- છેલ્લા 24 કલાકમાં રાજ્યના 150 તાલુકામાં મેઘમહેર: સૌથી વધુ વલસાડના ઉંમરગામમાં 8.5 ઇંચ અને સુરતના કામરેજમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો: વેરાવળ-જામનગરમાં 4-4 ઇંચ તેમજ જૂનાગઢના વિસાવદર તેમજ માણાવદરમાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો
- સવારથી સૌરાષ્ટ્રના 68 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ: ઉપલેટામાં ત્રણ, પોરબંદરના રાણાવાવમાં 2.5, ગીરગઢડા, માળીયા હાટીના અને વિસાવદરમાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો: આજેપણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી
છેલ્લા બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના મોટાભાગના તાલુકામાં મેઘાવી માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો 150 તાલુકાઓમાં મેઘમહેર થઇ છે. જેમાં સૌરાષ્ટ્રના 68 તાલુકામાં 1થી લઇ 5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. શનિવારે પણ 99 તાલુકામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જેમાં સૌરાષ્ટ્રના 44 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉંમરગામમાં સૌથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સુરતના કામરેજ અને પલસાણામાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર સોમનાથના વેરાવળમાં સાડા ચાર ઇંચ, જામનગરના જામજોધપુરમાં ચાર ઇંચ, જામનગરમાં સાડા ત્રણ ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં સાડા ત્રણ ઇંચ, મેંદરડામાં ત્રણ ઇંચ, સુત્રાપાડામાં અઢી ઇંચ, ભાવનગરના ઘોઘામાં અઢી ઇંચ, જૂનાગઢના માણાવદરમાં અઢી ઇંચ, તાલાલામાં બે ઇંચ, પોરબંદરમાં અને રાજકોટના ઉપલેટામાં દોઢ ઇંચ, જૂનાગઢ શહેરમાં દોઢ ઇંચ, રાજકોટના ધોરાજીમાં દોઢ ઇંચ, જૂનાગઢના કેશોદમાં દોઢ ઇંચ જ્યારે જૂનાગઢ, ભાણવડ, કલ્યાણપુર, લાલપુર, બગસરા, ઊના, ભાવનગર અને જોડિયામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ થયો છે. ભારે વરસાદથી ચોમેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી. વેરાવળ પંથકમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. રવિવારે બપોરે વેરાવળ શહેરની વોર્ડ નં.6માં આવેલી શાહીગરા સોસાયટીમાં રહેતા અલ્ફાઝ અમીન અને ધનીઝ ગફાર અકસ્માતે પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા તેમજ શહેરના અનેક વોર્ડમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે મુસિબતનો સામનો કરવાની ફરજ પડી છે.
સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. જેથી સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જળ બંબાકારની સ્થિતિ છે. તો બીજી તરફ રાજ્યમાં સાયક્લોનિક સરર્ક્યુલેશન સર્જાતા અનેક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દ્વારકામાં પણ શુક્ર-શનિવારે ધોધમાર 20 ઇંચ વધુ વરસાદ વરસ્યો હતો. જેને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા હતા. બીજી તરફ રૂપેણ બંદર વિસ્તારમાં મોટી સંખ્યામાં ઝુંપડા પૂરના પાણીમાં તળાયા હતા. તંત્રએ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોના ખાણીપીણી ચીજવસ્તુઓ, કપડા અને કિંમતી સામાન વરસાદી પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. રૂપેણ બંદરના ઘણા વિસ્તારોમાં કે જેમાં અનેક ઘરોમાં પાણી જમા થયા છે. આજે પણ સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યના 9 તાલુકામાં 40 ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો
રાજ્યમાં 1000 મીમી કે તેથી વધુ વરસાદ 9 તાલુકામાં પડ્યો છે. તેમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા, વંથલી, માણાવદર ઉપરાંત નવસારીના ખેરગામ, નવસારી તેમજ વલસાડ જિલ્લાના ઉંમરગામ, વલસાડ, વાપી અને સુરતના ઉંમરપાડાનો સમાવેશ થાય છે. આજ રીતે મોસમની મધ્યમાં 100 ટકા વરસાદ થયો હોય એવા તાલુકામાં દેવભૂમિ દ્વારકા 175 ટકા, કલ્યાણપુર 100 ટકા, ખંભાળિયા 108 ટકા, પોરબંદર 125 ટકા વરસાદ થયો છે. આ સિવાય જૂનાગઢમાં કેશોદ 102 ટકા, માણાવદર 113 ટકા, મેંદરડા 100 ટકા અને વંથલીમાં 117 ટકા વરસાદ નોંધાયો છે. આની સામે સૌથી ઓછો અરવલ્લીમાં 18.32 ટકા, દાહોદમાં 19.74 ટકા, પાટણમાં 20.09 ટકા, ડાંગમાં 22.21 ટકા, સુરેન્દ્રનગરમાં 23.95 ટકા વરસાદ જ નોંધાયો છે. બીજી બાજુ જોવામાં આવે તો 0 થી 50 મીમી વરસાદ થયો હોય તેવો એકપણ તાલુકો નથી. જો કે, 51 થી 125 મીમી એટલે કે 2 થી 5 ઇંચ વરસાદ થયો હોય તેવા 41 તાલુકા છે. 5 થી 10 ઇંચ વરસાદ થયો હોય તેવા 92 તાલુકા, 10 થી 20 ઇંચ 73 તાલુકા, 20 થી 40 ઇંચ 36 તાલુકા અને 40 ઇંચથી વધુ વરસાદ થયો હોય તેવા 9 તાલુકા છે.
