- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં મેઘમહેર: સવારથી 162 તાલુકામાં વરસાદ જામ્યો: અરવલ્લીના મોડાસા અને મેઘરજમાં 4 ઈંચ સુધી વરસાદ
રાજ્યમાં ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ઘણી જગ્યાએ મોડી રાતથી તો કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે. ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા અમદાવાદમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં 4.7 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે આજે સવારે 6થી 8 કલાક દરમિયાન 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં સૌથી વધુ લુણાવાડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે.રાજ્યમાં 24 કલાકમાં 116 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે ખેડાના નડિયામાં વરસાદ પડ્યો છે. નડિયાદમાં 4.7 ઇંચ, વાસોમાં 3.7 ઇંચ, દાહોદમાં 3.5 ઇંચ, સંતરામપુરમાં 3.5 ઇંચ, મહુધામાં 2.9 ઇંચ, જાલોદમાં 2.8 ઇંચ વરસાદ પડ્યો છે.આજે સવારે 6થી 8માં 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં સૌથી વધુ લુણાવાડામાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મોડાસામાં 1.9 ઈંચ, મેઘરજમાં 1.8 ઈંચ, ખાનપુરમાં 1.6 ઈંચ, વીરપુરમાં 1.3 ઈંચ, ક્વાંટમાં 1.3 ઈંચ, દહેગામમાં 1.2 ઈંચ વરસાદ નોંધાયો છે.ખેડામાં નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના પગલે નડિયાદના રસ્તાઓ પાણી-પાણી થયા છે. ખોડિયાર, શ્રેયસ, પીજ રોડ પરના તમામ નાળા વરસાદના પાણીમાં ગરકાવ થયા છે. મહીસાગર જિલ્લામાં મોડી રાતે મેઘરાજાએ ધબધબાટી બોલવી છે. લુણાવાડામાં મોડી રાત્રે 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. આનંદપાર્ક સોસાયટી, ગરકોલી દરવાજા, અસ્થાના બજાર, મોડાસા હાઇવે સહિત વરધરી રોડ ઉપર પાણી ભરાયા છે. લુણાવાડામાં એક મકાનની દીવાલ પણ વરસાદી માહોલમાં ધરાશાયી થઇ છે.ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણા જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે. જ્યારે મહેસાણા, વડનગર, ઊંઝામાં વરસાદ પડ્યો છે.સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. હિંમતનગરમાં ગાજવીજ સાથે વરસાદ થતાં સોસાયટીઓમાં પાણી ભરાયા છે. નેશનલ હાઇવે નંબર આઠ પર પણ અડધો ફૂટ પાણી ભરાયા છે.
સૌરાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગે આજે સોમવારે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ રાજ્યભરમાં વરસાદ ચાલુ રહેશે, પરંતુ તેની તીવ્રતા થોડી ઘટી શકે છે. આજે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જેવા જિલ્લાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 20% વધુ વરસાદ થયો છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં 53% વધુ વરસાદ થયો છે, જ્યારે બાકીના ગુજરાતમાં 5% ઓછો વરસાદ થયો છે.