- સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 47 પૈકી 46 દરખાસ્તોને બહાલી, રૂ. 12.27 કરોડના વિકાસ કામો મંજૂર:વર્ગ-2 ના કર્મચારીઓને પગાર સુધારણાનો લાભ આપવાની દરખાસ્ત પેન્ડિંગ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે સવારે ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 47 દરખાસ્તો પૈકી 46 દરખાસ્તોને બહાલી આપી રૂ .12. 27 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. સાતમા પગાર પંચ મુજબ વર્ગ-2 ના કર્મચારીઓને પગાર ધોરણ સુધારણાનો લાભ આપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. અલગ અલગ 242 વિકાસ કામો માટે 572. 71 કરોડની ફાળવણી કરવા માટે કોર્પોરેશન દ્વારા ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ મારફત રાજ્ય સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, શહેરના સર્વાંગી વિકાસ અર્થે વર્ષ:2024-25 માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગ્રાન્ટની ફાળવણી માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારના ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાં રૂ.572.71 કરોડના 242 વિવિધ વિકાસ કામો માટે વિસ્તૃત દરખાસ્ત રજુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ 2024-25માં આંતરમાળખાકીય સુવિધાના કામો માટે વસ્તીના ધોરણે રાજ્યની મહાનગરપાલિકાઓ માટે કુલ રૂ.3100 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.જે પૈકી રાજકોટને વર્ષ 2024-25 માટે રૂ.278.07 કરોડની ગ્રાંટ આંતરમાળખાકીય સુવિધાનાં કામો માટે જોગવાઇ કરાય છે, જે પૈકી હાલના તબક્કે રૂ.94.54 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. રૂ.511.99 કરોડના ત્રણ પ્રકારના કુલ-230 વિકાસ કામો માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
જેમાં અર્બન મોબીલીટી હેડ હેઠળ દરખાસ્તમાં કુલ-13 કામોનો સમાવેશ કરવામાં આવેલ છે જેની રકમ રૂ.51.19 કરોડ થાય છે. અર્બન મોબીલીટી હેડ હેઠળ શહેરનાં રોડ ઓવરબ્રિજ/અંડરબ્રિજ, રેલ્વે અંડરબ્રિજ, હૈયાત નાળાને પહોળા કરવા, સર્કલ ડેવલપમેન્ટ, બ્રીજને સ્ટ્રેન્ધનીંગ, જુના બ્રિજને વાઇડનીંગ, શહેરનાં મુખ્ય રસ્તા પર થર્મોપ્લાસ્ટ થી રોડ માર્કીંગ, પ્રધાનમંત્રી ઇ-બસ માટે ચાર્જીંગ સ્ટેશન, સી.એન.જી બસો માટે ડેપો વગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
જ્યારે ભૌતિક આંતર માળખાકીય સુવિધા હેડ હેઠળ સદરહુ દરખાસ્તમાં 168 કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેની રકમ રૂ.368.4803 કરોડ થાય છે. ભૌતિક આંતરમાળખાકીય સુવિધા હેડ હેઠળડી.આઇ.પાઇપ લાઇન નેટવર્ક, રોડ પર ફુટપાથ, સાઇડ સોલ્ડરમાં પેવીંગ બ્લોક, ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન, ટી.પી. રસ્તા રીસ્ટોરેશન કરી ડામર કાર્પેટ કામ, નવી વોર્ડ ઓફીસ, આવાસ યોજનાનાં કંપાઉન્ડમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ, નવા ભળેલ વિસ્તારમાં સ્વીમીંગ પુલ, ડીવાઇડર સ્ટોન ફીટીંગ કામ, વોકળાની બાજુમાં દિવાલ તથા સ્લેબ કલ્વટ કામ, સેન્ટ્રલ લાઇન ડીવાઇડર, વિગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
