક રીતે પગભર બનાવવા રાજ્ય સરકારે અનેક આયામો હાથ ધર્યા છે.

રાજ્યભરના આવા ૨૮ હજારથી વધુ સ્વ-સહાય જૂથની સભ્ય એવી ગ્રામીણ નારીશક્તિને કુલ ૩૫૦ કરોડ રૂપિયાના લાભ વિતરણ કરવા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ ગ્રામીણ નારીશક્તિ સાથે વાતચીત પણ કરવાના છે.

રાજ્ય સરકારે ગુજરાત લાઈવલી હૂડ પ્રમોશન કંપનીની સ્થાપના કરીને આવી બહેનોના સ્વ-સહાય જૂથોને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન થકી રિવોલ્વિંગ ફંડ, કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ અને કેશ ક્રેડિટ તથા ટ્રેનીંગ અને કેપેસિટી બિલ્ડીંગની સુવિધા ઉપલબ્ધ કરાવી સફળતા નો રાહ ચિંધ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યની આવી સફળ ગ્રામીણ મહિલાશક્તિ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ પણ જાણશે તથા તેને દૂર કરવા માટેનું માર્ગદર્શન પૂરું પાડશે.

“સખી સંવાદ”ના આ અભિનવ પ્રયોગમાં સહભાગી થનારી ૩૩ જિલ્લાઓની બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના સ્ટોલ્સ પણ આ “સખી સંવાદ” કાર્યક્રમ સ્થળે રાખવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ કાર્યક્રમમાં મંત્રી રાઘવજીભાઇ પટેલ, રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ તેમજ ગાંધીનગર જિલ્લાના ધારાસભ્યઓ, ગાંધીનગરના મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ અને મુખ્ય સચિવ રાજકુમાર ખાસ ઉપસ્થિત રહેવાના છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.