ટીમ ઈન્ડિયાએ મહિલા એશિયા કપની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું હતું. હવે 27 જુલાઈએ યોજાનારી ટાઈટલ મેચમાં ટીમ ઈન્ડિયાનો મુકાબલો શ્રીલંકા-પાકિસ્તાન મેચની વિજેતા સાથે થશે.
મહિલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનું વિજયી અભિયાન ચાલુ છે. લીગ રાઉન્ડમાં તોફાની પ્રદર્શન કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાએ પ્રથમ સેમીફાઈનલમાં પણ એકતરફી જીત નોંધાવી છે. દાંબુલામાં રમાયેલી સેમી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ 10 વિકેટે જીત મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં 80 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને આ ટાર્ગેટ હાંસલ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ આક્રમક બેટિંગ કરતાં લક્ષ્યનો આસાનીથી પીછો કર્યો હતો. સેમિફાઇનલમાં સ્મૃતિ મંધાનાએ માત્ર 38 બોલમાં અડધી સદી ફટકારી હતી.
બોલરોએ જીતની સ્ક્રિપ્ટ લખી હતી
બોલરોએ સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાની જીતની સ્ક્રિપ્ટ લખી હતી. રેણુકા ઠાકુરે 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાધા યાદવે પણ 14 રનમાં 3 વિકેટ લીધી હતી. આ જોરદાર બોલિંગના કારણે બાંગ્લાદેશની ટીમ 20 ઓવર રમવા છતાં માત્ર 80 રન બનાવી શકી હતી. આ પછી શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાએ પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું અને બાંગ્લાદેશી બોલરોને પછાડી દીધા. સાવધાનીથી રમતા બંનેએ 43 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાનો સ્કોર 10 ઓવરમાં 70 રન સુધી પહોંચાડ્યો. આ રીતે ટીમ ઈન્ડિયાને વિજય હાંસલ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.
એશિયા કપમાં ભારતનો દબદબો
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાનો હંમેશા દબદબો રહ્યો છે. 2004માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ દરેક વખતે ફાઇનલમાં જગ્યા બનાવી છે. ટીમ ઈન્ડિયાએ 7 વખત એશિયા કપ જીત્યો છે અને એક વખત તેને બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમ ઈન્ડિયાએ 9મી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે અને 8મી વખત એશિયન ચેમ્પિયન બનવાનો તેનો રસ્તો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.