જયારે સામાજીક આંતર માળખાકીય સુવિધાઓ હેડ હેઠળ દરખાસ્તમાં કુલ 49 કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેની રકમ રૂ.92.3261 કરોડ થાય છે. સામાજીક આંતરમાળખાકીય સુવિધા હેડ હેઠળ અનામત પ્લોટ પર હાઇજેનિક ફુડ કોર્ટ, કોમ્યુનિટી હોલ, એનીમલ હોસ્ટેલ, હોલ તથા ગાર્ડન રીનોવેશન કામ, રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પેવેલીયન બનાવવાનું કામ, રેસકોર્ષ સંકુલમાં યોગા સેન્ટર, શાળા તથા લાઇબ્રેરી નવિનીકરણ,આરોગ્ય કેન્દ્ર તથા સીટી ટ્યુબરક્યુલોસીસ સેન્ટર, શાક માર્કેટ તથા ફુડ ઝોન, મોર્ડનાઇઝ્ડ ટોઇલેટ, રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં બિલ્ડીગોમાં રૂફ ટોપ સોલાર સીસ્ટમવિગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગતવર્ષ 2024-25માં મહાનગરપાલિકાઓ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ કુલ રૂ.600.00 કરોડની જોગવાઇ થયેલ છે, જે પૈકી રાજકોટ મહાનગરપાલિકાને રૂ.60.72 કરોડની ગ્રાંટની જોગવાઇ કરેલ છે, જે પૈકી હાલના તબક્કે રૂ.53.82 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેડ હેઠળસદરહુ દરખાસ્તમાં કુલ 12 કામોનો સમાવેશ કરવામાં આવેલ છે જેની રકમ રૂ.60.7215કરોડ થાય છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેડ હેઠળ ઝોનલ એક્શન પ્લાન વર્ક, રસ્તા ડેવલપમેન્ટ, સી.સી. રોડ, ડામર રી-કાર્પેટ વિગેરે જેવા કામોનો સમાવેશ કરવામાં આવેલ છે.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ: 2024-25 અંતર્ગત કરવામાં આવનાર વિકાસ કામોની દરખાસ્ત સ્થાયી સમિતિની મંજુરી મેળવી સરકારની સૈધ્ધાંતિક મંજુરી મેળવવા અર્થે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને રજુ કરવાની થાય છે. જે અંતર્ગત સને 2024-25નાં વર્ષ માટે અંદાજીત કુલ રકમ રૂ.572.7179 કરોડનાં (આંતરમાળખાકીય સુવિધાઓ કામોમાં રૂ.511.9964 કરોડ તથા મુખ્યમંત્રી શહેરી સડક યોજના કામોમાં રૂ.60.7215 કરોડ) વિકાસ કામો લગત શાખા અધિકારીઓ દ્વારા સુચવવામાં આવેલ છે, જેને આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે.
આ ઉપરાંત આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચેરમેન જયમીન ઠાકર માટે નવી ઇનોવા કાર ખરીદવા રૂ. 25.48 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો. શહેરના અલગ અલગ વોર્ડમાં રસ્તા કામ માટે રૂ. 8.37 કરોડ કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓને તબીબી સહાય ચૂકવવા માટે રૂ. 28. 21 લાખ, ડીઆઇ પાઇપલાઇન માટે રૂ.15.30 લાખ, સોલીડ વેસ્ટના કામો માટે રૂ.10.76 લાખ, નવા વાહનની ખરીદી કરવા માટે 1.46 કરોડ, વોટર વર્ક્સના કામ માટે રૂ.52.31 લાખ, માઇનોર બ્રીજ માટે રૂ. 23.72 લાખ કેમિકલ ટ્રાન્સપોર્ટેશન માટે રૂ. 50 લાખ,વૃક્ષારોપણ માટે 29.75 લાખ સહિત કુલ 12.27 કરોડના વિકાસ કામો મંજૂર કરાયા છે. જ્યારે પે એન્ડ યુઝ ટોયલેટ્નું સંચાલન સોપવાથી કોર્પોરેશનને રૂ 2.41 લાખની આવક થશે.
