કોઈ વ્યક્તિ કે સાધનનો દોષ નથી હોતો પણ વ્યક્તિ કયાં હેતુથી સાધનનો ઉપયોગ કરે છે તે અગત્યનું છે
ફોજદાર જયદેવ જયારે પોલીસ સ્ટેશનમાંથી જીપ લઈને નીકળતો ત્યારે બે ત્રણ પોલીસ જવાનો જે પોલીસ સ્ટેશનમાં હાજર હોય તેને જીપમાં બેસાડી આટકોટ તરફ હાઈવે ઉપર જતો. રસ્તામાં જે માલવાહક વાહનો પરમીટનો ભંગ કરી પેસેન્જરો બેસાડી નીકળે તેને રોકી મુસાફરોને નીચે ઉતારીતેવાહન તેજ ડ્રાઈવર સાથે એક પોલીસ જવાનને બેસાડી ડીટેઈન કરવા પોલીસ સ્ટેશને મોકલી દેતો. આ રીતે આટકોટ સુધીમાં ત્રણ ચાર વાહનો મળી જાયતે એક એક જવાન સાથે પોલીસ સ્ટેશને રવાના કરતો જાય અને વાહન ડીટેઈન કરવાની કામગીરી થતી જાય.
પરંતુ એક દિવસ જયદેવને ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટ તાત્કાલીક સમયસર પહોચવાનું હોય કોઈ વાહનો ડીટેઈન કરવા નહિ અને સીધા આટકોટ થઈ રાજકોટ પહોચી જવું તેવું નકકી કરી પોતે એકલોજ ડ્રાયવર સાથે જીપમાં નીકળી ગયો.
દરમ્યાન જસદણ અને આટકોટ વચ્ચે એક છકડો રીક્ષા કે જે માલવાહક વાહન હતુ તેમાં પેસેન્જરો ભરીને ડ્રાઈવર આવતો હતો તે દૂરથી દેખાયું પરંતુ છકડાનાં ડ્રાઈવરે પણ પોલીસની જીપને દૂરથી જ જોઈ લીધેલી તેથી તેણે છકડાને રોડથી નીચે ઉતારી રોડ સાઈડમાં ઉભી રાખી ચાલુ એન્જીને રીક્ષા મુકી ઉભા ખેતરે તે ભાગ્યો છકડામાં બેસેલ પેસેન્જરો પણ આ જોઈ ગભરાયા અને છકડો ખીચોખીચ ભરેલો હોવા છતા જલ્દીથી ઉતરવાની કોશીષ કરવા લાગ્યા છકડાના ઠાઠે એક સગર્ભા મહિલા બેઠી હતી. તે છકડામાંથી ઉતરી તો આરામથી ગઈ પરંતુ છકડા ઉપરનો એક ગભરાયેલો યુવાન જલ્દીથી ઉતરી જવા છકડા ઉપરથી ઠેકડો માર્યો તે પડયો પેલી સગર્ભા મહિલા ઉપર અને બંને જમીન ઉપર પટકાયા. પરંતુ પેલી મહિલા ગામડાની માથાફરેલી હતી તેણે ઉભા થઈ પેલા યુવાનને બરાબર મેથી પાક ચખાડયો અને બે વખત જમીન ઉપર પછાડયો!‘ અને તે યુવાન માંડ માંડ તેના હાથમાંથી બચી ને ભાગ્યો!
પરંતુ જયદેવને ધર્મ સંકટ થયું એક બાજુ તેને રાજકોટ પહોચવાની ઉતાવળ હતી બીજી બાજુ આ મહિલાને બીજી કાઈ તકલીફ ન થાય તેમાટે તાત્કાલીક જસદણ હોસ્પિટલે પહોચાડવાનું જરૂરી હતું. રીક્ષા છકડાના ડ્રાઈવરને સાદ પાડી સમજાવવા છતા તે દોડતો ભાગતો જતો હતો.
આથી જયદેવે ખાનગી મોટર ઉભી રખાવી તેમાં આ સગર્ભા મહિલાને અને તેની સાથેની અન્ય મહિલાને બેસાડી જસદણ તરફ રવાના કર્યા. જયદેવે રીક્ષા છકડાનો નંબર નોંધી તાત્કાલીક રાજકોટ તરફ રવાના થયો.
