• દાવો કરાયેલી જમીન ડીઆઇએલઆરની માપણી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હદની બહાર છે: અમારા રેકર્ડ પર બધું બરાબર છે છતાં તમારી પાસે વધુ પૂરાવા હોય તો આપો: મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ યુનિવર્સિટીને પત્ર લખ્યો

શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર એવા લાડાણી ગ્રુપના પ્રોજેક્ટ સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ વાંધો ઉઠાવી જ્યાં રેસિડેન્સ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે જમીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની હોવાનો દાવો કર્યો હતો અને કોર્પોરેશનને પત્ર લખ્યો હતો. જેમાં લાડાણી ગ્રુપ નખશીખ પ્રામાણીક અને સાચું સાબિત થયું છે. યુનિવર્સિટીને કોર્પોરેશનની લપડાક પડી છે. મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ આજે કુલપતિને પત્ર લખી એવી ટકોર કરી છે કે અમારા રેકર્ડ મુજબ બધું જ બરાબર છે. લાડાણી ગ્રુપે કોઇ જ કૌભાંડ કર્યું નથી. છતાં જો તમારી પાસે વધુ પૂરાવા હોય તો તાત્કાલીક અસરથી રજૂ કરો તેવું પણ પત્રમાં જણાવવામાં આવ્યું છે. આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મુંજકાના સર્વે નં.49 અને રૈયાના સર્વે નં.23ની 409 એકર જમીન પૈકી ટીપી સ્કિમ નં.16 (રૈયા)ના ફાઇનલ પ્લોટ નં.27ની 1542 ચોરસ મીટર (1844 વાર) જમીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છે. જેના પર લાડાણી એસોસિયેટ્સ દ્વારા 11 માળનું રહેણાંક હેતુનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનો દાવો યુનિવર્સિટી દ્વારા કોર્પોરેશન સમક્ષ કરવામાં આવ્યો હતો. દરમિયાન આ કેસ ઊંડાણપૂર્વકની તપાસ કર્યા બાદ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને એક પત્ર લખ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે રૈયા ટીપી સ્કિમ નં.16ના ફાઇનલ પ્લોટ નં.27ની જે જમીન પર યુનિવર્સિટી દ્વારા પોતાની માલિકીની જમીન હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તે ખોટો છે. ડીઆઇએલઆરની માપણી મુજબ આ જમીન યુનિવર્સિટીની હદની બહાર જ છે. ટીપી સ્કિમ બન્યા બાદ જમીનના કબ્જા લેવા-દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્યારે બધું બરાબર હતું. કોર્પોરેશનના રેકર્ડ પર તમામ પ્રક્રિયા યોગ્ય રીતે જ કરવામાં આવી છે. કોઇપણ પ્રકારનું ખોટું બાંધકામ થતું નથી કે જમીન યુનિવર્સિટીની નથી છતાં જો તમારી પાસે વધુ પૂરાવા હોય તો રજૂ કરવા તાકીદ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લાડાણી એસોસિયેટ્સના પ્રોજેક્ટમાં યુનિવર્સિટી દ્વારા જમીન વિવાદ ઉભો કરવામાં આવતા દિલીપભાઇ લાડાણીએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન એવું જણાવ્યું હતું કે લાડાણી ગ્રુપ દ્વારા કોઇ જ પ્રકારનું ખોટું કામ કરવામાં આવ્યું નથી. અમે આ પ્રોજેક્ટમાં એકપણ ઇંચ જમીન લેવામાં આવી નથી. તેઓએ જમીનની ફેર માપણી અંગેની પણ તૈયારી દર્શાવી હતી. લાડાણી ગ્રુપ નખશીખ, સાચું અને પ્રામાણીક સાબિત થયું છે. બીજી તરફ જમીન વિવાદમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને જબ્બરી લપડાક પડી છે.

