• વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં સર્જાયો અકસ્માત
  • 24 વર્ષિય યુવક વિવેકનું મોત
  • પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો

સુરત ન્યૂઝ : શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. આવો જ એક કિસ્સો વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં બન્યો હતો. જેમાં યુક્રેનથી આવેલા MBBS ના વિધાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લઇ કચડી નાખતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે. તો પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધ્યો છે.

જશુભાઈ નારીગ્રાનો પુત્ર યુક્રેનથી સુરત પરત ફર્યો હતો

મળતી માહિતી મુજબ મુળ જુનાગઢના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જશુભાઈ નારીગ્રા પરિવાર સાથે રહે છે. અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે. જશુભાઈને સંતાનમાં બે પુત્ર છે. જે પૈકી 24 વર્ષિય વિવેક હાલ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો.

ડમ્પર ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારી

દરમિયાન ગત શુક્રવારે સવારે મોપેડ પર વેડરોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો, ત્યારે બેફામ ચલાવતા ડમ્પર ચાલકે મોપેડને પાછળથી ટક્કર મારી હતી. જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું.

અમારા પર તો આભ તુટી પડ્યું

મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું હતું કે, મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેનથી MBBS નો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. હવે તે આગળની તૈયારી કરી રહ્યો હતો. દરમિયાન ગત શુક્રવારે લાઈબ્રેરીથી પરત આવી રહ્યો હતી. ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો. અમારા પર તો આભ તુટી પડ્યું છે. વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો બેફામ દોડી રહ્યા

સિંગણપોર- ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પર ચાલકની અટકાયત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસે દિવસ માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે. પરતું આ બનાવો જોતા એમ લાગી રહ્યું છે કે આ નિયમોથી કઈ ફરક નથી પડતો. નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો બેફામ દોડી રહ્યા છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.