ભય રીક્ષા ડ્રાઈવરને હતો ભય પેસેન્જરોને હતો. ભય પેલો યુવાન કે જે મહિલા ઉપર પડેલ તેને પણ હતો. પરંતુ જયદેવને બે ભય હતા. એક રાજકોટ કોન્ફરન્સમાં મોડા પડવાનો અને બીજો પેલી સગર્ભા મહિલાને બીજુ કાંઈ થાય નહિ તેનો!
એક દિવસ જયદેવ કોઈ ગુન્હાની તપાસમાં બહારગામ હતો. જસદણ કલાલ શેરીમાં બે પાડોશીઓ વચ્ચે કાંઈક ઝઘડો થયો જમાદાર હસુભાઈ તાત્કાલીક ત્યાં પહોચી ગયા તકરાર એવી થયેલી કેએક વ્યકિતની પાણી ખેંચવાની ઈલેકટ્રીક મોટરની ચોરી થયેલ તે મોટર આ વ્યકિત તેના પડોશીના ઘરમાં જોઈને ઓળખી ગયેલા તેથી ઝઘડો થતા પોલીસને બોલાવેલ આથી હસુભાઈ ઈલેકટ્રીક મોટર અને બંને પડોશીઓને લઈને પોલીસ સ્ટેશને આવેલા. આ મોટરની ચોરી કરનાર યુવાન જાડો અને મેદસ્વી હતો બંને પક્ષો વચ્ચે રકઝક થતી હતી તે દરમ્યાન ફરિયાદીએ મોટરનું બીલ રજૂ કરતા આરોપી યુવાન ચોરી કબુલી ગયો અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા. સમાધાનના ચા પાણી બંને પક્ષો વચ્ચે કરાવવાના હોય મંગાવેલ દરમ્યાન જયદેવ બહારગામ તપાસમાંથી પોલીસ સ્ટેશન આવી જતા આ જોઈને પૂછયું શું છે આ બધુ? આથી હસુભાઈએ કહ્યું હવે કાંઈ નથી સમાધાન થઈ ગયું. પરંતુ પુરી વિગત જાણતાજ જયદેવે કહ્યું આ ચોરીઓના સમાધાન ન હોય અને જુઓ જસદણ શહેરમાં કેટલી મોટર ચોરીઓ થયેલ છે.
આ આરોપીની રીમાન્ડ લેવી પડશે અને એફઆઈઆર દાખલ કરવાનું કહેતા જ પેલો ચોરીકરનાર જાડીયો યુવાન ચકકર ખાઈને જમીન ઉપર પડયો અને મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા તેને તાત્કાલીક જીપમાં નાખી હોસ્પિટલમાં દાખલ કર્યો તેણે ભાનમાં આવતા જ હસુભાઈને કહ્યું સાહેબ ભુલ થઈ ગઈ, બીજી બે મોટર ઘરમાં પડી છે તે આપી દઉં છું હવે મને સાહેબ પાસે લઈ જતા નહિ! જસદણ પોલીસ સ્ટેશનનાં ત્રણ ચોરીના ગુન્હા ડીટેકટ થયા.
આરોપીને ભય પોલીસ કાર્યવાહીનો જયદેવનો અને જયદેવને ભય હતો કસ્ટડીયલ ડેથનો!
એક દિવસ જયદેવ ઓફીસ કામ કરતો હતો. પોલીસ સ્ટેશન ઓફીસરે આવીને કહ્યું જસદણ સીવીલ સર્જન પારેખ સાહેબનો ટેલીફોન હતો આપને હોસ્પિટલે બોલાવે છે.
જયદેવ સરકારી દવાખાને ડોકટર પારેખને મળ્યો જયદેવે પુછયું શું હતુ? ડોકટર પારેખે ચા-પાણી મગાવ્યા ચા પીતા પીતા જયદેવને પુછયું ‘રાત્રે કયાંય બહાર ગયા હતા?’ જયદેવે કહ્યું ના હું ગયો નથી’ પરંતુ ત્યાંજ હસુભાઈ આવી ગયા અને કહ્યુંં ‘સાહેબ નહિ સાહેબનું રાજદુત લઈને હું શિવરાજપૂર વોરંટ બજાવવા ગયો હતો. શું બાબત છે?’ ડોકટરે કહ્યું ‘તમારા મોટર સાયકલ ના અવાજથી જ માણસોના પગ ભાંગી જાય છે. નવાઈની વાત તો એ છે કે આ લોકો તમારા જ મોટર સાયકલનો અવાજ કેમ ઓળખી જાય છે?’ હસુભાઈએ કહ્યું કે ‘એક વખત આ રાજદુતના સાયલન્સરની અંદરની ભુંગળી નીકળી ગયેલી અને અવાજ થોડો તીવ્ર આવતો હતો તેથી સાહેબે જ કહ્યુ હવે ભુંગળી નથી નાખવી ભલે અવાજ જુદો આવે!’
