- એક રાખી સૈનિકો કે નામ
- શાળા દ્વારા 10,000 રાખડી બનાવી વેચાણ કરી ચાર લાખનું યોગદાન આપશે: પતંજલિ સ્કૂલના શિક્ષક અને વિદ્યાર્થીઓએ વિગત આપવા લીધી ‘અબતક’ની મુલાકાત
ભાઇ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષાબંધન. ભાઇ બહેનના નિશ્ર્વાર્થ અને નિવ્યાર્જ પવિત્ર સંબંધને વ્યક્ત કરતું પર્વ છે રક્ષાબંધન. આ પર્વમાં સુતરનો તાંતણો બાંધીને બહેનના રક્ષણ કરવાનું એક મજબૂત વચન ભાઇ આપે છે. આપણા શાસ્ત્રોમાં પણ આ પર્વનો ઉલ્લેખ છે કે જેમાં ધર્મના ભાઇએ પોતાની બહેનની કોઇપણ ભોગે રક્ષા કરી હોય. આ એ પર્વ છે જ્યારે દરેક ભાઇએ પોતાની બહેન યાદ આવે છે. આ પર્વ અંતર્ગત પતંજલિ સ્કૂલ દ્વારા માતૃભૂમિના રક્ષણ માટે સીમાઓ પર પોતાની જાનની બાજી લગાવનાર સેનાના જવાનોને યાદ કરીને રાખડી દ્વારા તેમને મદદ કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. દરેક દેશવાસી નિરાંતની ઊંઘ માણી શકે, દરેક તહેવારો આનંદ ઉલ્લાસથી ઉજવી શકે તે માટે જાનની બાજી લગાવનાર સૈનિકોની મદદ અને કાળજી માટે “સૈનિક કલ્યાણનિધિ ફંડ” હોય છે. તેમાં વિદ્યાર્થીઓ દ્વારા હેન્ડ મેડ રાખડી બનાવીને અને તેના વેચાણમાંથી થયેલ રકમ આપવામાં આવશે.
પતંજલિ સ્કૂલ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિ દ્વારા અત્યાર સુધીમાં પંદર લાખથી પણ વધારે દાન સૈનિક કલ્યાણનિધિ માટે અર્પણ કરેલ છે. આ વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા હેન્ડમેડ રાખડી બનાવી અને તેના વેચાણમાંથી આવેલ આવકને સૈનિક કલ્યાણનિધિ ફંડ માટે અર્પણ કરવામાં આવશે. આ માટે પતંજલિ સ્કૂલમાં શાળા દ્વારા રાખડી બનાવવા માટે મટીરીયલ્સ આપવામાં આવ્યું છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ અલગ-અલગ પ્રકારની આકર્ષક અને કલાત્મક રાખડી બનાવશે. તેજ તે રાખડીનું વેચાણ કરીને મેળવેલ સંપૂર્ણ રકમ સૈનિક કલ્યાણનિધિ ફંડમાં અર્પણ કરવામાં આવશે. આ વર્ષે દસ હજારથી પણ વધારે રાખડી બનાવવામાં આવશે અને એક હજાર રાખડી બોર્ડર ઉપર ફરજ નિભાવતા સૈનિકોને મોકલવામાં આવશે.
આ તકે ‘અબતક’ની મુલાકાતે આવેલા પતંજલિ સ્કૂલના કોમર્સના હેડ ધર્મેશ શિંગાળાએ જણાવ્યું હતું કે અમારી શાળા દ્વારા છેલ્લા 10 વર્ષથી રક્ષાબંધન પર્વ પર રાખડી બનાવીને વેચાણ કરી જે રકમ એકઠી થાય તે સૈનિક કલ્યાણનિધિ ફંડમાં જમા કરાવીએ છીએ. અમારી શાળાના 1200 જેટલા વિદ્યાર્થીઓએ 10,000 રાખડી બનાવી છે. જેનું ઘરે-ઘરે જઇને તથા શહેરમાં અલગ-અલગ જગ્યાઓ જેમ કે ગુરૂકુળ પાસે ગોંડલ રોડ, કોઠારિયા રોડ, આનંદ બંગલા રોડ, બાપા સિતારામ ચોક સહિતના વિસ્તારમાં સ્ટોલ કરીને રાખડીનું વેચાણ કરીશું. આ વર્ષે અંદાજે ચાર લાખ રૂપિયા એકઠા કરીને સૈનિક કલ્યાણનિધિ ફંડમાં જમા કરાવવાનો અમારો ઉદ્ેશ્ય છે.
પતંજલિ સ્કૂલના શિક્ષક ધર્મેશભાઇ શિંગાળા, વિદ્યાર્થીઓ પરમાર પ્રેરણા, બુસા પૂર્વ, પરસાણા યશ, ગજેરા આર્યન, ભદોરીયા શ્રૃતિ, ડોડીયા વંશીકા, પટોરીયા માહી, પોપટ ત્રિશાએ ‘અબતક’ મિડિયા હાઉસની મુલાકાત લીધી હતી.