26મી જુલાઇ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની વકી
સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. જો કે, હજુ કેટલાક વિસ્તારોમાં જોઇએ તેવો વરસાદ થયો નથી. ત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હોવાથી આગામી દિવસો દરમિયાન રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે ભારે વરસાદની વકી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં હજુ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ફરી હાલ-બેહાલ થવાની સંભાવના છે. રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે. ઉપરાંત બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે. જેને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર સાયક્લોનીક સરર્ક્યુલેશન, શીયર ઝોન, ઓફ શોર ટ્રફ સક્રિય થતા વરસાદની સંભાવના છે. આજે ગીર સોમનાથ, નર્મદા, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ તો કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- રાજ્યમાં સિઝનનો 40.62 ટકા વરસાદ વરસી ગયો સૌરાષ્ટ્રમાં 59.67 તેમજ કચ્છમાં 51.19 ટકા વરસાદ વરસ્યો
દક્ષિણ-પશ્ર્ચિમ ચોમાસુ-2024નો આરંભ થયા બાદ સાર્વત્રિક અને નિયમિત વરસાદને અભાવે ગુજરાતના અમૂક ભાગોમાં ગંભીર સ્થિતિ સર્જાઇ છે તો કચ્છ-સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં શ્રીકાર વરસાદથી જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં મૌસમનો સરેરાશ 40.62 ટકા વરસાદ વરસી ગયો છે. જે ગત વર્ષની સરખામણીએ 3 ટકા જેટલો વધુ છે. ચોમાસુ સક્રિય થયા પછી વરસાદી સિસ્ટમને સક્રિય કરતા પરિબળો પર અનેક પ્રકારના વિક્ષેપ થતા મધ્ય તેમજ ઉત્તર ગુજરાતને સાર્વત્રિક વરસાદનો લાભ મળ્યો નથી. મોટાભાગે કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ પૂર્વીય ભાગોમાં સારા વરસાદની હાજરી જોવા મળી છે.
ગત સપ્તાહે કચ્છ-સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પડેલા વરસાદથી રાજ્યના સરેરાશમાં લગભગ પાંચ ટકા વરસાદ ઉમેરાયો છે. તેની સામે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, ભરૂચ અમદાવાદ તેમજ નર્મદામાં સાર્વત્રિક વરસાદનો અભાવ રહ્યો છે. આ બધા જિલ્લામાં વરસાદથી ખેડૂતોએ વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો વરસાદની રાહ જોઇને બેઠા છે.
સૌરાષ્ટ્રના 22 જળાશયોમાં નવા નીરની આવક
સૌરાષ્ટ્ર-કચ્છમાં અનરાધાર મેઘ વર્ષા થવા પામી છે. છેલ્લા બે દિવસમાં 12 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હતો. જેના કારણે અનેક સ્થળોએ જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સવારથી જ સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં અનરાધાર મેઘકૃપા વરસી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 22 જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. જેમાં મોજ ડેમમાં 0.92 ફૂટ, ન્યારી-2માં 0.23 ફૂટ, મચ્છુ-2માં 0.16 ફૂટ, ડેમી-1માં 1.38 ફૂટ, ડેમી-2માં 0.16 ફૂટ, સસોઇમાં 3.61 ફૂટ, સપડામાં 1.79 ફૂટ, વિજરખીમાં 2 ફૂટ, કંકાવટીમાં 0.89 ફૂટ, રૂપાવટીમાં 3.97 ફૂટ, ઘી ડેમમાં 0.62 ફૂટ, વર્તુ-1માં 0.13 ફૂટ, સોનમતીમાં 0.75 ફૂટ, વઢવાણ ભોગાવો-2માં 0.10 ફૂટ નવા નીરની આવક થવા પામી છે.