- જુના કર્મચારીએ વાત કરી કે.વી.આઇ.પી. રૂમ ડેન્જર છે કોઇ લગભગ રૂમમાં રોકાતા નથી!
- રહસ્યમય પથીકાશ્રમ
લોધીકાથી એકાદ વર્ષમાં જ મારી બદલી ઉપલેટા, જેતપુર અને ધોરાજી પોલીસ સ્ટેશનોમાં રાજકીય અથવા ખાતાકિય જરૂરીયાતો મુજબ થયેલી. ધોરાજી પોલીસ સ્ટેશનમાં એમ લાગતુ હતુ કે હવે અહિં લાંબો સમય રહેવાનું થશે પરંતુ ધોરાજી ખાતે આવેલ રાજાશાહી વખતના સટાબજાર જે ખાધ્યતેલનું વાયદા બજાર હતુ પણ થતુ હતુ ડબ્બા ટ્રેડીંગ જેમાં મેં ઉચ્ચ અમલદારોના કહેવાથી જ એફએમસી કાયદા મુજબ રેઈડ કરી અને તેલીયા રાજાઓ એ સરકારને હચમચાવી નાખી જેથી સરકારે મને જ ધોરાજીથી બદલીને રાજકોટ ગ્રામ્ય કંટ્રોલ રૂમમાં મૂકી દીધો!
હું ફરી રાજકોટ સીટી ગેસ્ટહાઉસમાં આવી ગયો કાંઈ રેગ્યુલર કામ હતુ નહી, કોઈ ખાસ કામ હોય તો કંટ્રોલ રૂમમાંથી સીટી ગેસ્ટહાઉસમાં ફોન આવ્યે જવાનું હોય. આમ એક દિવસ સવારના વર્ધી મળી કે આજરોજ આરટીઓ તથા એસ.ટી.ના અધિકારીઓ સાથે ખાસ વાહન ચેકિંગમાં જવાનું છે.
હું યુનિફોર્મ પહેરીને કંટ્રોલરૂમ ઉપર પહોચી ગયો જયાં પોલીસ વાહન, જવાનો તથા એસ.ટી.ના અધિકારી આડઠકકર આવી ગયા હતા. આથી હું આ વાહન લઈ પડધરી રોડ ઉપર વાહન, જવાનો અને આડઠકકરને લઈને રવાના થયો. રસ્તામાં મોટર વ્હીકલ એકટ મુજબ કેસ કાર્યવાહી કરતા કરતા બપોરે બાર વાગ્યે પડધરી આવ્યા, હોટલ ઉપર જમી કારવીને જામનગર રોડ ઉપર આવેલ પુરાણા પથીકાશ્રમમાં આવ્યા.
પુરાણો પથીકાશ્રમ
જયારે હું લોધીકા પોલીસ સ્ટેશનમાં હતો ત્યારે મારા મીત્ર ફોજદાર જે.કે. ઝાલા પડધરી પોલીસ સ્ટેશનમાં હતા, જેથી દસ પંદર દિવસે અહિં આવવાનું થતું. આથી પથીકાશ્રમનો ચોકીદાર દાદુ મને સારી રીતે ઓળખતો હતો. મને જોઈ દાદુ દોડાદોડી કરવા લાગ્યો કે પધારો સાહેબ ઘણા સમયે આવ્યા વીશ્રામ ગૃહના બંને રૂમ વી.આઈ.પી. અને ડોરમેટ્રી ખોલી નાખ્યા દાદુએ કહ્યું સાહેબ ઝાલા સાહેબ ગયા પછી કયારેય દેખાયા નહી. હું તથા આડઠકકર વી.આઈ.પી. રૂમમાં આવ્યા, જવાનો ડોરમેટ્રીમાં ગોઠવાઈ ગયા મેં કેપ-રીવોલ્વર ઉતારી વાંસો લાંબો કર્યો આડઠકકરે પોતાનું શર્ટ ઉતારી ખીલી ઉપર ટીંગાડી દીધું અને પર્સ ઓશિકા નીચે દબાવી ને લંબાવ્યું વિશાળ કાય આડઠકકરને તુરત ઉંધ આવી ગઈ અને થોડીવારમાં તો ઘસઘસાટ નીંદરમાં ચાલ્યા ગયા.
ખાલી આભાસ હોય છે !
