- ગીર સોમનાથ પોલીસની પ્રસંશનીય કામગીરી
- મૃતક બાળકીના પરિજનોને રૂ. 17 લાખનું વળતર ચૂકવવા અદાલતનો આદેશ
12મી જૂન 2022ના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાની 8 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરી તેણીની હત્યા કરી દેનાર નરાધમને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સજા અપાવવા પાછળ ગીર સોમનાથ પોલીસની કામગીરી અત્યંત પ્રસંશનીય રહી છે. પોલીસે ફક્ત 25 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં સબમીટ કરી દેતા અદાલતે ટૂંકા સમયમાં જ પોતાનો ચુકાદો આપી દીધો હતો. આ પ્રકારની કડક કાર્યવાહી થકી, ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો સામે રાજ્ય સરકારે આવા નરાધમોને ચેતવણીનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
રાજ્યમાં બાળકીઓ પર થતા દુષ્કર્મ અને હત્યા જેવા ગુનાઓ પર સદંતર અંકુશ લાવવા આવા નરાધમ તત્વો સામે ખૂબ જ ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી કડકમાં કડક સજા કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આવા કેસોમાં ગુજરાત પોલીસને સઘન કાર્યવાહી કરવા આદેશો આપેલા છે. એટલું જ નહિ, આ પ્રકારના ગંભીર અને સંવેદનશીલ કેસમાં બારીકાઈથી તપાસ હાથ ધરી તમામ આનુષંગિક વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાઓ એકત્ર કરી દોષિતોને ફ્રાંસી સુધીની સજા થાય તેવું ઇન્વેસ્ટીગેશન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને ત્યાર બાદ તેણીની હત્યાનો બનાવ બનતા આ બનાવની ગંભીરતાને આધારે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્ય મંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીની બનેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી. આ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમે એફએસએલની મદદ લઇ તમામ સાંયોગિક પુરાવા એકઠા કરી 25 દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરી હતી.
આ કેસ નામદર કોર્ટમાં ચાલી જતા નરાધમને ફાંસીની સજા ફરમાવી છે. એટલું જ નહિ, બાળકીના પરિવારને 17 લાખ વળતર ચૂકવવા આરોપીને આદેશ કર્યા છે. દુષ્કર્મ આચરનાર નરાધમને મળેલી કડક એવી ફાંસીની સજાથી માસૂમ દીકરીના પરિવારજનોને રાજ્ય સરકારે આપેલી બાહેધરી અને ગૃહમંત્રીએ આપેલું વચન આજે પૂર્ણ થયું છે અને સાધુ સમાજની દીકરીને ન્યાય મળ્યો છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એસઆઈટીની કરાઈ હતી રચના
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલા આદેશને પગલે જૂનાગઢ રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક ડીવાયએસપી અને ત્રણ પીઆઈની એસઆઈટીની રચના કરવામાં આવી હતી.
એસઆઈટીએ વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવ્યા, 80 સાહેદના નિવેદન સાથેનું 250 પાનાનું ચાર્જશીટ તૈયાર કર્યું
મામલામાં એસઆઈટીની રચના થયાં બાદ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પોલીસે બાળકીનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી મેડિકલ સેમ્પલ મેળવી તાત્કાલિક એફએસએલ માટે મોકલવામાં આવ્યા હતા. એસઆઈટીએ કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ મેળવી રીક્ધસ્ટ્રકશન પંચનામું, બે ડિસ્કવરી પંચનામા તથા ક્રાઇમસીનનું પંચનામું કરી તમામ પુરાવા એકત્ર કર્યા હતા. જે બાદ 80 સાહેદ અને પંચોના નિવેદન નોંધી ફક્ત 25 દિવસમાં ચાર્જશીટ સબમીટ કરી હતી.