- જમીન ઉપર ટૂંક સમયમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ ડેવલપ થવાની શકયતા
શહેરની મધ્યમાં આવેલા જૂના એરપોર્ટની જમીન પર ટૂંક સમયમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ ડેવલપ થઈ શકે છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એરપોર્ટની કામગીરી હિરાસરમાં સ્થળાંતર કર્યા પછી નિષ્ક્રિય જમીનનુ વેચાણ કરીને રૂ. 2,500 કરોડની વસૂલાત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હિરાસર ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટનો ખર્ચ કાઢવા માટે જૂના એરપોર્ટની જમીનના મુદ્રીકરણની સુવિધા માટે રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે 2019માં એક કરાર થયો હતો. 2017 માં, જ્યારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, ત્યારે મંજૂરીની શરતોમાંની એક એવી હતી કે “રાજ્ય સરકાર નવા એરપોર્ટના મૂડી અને ઓપરેશનલ ખર્ચને આવરી લેવા માટે યોગદાન આપશે.
બીજી શરત એવી હતી કે “જ્યારે હિરાસર ખાતેનું નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ કાર્યરત થશે ત્યારે રાજકોટના જુના એરપોર્ટ પરની કામગીરી બંધ થઈ જશે”. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરપોર્ટ ઓથોરિટી એ નક્કી કરશે કે સ્થાનિક મ્યુનિસિપલ પેટા-નિયમો અનુસાર જમીન એરપોર્ટ ઓથોરીટી અથવા તેની અધિકૃત એજન્સી દ્વારા વિકસાવવામાં આવશે કે નહીં. રાજ્ય સરકારે એરપોર્ટ ઓથીરીટીને સરકારની માર્ગદર્શિકા મુજબ હાલની રાજકોટ એરપોર્ટની જમીન વેચવા, મોર્ગેજ કરવા, મુદ્રીકરણ કરવા, લીઝ અથવા સબ-લીઝ પર આપવાની રહેશે.
એરપોર્ટ ઓથીરીટીએ મુદ્રીકરણના હેતુ માટે જમીન અને બિલ્ટ-અપ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસની કિંમત અને વેચાણ માટેની વ્યૂહરચના ઘડવા માટે બજાર અભ્યાસ હાથ ધરવાનું હતું,” એક સૂત્રએ જણાવ્યું હતું. રાજ્ય સરકારની ભૂમિકા એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવેલી જમીનના વિકાસ યોજનાને મંજૂર કરવાની અને જમીનના ઉપયોગમાં ફેરફારને સરળ બનાવવાની રહેશે. જેથી જમીનનો ઉપયોગ રહેણાંક, વ્યાપારી, સંસ્થાકીય અથવા ઔદ્યોગિક જેવા વિવિધ હેતુઓ માટે થઈ શકે. બીજી તરફ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનએ વિકાસ યોજનાઓ મંજૂર કરવા, રસ્તાઓ, અગ્નિ સંરક્ષણ, ગટરના નિકાલ અને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવાની જરૂર છે. રાજકોટ કલેક્ટર કચેરીના અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે ટૂંક સમયમાં જમીનના વપરાશમાં ફેરફારની દરખાસ્તની અપેક્ષા રાખીએ છીએ.