મને યુનિફોર્મમાં અસહજ લાગતુ હોય આડો પડીને ભૂતકાળનાં પડધરીનાં અનુભવો યાદ કરતો હતો ત્યારે એટલે કે જે.કે. ઝાલા પડધરી હતા ત્યારે પડધરી તાલુકા પંચાયતના એક કર્મચારી અમુભાઈ ધકાણ પણ આજ પથીકાશ્રમમા રહેતા હતા. આ અમુભાઈનો સ્વભાવ આનંદી અને મીલનસાર હતો આથી એક દિવસ અમે બંને એકલા હતા ત્યારે અમુભાઈએ મને કહ્યું તમારા મીત્ર ઝાલા સાહેબ ખરા છે હો ! તેમને સમજાવો ને તેઓ રાત્રીનાં વી.આઈ.પી. રૂમમાં ન સુએ. મેં કહ્યું કેમ? અધીકારીતો વી.આઈ.પી. માં જ હોય ને? તેમણે કહ્યું એમ નહી તે રૂમ બાદ વાળો છે. તે રૂમમાં જે રાત્રી રોકાણ કરે છે. તેને કાંઈકને કાંઈક વિચિત્ર અને અજુગતા બનાવો બને છે ! આથી કોઈ વી.આઈ.પી. મહેમાનો તે રૂમમાં રાત્રી રોકાણ કરતા જ નથી અને રોકાય તો ડોરમેટ્રીમાં ! પરંતુ ઝાલા સાહેબ વી.આઈ.પી. રૂમમાં જ સુએ છે ! હું ઘણી વખત અડધી રાત્રે ડોરમેટ્રી રૂમમાં જાગી જાઉ છું કેમકે વી.આઈ.પી. રૂમમાંથી મારામારીના પછાડવાના એકબીજાનોે શોરબકોર અવાજ હું સાંભળું છું. પરંતુ ઝાલા સાહેબ રૂમ ખોલતા જ નથી ! બીજે દિવસે તેમને પુછુ છું તો કહે છે ભગવાને આપણને તેની કરતા શરીર વધારે આપ્યું છે. તે તો ખાલી આભાસ હોય છે !
અમુભાઈએ મને બીજી એક વાત કરી કે થોડા મહિના પહેલા મોરબીનાં ડીવાયએસપી પટેલ સાહેબ તેમના રીડર પી.એસઆઈ. ડી.જે. ગોહિલ સાહેબ અન્ય કલાર્ક જમાદારો વિગેરે પડધરી પોલીસ સ્ટેશનનાં ઈન્સ્પેકશનમાં આવેલ હતા. પટેલ સાહેબ વી.આઈ.પી. રૂમમાં સુતા હતા બાકીના બધા અહિં મારી સાથે ડોરમેટ્રીમાં સુતા હતા શિયાળાનો સમય હોય તમામ પોત પોતાના રૂમના બારી બારણા , પંખા, લાઈટો બંધ કરી સુઈ ગયેલા. પરંતુ અરધી રાત્રે વી.આઈ.પી. રૂમનાં પંખા લાઈટો અને પાણીના નળ -ગીજર વિગેરે પોતાની રીતે જ ચાલુ થઈ ગયેલા શિયાળાનો સમય હોય પટેલ સાહેબે નળ પંખા બંધ કરી દીધેલા અને સ્ટાફને જીપમાં બેસાડી પ્રથમ પોલીસ સ્ટેશને અને ત્યાંથી સીધ્ધા મોરબી જવા રવાના થઈ ગયેલા !
મેં આ હકીકત ઝાલા સાહેબ ને કરી પણ તેમણે કહ્યું ફોજદારી બંગલો ખાલી થવાનો છે. એટલે હું ત્યાં જવાનો જ છું. અને થોડા દિવસમાં ઝાલા સાહેબ બંગલામાં રહેવા ગયેલા આમ વાત ધકાણ ભાઈએ કરેલી.
ઓચિંતો એક જોરદાર ધડાકો થયો
હુ આ જુની યાદો સંભારતો હતો ત્યાં એસ.ટી.ના અધિકારી આડઠકકરે ઉંઘમાં નસકોરા બોલાવાનું ચાલુ કર્યું જેથી મને હવે ઉંઘ આવવી અશકય હતી. ખરો બપોર હોય મનમાં નકકી કર્યું કે અડધો કલાક વામકુશી કરી પછી નીકળીએ ત્યાં ઓચિંતો એક જોરદાર ધડાકો થયો અને રૂમમાં ખૂલતો સંડાસ-બાથરૂમ તરફના કોરીડોરનો દરવાજો જે સાંકળથી બંધ હતો તે અવાજ સાથે ખૂલી ને દીવાલો સાથે અથડાયો!
નસકોરા બોલાવતા ભરઉંઘમાં રહેલા આડઠકકરે આ સાંભળીને કાંઈ જોયા કરાવ્યા સિવાય એક ઠેકડે રૂમ બહાર કેમકે રૂમનાં દરવાજા ખૂલા જ રાખ્યા હતા ! અને બીજા બે પગલે ઓસરીમાંથી ફળીયામાં જઈ રૂમમાં જોવા લાગ્યા કેમકે ફળીયા અને ઓસરી વચ્ચે લોખંડની ગ્રીલ હતી. આડઠકકર એટલી ઝડથી નાસેલા કે પોતાનું શટ પણ લેવાનું રહી ગયેલ અને ફળીયામાં ઉઘાડા શરીરે જ ઉભા ઉભા મને રૂમમાં જોઈ રહ્યા હતા!
ભૂત-પ્રેત ના પરચા ધોળા દિવસે ભર બપોરે ખૂલ્લા દરવાજે !