માધાપર એસટીપી ખાતે 34000 વૃક્ષોનું કરાશે વાવેતર
કોરોના બાદ લોકોને વૃક્ષોનું મહત્વ સમજાયું છે. શહેરના વોર્ડ નં.3માં માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ખુલ્લી જગ્યામાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ તથા મિયાવાકી પ્લાન્ટેશનના કામ માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.29.75 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. માધાપર એસટીપી ખાતે 20,000 ચોરસ મીટર જમીન પર વૃક્ષારોપણ થઈ શકે તેમ છે. જે પૈકી 6,500 ચોરસ મીટર જમીન પર મિયાવાકી પ્લાન્ટેશન અંતર્ગત 32,500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.જેના માટે 20.15 લાખનો ખર્ચ થશે જ્યારે બાકી રહેતી 13,500 ચોરસ મીટર જગ્યા પર બ્લોક પ્લાન્ટેશન પદ્ધતિથી 1500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.કુલ 34 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે .તેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા ન્યારી ડેમ સાઈટ, રામવન,આજીડેમ નેશનલ હાઈવેને લાગુ, આજી ડેમ ઓવરફ્લોની સામે, ગૌરીદડ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જામનગર રોડ રેલવે ટ્રેકની સમાંતર, યુનિવર્સિટી કેમ્પસ અને નાકરાવાડી લેન્ડફિલ સાઈડ એમ કુલ 8 સ્થળોએ મિયાવકી ફોરેસ્ટ પદ્ધતિથી 838500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
સિટી એન્જિનિયર અલ્પના મિત્રાને તતડાવી નાખતા વિનુભાઈ ઘવા
કોર્પોરેશનમાં સ્પેશિયલ સીટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રાને આજે ભાજપના સિનિયર કોર્પોરેટર અને શાસક પક્ષના પૂર્વ નેતા વિનુભાઈ ઘવાએ ઘઘલવી નાખ્યા હતા. ધ્યાન રાખજો નહીંતર પૂર્વ ટીપીઓ સાગઠીયા જેવી દશા થતા વાર નહીં લાગે તેવી ગર્ભિત ચેતવણી પણ આપી હતી. છેલ્લા ઘણા સમયથી આજી ડેમમાં લોકો કપડા ધોવે છે, વાસણ ધોવે છે, વાહનો ધોવે છે જેના કારણે ડેમનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે, આજી ડેમનું પાણી રાજકોટવાસીઓ પીવા માટે ઉપયોગમાં લઈ રહ્યા છે. ડેમના પાણીને પ્રદૂષિત થતું રોકવા માટેની જવાબદારી કોર્પોરેશનની છે.ડેમ ફરતી આડસ ફીટ કરી દેવી જોઈએ જેથી લોકો ડેમ સાઈડ પર ન આવે.આ અંગે ત્રણ-ત્રણ વખત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં સ્પેશિયલ સીટી એન્જિનિયર અલ્પનાબેન મિત્રા દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી.દરમિયાન આજે સવારે સ્ટેન્ડિંગ કમિટી પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરો અને સંકલન બેઠકમાં હાજરી આપ્યા બાદ શાસક પક્ષના પૂર્વ નેતા વિનુભાઈ ઘવા બહાર નીકળી રહ્યા હતા ત્યારે અલ્પનાબેન મિત્રા સ્ટેન્ડિંગ કમિટીમાં ભાગ લેવા માટે આવ્યા હતા. બંનેનો ભેટો થઈ જતા મિત્રાને વિનુભાઈ ઘવાએ રિતસર ઘઘલાવી નાખ્યા હતા.એવી ગર્ભિત ચીમકી આપી હતી કે આ વિનુભાઈ એ જ છે જે પહેલા હતા ધ્યાન રાખજો નહીંતર પૂર્વ ટીપીઓ સાગઠીયા જેવી દશા થતા વાર લાગશે નહીં.