ચોમાસાની ઋતુ વરસાદની સાથે અનેક સમસ્યાઓ પણ લઈને આવે છે. ખાસ કરીને આ ઋતુમાં વાળ, ત્વચા અને નખનું ખાસ ધ્યાન રાખવાની જરૂર પડે છે. ઘણીવાર આપણે આપણા વાળ અને ત્વચાની વધારાની કાળજી લેતા હોઈએ છીએ. પણ ઘણી વખત આપણે આપણા નખની કાળજી લેવાનું ભૂલી જતાં હોઈએ છીએ. તેમજ નખની સારસંભાળ ન રાખવાને લીધે નખની સુંદરતા બગડી શકે છે. તેમજ તેની સાથે-સાથે તમને નખમાં ચેપ પણ થઈ શકે છે.
ચોમાસાની ઋતુમાં પગ લાંબા સમય સુધી ભીના રહેવાથી નખને સૌથી વધારે અસર થાય છે. તેને કારણે ફંગલ તેમજ બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાની સંભાવના રહે છે. તેમજ નખનો રંગ ફિક્કો પડી જવો, નખ બરડ બની જવા, નખની આસપાસની ત્વચા રાતી થઈ જવી જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. આ બધી સમસ્યાઓ માટે ભેજવાળુ વાતાવરણ પણ જવાબદાર હોય છે. પણ આ મોસમમાં તમે નાખની કાળજી લઈને આ સમસ્યાઓને ટાળી શકાય છે. ચોમાસામાં નખની કાળજી લેવા આ ટિપ્સને અપનાવો.
નખને કાપીને ટૂંકા રાખો
જો તમે તમારા નખની અંદર રહેલાં બેક્ટેરિયલ ચેપને ટાળવા માંગતા હોવ તો તેને સારી ગુણવત્તાવાળા નેઇલ ક્લિપર વડે નિયમિતપણે કાપવાનું રાખો. ક્રોમ કોટેડ નેઇલ ક્લિપર વાપરવાનું બંધ કરો. કારણ કે તેમના ખૂણામાં કાટ લાગે છે અને તેનાથી ચેપ વધે છે.
ખુલ્લા ચંપલ પહેરવાનું રાખો
ચોમાસામાં તમારા અંગૂઠા અને આંગળીના નખ સૌથી વધુ પાણીના સંપર્કમાં આવે છે. જેના લીધે નખમાં ગંદકી જમા થાય છે. તેમજ નખની આજુ બાજુ ડેડ સ્કિન બનવા લાગે છે. જો તમે આ સમસ્યાથી બચવા માંગો છો. તો શુઝ અથવા ચામડાના બંધ ચંપલને બદલે ખુલ્લા ચંપલ અથવા સેન્ડલ પહેરવાનું રાખો. જેથી કરીને પગમાં પાણી ના ભરાઇ. સાથોસાથ તમારા પગને ઝડપથી સુકવી શકો છો. ચોમાસામાં તમારા નખની સ્વચ્છતા સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
નેઇલ પોલિસ કાળજીપૂર્વક લગાવો
મોટાભાગની છોકરીઓને નેઇલ પોલિસ લગાવવી ગમતી હોય છે. ચોમાસાની ઋતુમાં તેને લગાવવામાં કોઈ નુકસાન નથી. તમારે માત્ર કેમિકલમુક્ત અને ઈકો-ફ્રેન્ડલી નેઇલ કલરનો ઉપયોગ કરવાનો છે. જેનાથી નખ સુરક્ષિત રહે. જ્યારે તમે નેઇલ કલર રીમુવર પસંદ કરી રહ્યા હોવ, ત્યારે પણ જો શક્ય હોય તો નખની તંદુરસ્તી જાળવવા માટે વિટામિન A, C અને E સાથેની પસંદ કરવાનું રાખો.
ગરમ પાણીથી નખને ધોવાનું રાખો
ગરમ પાણીથી નખને ધોવાથી નખ નરમ અને મુલાયમ રહે છે. તે એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ તરીકે પણ કામ કરે છે. તેમજ નખના ખૂણામાં છુપાયેલી ગંદકીને દૂર કરવા માટે નેઇલ પિકનો ઉપયોગ કરો. જેનાથી નખ સ્વસ્થ રહે છે.
પોષ્ટિક આહાર લો
ચોમાસા દરમિયાન તમારા નખની સંભાળની સાથોસાથ તમારા આહારનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આ સીઝનમાં પોષ્ટિક તત્વોથી ભરપૂર ખોરાક લેવાનું રાખો. સારો આહાર તમારા નખની સુંદરતા જાળવવામાં મદદ કરે છે.
મેનિક્યોર-પેડિક્યોર કરો
મેનિક્યોર-પેડિક્યોર કરાવવાથી પણ પગની ત્વચા અને નખ સ્વચ્છ રહે છે. તેથી દર અઠવાડિયે મેનિક્યોર-પેડિક્યોર કરાવવાનું રાખો. આ માટે તમારે બ્યુટીપાર્લર જઈને રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી. આ ટ્રીટમેન્ટ તમે ઘરે પણ કરી શકો છો. આને માટે એક ટબમાં નવશેકું ગરમ પાણી લો. ત્યારબાદ તેમાં લિક્વિડ હેન્ડવોશના થોડાં ટીપાં, શેમ્પૂ અને લીંબુનો રસ નાખો. આ પાણીને સારી રીતે હલાવીને રાખો. ત્યારબાદ તમારા પગ 10 થી 15 મિનિટ આ પાણીમાં ડૂબાડીને રાખો. સારી રીતે નખ સાફ કરીને પગના તળિયા ફૂટ સ્ક્રેપરથી ઘસો. હવે પગને સ્વચ્છ પાણી વડે ધોઈને નખ પર નેઇલ ક્રીમ લગાવો. આ ઉપચારથી તમારા પગ અને નખ સુંદર બને છે.