બાદ ડોકટરે માંડીને વાત કરી કે ‘ગઈરાત્રીનાં અગીયારેક વાગ્યે શિવરાજપૂર ગામના ચોરા ઉપર બીજે માળે અમુક જણા ભેગા થઈ ગંજીપાનાથી જુગાર રમતા હતા તેવામાં ગામના પાદરમાં મોટર સાયકલ આવવાનો અવાજ સંભળાયો. આ લોકોને આમેય પોલીસનો ડર તો હતો જ. તેવામાં કોઈક મોટર સાયકલ નો અવાજ ઓળખી ગયું કે ફોજદાર સાહેબનું જ મોટર સાયકલ છે. અને ભાગા ભાગી થઈ એક જણાએતો બારીમાંથી જ ઠેકડો માર્યો બચી ગયો પણ પગ ભાંગી ગયા. મોટર સાયકલ તો થોડીવારમાં પાછુ ચાલ્યું ગયું પછી પાછળ પાછળ આ પેશન્ટને રાત્રે દવાખાનામાં દાખલ કરેલ છે ! જયદેવે કહ્યું અરે આના કરતા તો પોલીસ પાસે પકડાયો હોત તો પણ આટલો દુ:ખી થયો ન હોત ! ‘ડોકટર પારેખે કહ્યું’ ચાલો બતાવું હવે કાંઈ કરતા નહિ ‘જયદેવે કહ્યું હવે કાંઈ કરવાનું જ નહોયને !’ જયદેવે પથારીમાં સુતેલ દર્દીને જોયો પ્રથમ તો તે જયદેવને જોઈ આંચકો ખાઈ ગયો. પણ પછી તુરત હાથ જોડી નમસ્કાર કર્યા જયદેવે કહ્યું ગભરાતો નહિ હવે કાંઈ કરવાનું નથી.’
ખરેખર ઘણી વખત કાયદેસરની કાર્યવાહી કરતા તે કાર્યવાહીનો ભય ખૂબજ ભયાનક હોય છે. જયારે વાસ્તવીકતા કાંઈક જુદી જ હોય છે !
શ્રાવણ મહિનાના દર સોમવારે સૌરાષ્ટ્રના લગભગ તમામ ગામડે ઉત્સવ જેવો માહોલ હોય છે. અને શિવમંદિરે લોકોની ભીડ હોય છે. તે ઉપરાંત ઘણા ધાર્મિક અને ઐતિહાસીક સ્થાનોએ નાના મોટા મેળાઓ પણ ભરાતા હોય છે. અને ગામડાના લોકો ધાર્મિક આસ્થા સાથે મેળાનો પણ આનંદ માણતા હોય છે. પરંતુ ‘ગોળ હોય ત્યાં માખો આવે’ તે રીતે આવા સ્થળોએ જુગારીઓ, ખીસ્સાકાત‚ઓ, ચીલ ઝડપીઆ, ઠગો અને જે તે વિસ્તારનાં સ્થાનિક ગૂંડાઓ અને લુખ્ખાઓ પણ આવતા હોય છે. અને પોત પોતાના સીન સપાટા નાખી આમ જનતામાં પોતાની ‘દાદા’ની છાપ જમાવવા પ્રયત્ન કરતા હોય છે. તેમાં કોઈ હરીફ ટોળકી આવી જાય તો ઘર્ષણ થઈ મારામારી પણ થઈ જાય!
