રસોડામાં મસાલા તરીકે ઉપયોગમાં લેવાતા લસણમાં અસંખ્ય ગુણો હોય છે. તેથી તેનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી થતો. સાથોસાથ તેને ઔષધિ પણ માનવામાં આવે છે. તેમાં સેલેનિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોલેટ, થાઈમીન, નિયાસિન, વિટામિન સી, ઝિંક, પોટેશિયમ વગેરે જેવા ઘણા પોષક તત્વો રહેલા છે. જે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરે છે અને તમને સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રાખે છે. શું તમે જાણો છો કે ચોમાસામાં દરરોજ સવારે લસણની બે કળી ચાવશો તો શું થશે?
લસણને શાકભાજીમાં ભેળવીને ખાવાથી ફાયદો થાય છે એટલું જ નહીં, લસણના ઘણા અલગ-અલગ ઉપાય છે. જ્યારે રોજ સવારે ખાલી પેટ લસણની બે કળી ખાવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે અને ચોમાસાની ઋતુમાં તમે તમારી જાતને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવી શકો છો.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી
ચોમાસામાં અનેક પ્રકારના વાયરલ રોગો થવાનો ભય વધી જાય છે. કારણ કે આ ઋતુમાં ભેજને કારણે બેક્ટેરિયા ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં દરરોજ સવારે લસણની બે કળી ચાવવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તમને વાયરલ સમસ્યાઓથી સુરક્ષિત રાખે છે.
પગના દુખાવામાંથી રાહત મળે
જ્યારે વરસાદ પડે છે. ત્યારે પવન અને ભેજને કારણે લોકોને સાંધામાં દુખાવો અને પગમાં સોજો વધી જતો હોય છે. આ માટે સરસવના તેલમાં પકાવેલું લસણ લગાવવાથી ફાયદો તો થાય જ છે. પણ જો તમે દરરોજ સવારે લસણની બે કળી ચાવશો તો તેનાથી દુખાવો અને સોજો મટે છે.
ત્વચાની સમસ્યા માટે ફાયદાકારક
ચોમાસાની સીઝનમાં વરસાદના લીધે ચહેરા પર ખીલની સમસ્યા વધી જાય છે. આ મોસમમાં તમારે લસણની બે કળી દરરોજ સવારે નવશેકા પાણી સાથે લેવી જોઈએ. જેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરે છે. તેમજ તમારા શરીરમાંથી ઝેરી તત્વોને પણ દૂર કરે છે અને લસણના ગુણધર્મો ખીલને રોકવા અને છુટકારો મેળવવામાં મદદરૂપ થાય છે. તેમાં રહેલાં એન્ટી-ફંગલ ગુણો ત્વચાને ફંગલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે.
પાચનતંત્રને સુધારે છે
વરસાદ પડતાની સાથે જ ચા અને પકોડા ખાવાનું મન થાય છે અને તે જ રીતે આ સિઝનમાં લોકો મસાલેદાર અને તળેલું ખાવાનું વધુ પસંદ કરે છે. જેના લીધે પેટને લગતી સમસ્યાઓ ઉદ્ભવે છે. દરરોજ લસણની બે કળી ચાવવાથી તમને ચોમાસામાં પાચનસંબંધી સમસ્યાઓથી રાહત મળે છે.