આજના સમયમાં કેટલાક લોકો ખીલની સમસ્યાથી પરેશાન હોય છે. પણ શું તમે ક્યારેય તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે? આપના જીવનમાં બદલાતી જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ ખોરાક, પ્રદૂષણ અથવા હોર્મોનલ અસંતુલન આનું કારણ હોઈ શકે છે. પણ આનું સૌથી સામાન્ય કારણ ખુલ્લા છિદ્રોમાં ગંદકી જમા થવાનું હોય છે.
જો ત્વચાના ખુલ્લા છિદ્રોને સાફ ન કરવામાં આવે તો ત્વચાના ડેડ કોષો, ધૂળ અને પ્રદૂષણના કણો અંદર જમા થવા લાગે છે. જેના કારણે ચહેરા પર નાના-નાના ખાડાઓ દેખાવા લાગે છે. આ સાથે તે ખીલનું કારણ પણ બની શકે છે. તેથી તે ખૂબ જ જરૂરી છે કે ચહેરા પર રહેલાં આ છિદ્રોને સમયસર સાફ કરવામાં આવે જેથી તેમાંથી ગંદકી દૂર થઈ શકે અને તમારો ચહેરો સ્વસ્થ અને સુંદર રહે. જેના માટે તમે આ ટિપ્સને અપનાવી શકો છો.
સનસ્ક્રીન લગાવવાનું રાખો
સૌથી મહત્વની વાત એ છે કે તમારી ત્વચાને સાફ કરવી. આ માટે તમારે દરરોજ સવારે અને બહારથી ઘરે પાછા આવ્યા પછી ચહેરો ધોઈ લેવો. તેમજ તડકામાં જતી વખતે સનસ્ક્રીન લગાવવાનું ખાસ યાદ રાખવું. સાથોસાથ અઠવાડિયામાં બે વાર સ્ક્રબ કરો. જેથી તમારા ચહેરની ગંદકી દૂર થાય. આ માટે તમે કેટલાક ઘરેલું ઉપાય પણ અપનાવી શકો છો.
ચહેરા પર બરફ લગાવો
બરફ ખુલ્લા છિદ્રોની સમસ્યાને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે તમે બરફનો ટુકડો લો અને તેને ત્વચા પર ફેરવતી વખતે ધીમે-ધીમે મસાજ કરો. આ ખુલ્લા છિદ્રોને બંધ કરવામાં અને ત્વચાને કડક કરવામાં ફાયદાકારક છે. સાથોસાથ તમારે ચહેરાને ચમકદાર બનાવે છે. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ચહેરા પર વધુ સમય સુધી બરફ ન લગાવો.
મુલતાની માટીનો ઉપયોગ કરો
મુલતાની માટી ત્વચા પર બળતરા, સોજો અને લાલાશ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તેને લગાવવાથી ચહેરા પર ઠંડકનો અનુભવ થાય છે અને તે ત્વચા પર રહેલી ગંદકીને દૂર કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. ચહેરા પર મુલતાની માટી લગાવવા માટે સૌપ્રથમ મુલતાની માટીને આખી રાત પલાળી રાખો અને બીજા દિવસે તેનો ઉપયોગ કરો. મુલતાની માટીમાં ગુલાબજળ મિક્સ કરીને ફેસ પેક બનાવો અને તેને તમારા ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો. આ લગાવેલું પેસ્ટ સુકાઈ જાય પછી ચહેરાને પાણીથી ધોઈ લો.
લીમડાના પાનનો ઉપયોગ કરો
લીમડાના પાન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ જોવા મળે છે. જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે અને ખીલની સમસ્યાથી પણ રાહત આપે છે. તમે ફેસ ટોનર અથવા માસ્ક બનાવીને લીમડાનો ઉપયોગ કરી શકો છો. તેનો ફેસ પેક બનાવવા માટે સૌપ્રથમ લીમડાના પાનને પાણીથી ધોઈ લો. ત્યારબાદ થોડા સમય માટે તેને સૂકવવા દો. આ પછી પાનને પીસીને તેમાં મધ ઉમેરીને તેનું પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તેને તમારા ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી લગાવો. આ પછી ચહેરાને પાણીથી ધોઈ લો.