આટકોટમાં ગામની પાછળ ભાદર નદીના કાંઠે પૌરાણીક અંબાજી માતાનું મંદિર અને યુધ્ધમાં વિરગતિ પામેલ ‘લાખા ફુલાણી’ની ઐતિહાસીક ખાંભી અને ડેરી આવેલ છે ત્યાં આ રીતે સવારથી જ મેળો ભરાયેલો જે આખો દિવસ ચાલવાનો હતો. દરમ્યાન દસેક વાગ્યે આ મેળામાં બે હરીફ ટોળકીઓ વચ્ચે કાંઈક ચડભડ અને સામાન્ય મારામારી થયેલ જે અંગે નો ફોન કોઈકે જસદણ જયદેવને કર્યો અને જણાવ્યું કે હજુ બન્ને ટોળકીઓ મેળામાં જ છે. મેળામાં મહિલાઓની છેડતી પણ કરે છે. જેથી જયદેવ જીપ લઈને ભાદર નદીનાં કાંઠે મેળાના સ્થળે આવ્યો.
મેળો બરાબર જામ્યો હતો. જયદેવે રસ્તામાં જીપમાંના સ્ટાફને સૂચના કરી જ દીધેલ કે જે જે ગીંગોડા અને ઈતડા (પ્રાણીનું લોહી ચૂસ્તા પરોપજીવી જીવડા ગુનેગારો) જુઓ તેને પ્રથમથી જ ઉપાડી લેવાના. સૂચના પ્રમાણે મેળામાં દાખલ થતા જ એક લુખ્ખાને પોલીસે ઝડપી લીધો અને તુરત જ બંને ટોળકીને અને ગુનેગારોને ખબર પડી ગઈ કે ફોજદાર જયદેવ આવી ગયેલ છે. પરંતુ ભાગીને જવાના રસ્તા ઉપર જ જયદેવ જીપ લઈને આવીને ઉભો હોય આ લુખ્ખાઓ જુગારીઓ માટે ભાગવાનો એક જ રસ્તો હતો ‘ભાદર નદી’ પરંતુ તેમાં પુષ્કળ પાણી હતુ તેમ છતા ગુનેગારો ધબાધબ પાણીમાં ખાબકયા અને તરતા તરતા સામા કાંઠે જવા લાગ્યા જયદેવ માટે બીજો કોઈ વિકલ્પ નહતો. તેમજ કોઈ પ્રશ્ન પણ નહતો. પરંતુ તે વિચારતો હતો કે જો કોઈને તરતા નહિ આવડતુ હોય અને પડશે તો તેને બચાવવાની મુશ્કેલી થશે!
અને ખરેખર તેમજ થયું એક જણ નદીમાં પડયો તરતા ઓછુ આવડે અને પાણી ધણું જ ઉંડુ આથી ડુબકા ખાવા લાગ્યો. પોલીસની જીપમાં આરોપીને બાંધવાની રસ્સી પડી હતી તે લઈને તુરત નદીમાં નાખતા ડુબતા લુખાએ પકડી લેતા ખેંચીને પાછો નદી બહાર લઈ લીધો. કહેવાતુ માનવ અધિકાર ભંગનું સાધન એક માનવની જીંદગી બચાવવામાં કામ આવ્યું ! ખરેખર કોઈ સાધનનો દોષ નથી હોતો. કોઈ વ્યકિતનો દોષ નથી હોતો પણ તે વ્યકિત તે સાધન નો ઉપયોગ કયા હેતુથી કેવી રીતે કરે છે તે મહત્વનું છે.
એક ગુનેગાર પણ છરીનો ઉપયોગ કરે છે. ડોકટર પણ ઓપરેશન થીએટરમાં છરીનો ઉપયોગ કરે છે. બંનેમાં કેટલો તફાવત? એક ગુજરાવવા અને બીજો બચાવવા માટે ! વસ્તુનો ઉપયોગ ‘બહુજનહિતાય બહુજન સુખાય’ છે કે કેમ? તે પણ એક મહત્વનું પાસું છે. પરંતુ તેજે તે વખતે કોણ નકકી કરે? નકકી કરનાર તો દોષીત ના કઠોડામાં હોય છે.
પરંતુ સૌથી આશ્ર્ચર્યજનક અને દુ:ખદ બાબત એ બની કે દસ મીનીટમાંજ મેળો વિખરાઈ ગયો. જાણે અહી કોઈ માણસ જ નહતુ ! જનતા સ્વયંભૂ જ ચાલી ગઈ જયદેવને અફસોસ થયો કે લોકોના ‘રંગમાં ભંગ પડયો’ પણ ખરેખર આ રંગમાં ભંગ પાડનાર કોણ હતુ? ગુંડા ગુનેગારો કે પોલીસ? ‘ભય’ કોનો?