ચોમાસામાં વરસાદના લીધે કેટલાક રાજ્યોમાં પૂરના કારણે જનજીવન ખરાબ બની ગયું છે. વિવિધ સ્થળોએ વરસાદી પાણી ભરાવાને કારણે વિવિધ પ્રકારના પાણીજન્ય રોગો, ચેપ વગેરેનું જોખમ ઘણું વધી ગયું છે. કાળઝાળ ગરમીમાંથી તમને રાહત તો મળે જ છે. પણ બાળકો અને વૃદ્ધોએ ચોમાસામાં બીજી ઘણી બીમારીઓને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આ તમામ સમસ્યાઓ અને ચેપ વધવાનું મુખ્ય કારણ આ સમયનું વાતાવરણ છે. ચોમાસા દરમિયાન કયા રોગો અને સામાન્ય ચેપનું જોખમ વધી જાય છે અને તેનાથી બચવા માટેના ઉપાયો શું છે. તે વિશે જાણો.
મેલેરિયા
વરસાદની મોસમમાં મચ્છરજન્ય રોગ, મેલેરિયા થવાનું જોખમ વધી જાય છે. જ્યારે મચ્છર કરડે છે. ત્યારે પરોપજીવી પ્લાઝમોડિયમ માનવ રક્તમાં પ્રવેશે છે. મેલેરિયાના બે સામાન્ય સ્વરૂપો છે. વિવેક્સ અને ફાલ્સીપેરમ. ક્યારેક મેલેરિયાનો ચેપ એટલો ગંભીર બની જાય છે કે તેનાથી પીડિત વ્યક્તિનું મૃત્યુ પણ થઈ જાય છે. તેના લક્ષણોમાં શરદી, ધ્રુજારી સાથે તાવ, માથાનો દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે તેનો તાવ એક નિશ્ચિત સમયે આવે છે. તો મચ્છર કરડવાથી બચવાના ઉપાયો વિશે જાણો.
- લાંબા અને આખી સ્લીવના કપડાં પહેરો.
- ફોગિંગ કરાવો અને આસપાસ સ્વચ્છતાનું ધ્યાન રાખો.
- મચ્છર ઉત્પત્તિના સ્થળોને ટાળવા માટે પાણીને સ્થિર થવા ન દો.
ડેન્ગ્યુ
ડેન્ગ્યુ પણ વરસાદની મોસમમાં વધુ લોકોને અસર કરે છે. આ પણ મચ્છરજન્ય ચેપ છે. જે એડીસ મચ્છરના કરડવાથી થાય છે. એનોફિલિસ મચ્છર જે રાત્રે વધારે હોય છે. તેનાથી વિપરીત એડીસ મચ્છર દિવસ દરમિયાન સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણોમાં તાવ, શરદી, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો વગેરેનો સમાવેશ થાય છે. ડેન્ગ્યુથી પીડિત વ્યક્તિના લોહીમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય છે. ડિહાઈડ્રેશન પણ થઈ શકે છે. જેના લીધે ઘણી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ડેન્ગ્યુના મચ્છરો સ્થિર તાજા પાણીમાં વધુ પ્રજનન કરે છે. તેથી પાણી ભરેલા કન્ટેનરને ઢાંકીને રાખો. કુલર અને વાસણોમાં રાખેલા પાણીને અઠવાડિયા એક થી બે વાર સાફ કરવાનું રાખો.
લેપ્ટોસ્પાયરોસિસ
લેપ્ટોસ્પાયરોસીસ એ બેક્ટેરિયાથી થતો ચેપ છે. આ રોગ પાણી ભરાવા દરમિયાન ગંદા પાણી અને માટી સાથે લાંબા સમય સુધી રહેવાના કારણે થાય છે. ગંદકી પાણીમાં બેક્ટેરિયાને કારણે થાય છે. જે ઘણીવાર ઉંદરો, ખિસકોલી અથવા કૂતરાઓના મળને કારણે થાય છે. આ ચેપ ગંભીર માથાનો દુખાવો, ઉલટી, રક્તસ્રાવનું વલણ, કમળાનું કારણ બને છે. આ ચેપને નીચેના ઉપાયો દ્વારા અટકાવી શકાય છે:
- ગંદા પાણીમાં ચાલવાનું ટાળો.
- બૂટ અથવા શૂઝ પહેરવાનું રાખો. .
- ગંદા પાણીના સંપર્કમાં આવ્યા પછી પગને સાબુ અને પાણીથી સારી રીતે ધોઈ લો.
- સારવાર અને ઉપયોગી દવાઓ માટે ડૉક્ટરની સલાહ લેવાનું રાખો.
વાયરસ-જન્ય ફ્લૂ
વરસાદની મોસમમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. વાયરસ-જન્ય ફ્લૂ વધવાની સંભાવના રહે છે. તેના સામાન્ય લક્ષણો છે તાવ, માથાનો દુખાવો, શરદી, ઉધરસ જેવા લક્ષણી હોય છે. એલર્જી અને અસ્થમાથી પીડિત લોકોને વધુ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે તે તેમના માટે વધુ સમસ્યાઓનું કારણ બની શકે છે. તેને રોકવા માટેના ઉપાયો જાણો.
- ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો.
- યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરો.
- વારંવાર હાથ ધોવા અને સેનિટાઇઝ કરવાનું રાખો.
- વર્ષમાં એકવાર ફ્લૂની રસી લો. તેનાથી ચેપ ઓછો થાય છે.
પેટ અને આંતરડાના ચેપ
વરસાદની મોસમમાં મોટાભાગના લોકો પેટ અને આંતરડાના ચેપથી પીડાય છે. કેટલીકવાર બહારથી અસ્વચ્છ ખોરાક ખાવાથી પણ ચેપ લાગે છે. આવી સ્થિતિમાં ચેપના કારણે ઉલટી, ઝાડા, કમળો થઈ શકે છે. આ ચેપ ગંદા, અસ્વચ્છ, દૂષિત ખોરાક, પાણી અને માખીઓથી થઈ શકે છે. આ ચેપને રોકવા માટે તમે આ ઉપાયો અપનાવી શકો છો.
- રસ્તાની બાજુમાં વેચાતી વસ્તુઓ ખાવાનું બંધ કરો.
- પાણી ઉકાળ્યા પછી જ પીવો.
- જમતા પહેલા હાથને સારી રીતે સાફ કરો.
- ઘરમાં ખોરાક ઢાંકીને રાખો.
- આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી. આ ચેપનું જોખમ ઘટાડે છે.