• 96 ચપલા, રીક્ષા અને ચાલકને ઉપાડી પ્ર. નગર પોલીસ મથકે લઇ જવાયા : બેની અટકાયત
  • જાહેર રોડ પર ઠલવાઈ ગયેલી દારૂની બોટલ ઉતાવળે કબ્જે કરવામાં પંચનામું ભુલાયું?

ગુજરાતમાં દારૂબંદી માત્ર કાગળ પર જ હોય તેવા બનાવો તો છાસવારે બનતા જ રહેતા હોય છે. દારૂબંદી હોવા છતાં અવાર નવાર દારૂના મોટા જથ્થાથી માંડી પીધેલા શખ્સો મળી આવતા હોય છે ત્યારે દારૂબંદીના લીરેલીરા ઉડ્યા સમાન બનાવ રાજકોટ શહેરમાં બનવા પામ્યો છે. જેમાં શહેરના ફૂલછાબ ચોકમાં દારૂ ભરેલી રીક્ષા પલટી મારી જતાં દારૂની બોટલ રસ્તા પર ઠલવાઈ જતાં દારૂબંદીનું વરવું ચિત્ર સામે આવ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર શહેરના ફૂલછાબ ચોક નજીક બપોરના આશરે દોઢ વાગ્યાં આસપાસ એક જીજે-03-બીએક્સ-405 નંબરની ઓટોરીક્ષા કોઈક કારણોસર પલટી મારી ગઈ હતી. રીક્ષા પલટી મારતા અંદર રહેલી દારૂની બોટલ રોડ પર ઠલવાઈ જતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

જે બાદ તાત્કાલિક પ્ર.નગર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તરત જ દારૂના ચપલા તેમજ રીક્ષાને કબ્જે કરી પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યું હતું. જો કે, ઉતાવળમાં ક્યાંક પોલીસ ઘટનાસ્થળે પંચનામું કરવાનું જ ભૂલી ગઈ હોય તેવા પણ અહેવાલો વહેતા થયાં છે. જો કે, આ બાબત કેટલી સાચી છે તે હવે જોવાનું રહ્યું. પ્રાપ્ત વિગત અનુસાર રિક્ષામાં 180 એમએલના ચપલાની બે પેટી હોવાનું જાણવા મળ્યું છે એટલે કે અંદાજિત 96 ચપલા લઈને જતી વેળાએ આ રીક્ષા પલટી મારી ગઈ હતી. એક અહેવાલ એવો પણ છે કે, પ્ર.નગર પોલીસને દારૂની ખેપ મારીને આવતી રીક્ષા અંગે બાતમી મળતા વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસને જોઈને રીક્ષા હંકારી નાસી છૂટવા પ્રયત્ન કરતા રીક્ષા પલટી ગઈ હતી. જો કે, હજુ સુધી આ બાબતે પોલીસ દ્વારા કોઈ વિગતો આપવામાં આવી નથી.

પ્ર. નગર પોલીસે રીક્ષાચાલકને અટકાયતમાં લઇ પૂછપરછ કરતા દારૂનો જથ્થો ભીલવાસના એક બુટલેગરોનો હોવાનું સામે આવ્યું હતું. જેથી ભીલવાસના આ બુટલેગરની પણ તાત્કાલિક અટકાયત કરી લેવામાં આવી હતી. હાલ આ મામલે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

આજી જીઆઈડીસીમાંથી દારૂના 56 ચપલા સાથે અમીરાજ બોરીચા ઝડપાયો

થોરાળા પોલીસ દ્વારા આજી જીઆઈડીસીમાં પાડવામાં આવેલા દરોડામાં 56 દારૂના ચપલા ઝડપાયા છે. પ્રાપ્ત વિગત અનુસાર થોરાળા પોલીસે આજી જીઆઈડીસીમાં આવેલ કીર્તિ પેકેજીંગ નામના કારખાના સામે જાહેર રોડ પર ઉભેલા એક શખ્સની જડતી કરતા તેની પાસેથી વિદેશી દારૂની 180 એમએલની 56 બોટલ મળી આવી હતી. જે બાદ થોરાળા પોલીસે 80 ફૂટ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા અમીરાજ સોમલાભાઈ બોરીચા નામના 21 વર્ષીય શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.