હું પથારીમા બેઠો થઈ ગયો હતો અને મુંઝાયો પણ ખરો કેમકે હું માનતો હતો કે ભૂત-પ્રેત ના પરચા રાત્રીના જ થતા હોય છે. દિવસના નહીં પરંતુ આતો ધોળા દિવસે ભર બપોરે ખૂલ્લા દરવાજે ! મને થયું કે અંદર કોરીડોરમાં હવાના દબાણના કારણે કદાચ દરવાજો ખૂલી ગયો હશે એમ વિચારીને કોરીડોરમાં જઈને જોયું ત્યાંથી હવા આવવાની કોઈ જગ્યા જ ન હતી. વળી જે દરવાજો ધડામ ખૂલ્યો તે સાંકળ મારીને બંધ કર્યો હતો. જે હવાના દબાણથી કોઈ પણ સંજોગોમાં ખૂલી શકે નહીં છતા કંઈક સમજ ફેર માની બાથરૂમમાં જોયું તો પાણીનો નળ અને ફુવારો બંને ચાલુ હતા ધમધમાટ પાણી જતુ અને બાથરૂમના ગીજરમાં પાણી નીકળી રહ્યું હતુ ! મેં તે બધુ બંધ કરી સંડાસનો નળ બંધ કરી તુરત બહાર આવ્યો અને કોરીડોરનો દરવાજો તુરત બંધ કરી દીધો ! હવે મને થયું કે નકકી કાંઈક ‘કારણ’ આવ્યું ! જેથી રૂમમાંથી મારી રીવોલ્વર અને કેપ લઈ ઝડપથી રૂમ બહાર નીકળી ગયો.
ફળીયામાં આવતા આડઠકકરે મને પુછયું ‘સાહેબ અંદર શું થયું હતુ ?’ મેં કહ્યું મને ખબર નથી આમ વાત થતી હતી ત્યાં બાજુમાં આવેલા સર્વન્ટ કવાર્ટરમાંથી ચોકીદાર દાદુ આવી ગયો તેણે તેની અનુભવી દ્રષ્ટીથી મારી સામે વિચિત્ર હાવભાવ ચહેરા પર લાવી પુછયું ‘કાંઈ તકલીફ નથી થઈ ને ?’ મેં સામે પુછયું ‘શાની તકલીફ?’ આથી દાદુએ વાત વાળતા કહ્યું કે ‘આ તો તમે બંને જણા આરામ કરવાને બદલે જલ્દી બહાર ફળીયામાં આવી ગયા અને આ સાહેબ તો ઉઘાડા ડીલે ! મેં કાંઈ સ્પષ્ટતા કર્યા સિવાય કહ્યું કે અમારે જવાની ઉતાવળ છે. બસ અમારા સ્ટાફને ઉઠાડો. આ અફડાતફડીમાં જવાનો ઉઠી જ ગયા હતા પરંતુ શું થયું તે તેમને સમજાયું નહીં.
આડઠકકરે મને કહ્યું સાહેબ રૂમમાં મારૂ શટ અને પર્સ રહી ગયા છે મેં કહ્યું ‘તો જઈને લઈ આવો.’ આડઠકકરે તરડાઈ ગયેલા અવાજે કહ્યુંં કે મને ડર લાગે છે. મે કહ્યું ‘ચાલો હું સાથે આવું છું તમને શા ની બીક લાગે છે ?’ પરંતુ આડઠકકરે હાથ જોડીને કહ્યું સાહેબ હું અંદર નહી આવું’ તેમ કહી ગળગળા થઈ ગયા. જેથી મેં વધારે ફજેતો ન થાય તે માટે ના છૂટકે ફરીથી વી.આઈ.પી. રૂમમાં જઈ થોડા ઉચાટ સાથે ત્યાંથી આડઠકકરનું શટ અને પર્સ લઈ આવ્યો.
‘માફ કરજો’ સાહેબ કયારેક બપોરે પણ આવુ બને છે!’
ડ્રાયવરે જીપ ચાલુ કરી તમામ તેમાં ગોઠવાઈ ગયા. અનુભવી દાદુ બધુ સમજી ગયો તેથી મને કહ્યું ‘માફ કરજો’ સાહેબ કયારેક બપોરે પણ આવુ બને છે!
’આવું થાય પછી રોકાવાનું થોડુ મન થાય ?
અમે જીપ લઈ સીધ્ધા રાજકોટ કંટ્રોલરૂમ થઈ ને સીટી ગેસ્ટ હાઉસ આવ્યા મારા રૂમ પાર્ટનર પોલીસ ઈન્સ્પેકટર ડી.એલ. સોલંકી રૂમે હાજર હતા તેમણે કહ્યું કંઈક વહેલા ? આથી મેં બનાવની વાત કરી તેઓ પણ વેદાંતી હતા તેમણે ક્હ્યું શું વાત કરો છો તે તો ખાલી ભૂત જયારે આપણે તો વધારે પંચમહાભૂત નહી? મેં કહ્યુ ં આવું થાય પછી રોકાવાનું થોડુ મન થાય ?