- સ્થાનિક વેપારીઓએ દુકાનો બંધ રાખી કર્યો વિરોધ
- અસામાજિક તત્વો વેપારી પાસેથી ઉઘરાવે છે પૈસા
- આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત અપાઈ તેવી વેપારીઓની માંગ
જૂનાગઢ ન્યૂઝ : કડિયાવાડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિવસેને દિવસે વધતો હોય ત્યારે આજે કડીયાવાડ વિસ્તારના સ્થાનિક વેપારીઓએ વેપારી એસોસિયેશનના પ્રમુખને સાથે રાખી દુકાનો બંધ કરી વિરોધ કર્યો હતો. વેપારી એસોસિયેશનના પ્રમુખ કિશન સોંદરવા એ જણાવ્યું હતું કે કડિયાવાડ વિસ્તારની આસપાસમાં રહેતા અસામાજિક તત્વો શાક માર્કેટમાં શાક વેચતા લોકો પાસેથી દરરોજના રૂપિયા 30, તેમજ વેપારીઓ પાસેથી 100 થી 200 રૂપિયા ઉઘરાવતા હોય છે. તેમજ વેપારીની દુકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી, નશો કરી અને વેપારી પાસેથી પૈસા માગતા હોય છે. વેપારી પૈસા આપવાની ના પાડે તો મારવાની અને એટ્રોસિટી કરવાની પણ અસામાજિક તત્વો દ્વારા ધમકીઓ આપવામાં આવે છે.
સુરેશ કાનજી નામનો ઇસમ વેપારીઓ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસાની ઉઘરાણી કરતો હોય શાકભાજીનો ગલ્લો રાખીને વેપાર કરતાં શાકના વેપારી પાસેથી ફરજિયાત રૂપિયા 30 લેતો હોય એને પૈસા ન આપે તો શાકનો થડો પણ ઉપડાવી લેવાની ધમકી આપતો હોય ત્યારે કડીયાવાડ વિસ્તારના વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ કર્યો. અને વિશાળ વાવ પોલીસ ચોકીમાં લેખિત અરજી આપી અને પોલીસ દ્વારા પૂરતું પેટ્રોલિંગ કરી અને કડિયાવાડ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત આપે અને અસામાજિક તત્વોના ત્રાસથી વેપારીઓને મુક્ત અપાવે તેવી વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.
ચિરાગ રાજયગુરૂ