  • સ્ટે.ચેરમેન જયમીન ઠાકરના છાશવારે અપરિપક્વ નિવેદન: પક્ષ પણ દ્વિધામાં !
  • એક જવાબદાર પદાધિકારી તરીકે જયમીનભાઇએ તમામ શબ્દોનું મૂલ્ય સમજી નિવેદન આપવું જોઇએ: સતત લપસતી જીભ ક્યારેક મોટી આફત નોતરશે

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકર જવાબદાર પદાધિકારી હોવા છતાં છાશવારે નવા-સવા ચૂંટાયેલા પ્રતિનિધિ જેવા અપરિપક્વ નિવેદન આપી રહ્યા છે. જેના કારણે ભાજપ પક્ષ પણ દ્વિધામાં મૂકાઇ રહ્યો છે. એક જવાબદાર વ્યક્તિ હોવાના કારણે તેઓના દરેક શબ્દોનું ખૂબ જ મહત્વ રહેતું હોય છે. આવામાં તેઓએ શબ્દનું મૂલ્ય સમજી નિવેદન આપવું જોઇએ. સતત લપસતી તેઓની જીભ ક્યારેક મોટી આફત પણ નોતરી દેશે. તેવી શક્યતા પણ જણાઇ રહી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ પ્રતિષ્ઠિત એવા લાડાણી એસોસિએટ્સના પ્રોજેક્ટ સામે વાંધો ઉઠ્યો હતો અને જે જમીન પર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. તે જમીન યુનિવર્સિટીની હોવાનો દાવો કર્યો હતો. આ ઘટનામાં વિસ્તૃત માહિતી ન હોવા છતાં જયમીનભાઇ ઠાકરે ન્યૂઝ ચેનલના પ્રતિનિધિઓ સમક્ષ એવું નિવેદન આપ્યું હતું કે જરૂર જણાશે તો કોર્પોરેશન વિવાદિત જમીન પર ખડકાયેલું બાંધકામ તોડી પાડશે. ખરેખર તેઓએ એક જવાબદાર પદાધિકારી તરીકે આ કિસ્સામાં તમામ કાર્યવાહી કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે. આમા શાસક પક્ષનો કોઇ રોલ હોતો નથી. તેવું જણાવવું જોઇતું હતું. પરંતુ તેઓ સતત અપરિપક્વ નિવેદન આપી રહ્યા છે.

જનરલ બોર્ડના દિવસે પણ તેઓએ ન્યૂઝ ચેનલ સમક્ષ એવું જણાવ્યું હતું કે અગ્નિકાંડની ઘટનામાં સીટ દ્વારા અઢી લાખ પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ખરેખર સીટનો રિપોર્ટ ગુપ્ત હોય છે અને તે રાજ્ય સરકારમાં રજૂ કરી દેવામાં આવ્યો છે. સરકાર હાઇકોર્ટમાં પણ રજૂ કરી ચૂકી છે. આવી ગુપ્ત વાતો ખબર હોય તો પણ ક્યારેય જાહેર કરવાની હોતી નથી.

લોકસભાની ચૂંટણી વેળાએ જ્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજાઇ હતી ત્યારે પણ તેઓએ એવું નિવેદન આપ્યું હતું કે હાલ આચાર સંહિતા હોવાના કારણે ક્ષત્રિય સમાજના આંદોલન વિશે કહી શકું તેમ નથી. વાસ્તવ આંદોલન અને આચાર સંહિતાને કોઇ જ સંબંધ હોતો નથી. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની ખુરશી સૌથી મજબૂત માનવામાં આવે છે.

કારણ કે ચેરમેન દ્વારા જ તમામ નિર્ણય લેવામાં આવતા હોય છે અને બજેટ પણ ખડી સમિતિ દ્વારા પાસ કરવામાં આવતું હોય છે. આવામાં ખરેખર જયમીનભાઇએ એક જવાબદાર પદાધિકારી તરીકે નિવેદન આપવાની આવડત કેળવવી પડશે. આડેધડ અને અપરિપક્વ નિવેદનના કારણે પક્ષ પણ ક્યારેક મુંઝવણમાં મૂકાઇ જાય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.