- છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યનાં 68 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ
- દ.ગુજરાતમાં મેઘાની તોફાની બેટીંગ
- નર્મદાના ગરૂડેશ્ર્વરમાં બે કલાકમાં સાડા પાંચ ઇંચ: દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી અનરાધાર વરસાદ
સૌરાષ્ટ્રમાં રવિવારે મેઘવિરામ રહ્યો હતો. જો કે, દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારે સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હોય તેમ ચાર કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ વરસી જતા સર્વત્ર જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્ર્વરમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે ભરૂચના નેત્રાંગમાં સવા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી બારે મેઘ ખાંગા થયા હોય તેવું લાગી રહ્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે. ચાર કલાકમાં ઉમરપાડામાં વરસેલા 14 ઇંચ જેટલા વરસાદના કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે. રાહત અને બચાવ કામગીરી માટે તંત્ર એલર્ટ થઇ ગયું છે. હજુ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 68 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. મોડાસામાં 90 મીમી, દાહોદમાં 64 મીમી, ઉમરપાડામાં 45 મીમી, ગોધરામાં 38 મીમી, વીરપુરમાં 37 મીમી, સોનગઢમાં 27 મીમી, ગરૂડેશ્ર્વરમાં 25 મીમી, લુણાવાડામાં 25 મીમી, નાડોદમાં 23 મીમી, ઘોઘામ્બામાં 20 મીમી વરસાદ પડ્યો હતો. આજે સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનો તોફાની અંદાજ જોવા મળ્યો હતો. સવારથી 35 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
સવારથી દક્ષિણ ગુજરાતમાં મેઘાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અતિભારે વરસાદના કારણે સ્થિતિ સતત વણસી રહી છે.
નર્મદા જિલ્લાના ગરૂડેશ્ર્વરમાં ચાર કલાકમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઉમરપાડામાં સવારે 6 થી 8 દરમિયાન ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. ત્યારબાદ મેઘાનું જોર વધ્યું હતું. 8 થી 10 દરમિયાન વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ચાર કલાકમાં 14 ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.
નર્મદાના તિલકવાડામાં બે ઇંચ વરસાદ વરસી ગયો છે. આજે રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં અમૂક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે. સૌરાષ્ટ્રમાં ગઇકાલે રવિવારે મેઘવિરામ જેવો માહોલ જોવા મળ્યો હતો. મોટાભાગના વિસ્તારોમાં વરાપ નિકળ્યો હતો.
આજ સુધીમાં રાજ્યમાં 29.48 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં 34.91 ટકા, ઉત્તર ગુજરાતમાં 18.88 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 19.59 ટકા, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 37.66 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 35.29 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ગયા બાદ મેઘરાજાએ રૂષણા લેતા હાલ જગતાત કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે. જો સમયસર વરસાદ નહીં પડે તો બિયારણ બળી જવાની પણ ભીતિ રહેલી છે.
- સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય પાંચ દિવસ વરસાદની વકી
- દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ-દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ: સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં છૂટછવાયો વરસાદ પડી રહ્યો છે. જો કે સારા વરસાદને લઇને ગુજરાતવાસી કાગડોળે રાહ જોઇ રહ્યાં છે. દક્ષિણ ગુજરાત સિવાયના ઝોનમાં વરસાદની અછત વર્તાઇ રહી છે. જો કે હવે એવી ત્રણ સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે હવામાન વિભાગે રાજ્યમાં સારા સાર્વત્રિક વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. રાજ્યના ચારેય ઝોનમાં આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ,તાપી,નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે..તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.સૌરાષ્ટ્રના છ જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી,ભાવનગર અને બોટાદમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. અલગ અલગ
વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યા છે.. આજે ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
યુપી-બિહારમાં વીજળી પડવાથી એક જ દિવસમાં 80ના મોત, 39 ઘાયલ
યુપી બિહારમાં વીજળી પડવાથી 24 કલાકમાં ઓછામાં ઓછા 79 લોકોના મોત થયાં હતાં અને બીજા 39 ઘાયલ થયાં હતાં. ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાથી, સાપ કરડવાથી અને ડૂબી જવાથી એક જ દિવસમાં 54 લોકોના મોત થયા હતાં, જ્યારે બિહારના અનેક જિલ્લાઓમાં વીજળી પડવાથી 25 લોકોના મોત થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતાં. યુપીના રાહત કમિશનરે જણાવ્યું હતું કે આ તમામ મોત બુધવાર સાંજે સાત વાગ્યાથી ગુરુવાર સાંજે સાત વાગ્યા દરમિયાન થયાં હતાં. મોટાભાગના મોત બુધવારે વીજળી પડવાથી થયાં હતાં. પ્રતાપગઢ જિલ્લામાં વીજળી પડવાથી સૌથી વધુ 12 લોકોના મોત થયાં હતાં. બુધવારે વીજળી પડવાથી સુલતાનપુરમાં સાત અને ચંદૌલીમાં છ લોકોના મોત થયાં હતાં. પ્રયાગરાજ (બુધવારે) અને ફતેહપુર (ગુરુવારે)માં વીજળી પડવાને કારણે ચાર-ચાર લોકોના મોત થયાં હતાં. હમીરપુરમાં બુધવારે વીજળી પડવાથી બે લોકોના મોત થયાં હતાં. બુધવારે ઉન્નાવ, અમેઠી, ઇટાવા, સોનભદ્ર, ફતેહપુર અને પ્રતાપગઢમાં એક-એક વ્યક્તિનું અને ગુરુવારે પ્રતાપગઢ અને ફતેપુરમાં એક-એક વ્યક્તિનું મોત થયું હતું. બુધવારે ડૂબી જવાની ઘટનાઓમાં નવ લોકોના મોત થયા હતા. બુધવારે અમેઠી અને સોનભદ્રમાં સાપ કરડવાથી એક-એક વ્યક્તિનું મોત થયું હતું.વીજળી પડવાથી બિહારના મધુબનીમાં પાંચ, ઔરંગાબાદમાં ચાર, સુપૌલમાં ત્રણ, નાલંદામાં ત્રણ, લખીસરાય અને પટનામાં બે-બે અને બેગુસરાઈ, જમુઈ, ગોપાલગંજ, રોહતાસ, સમસ્તીપુર અને પૂર્ણિયામાં એક-એકનું મોત થયું હતું. બિહારના મુખ્યમંત્રી
નીતિશ કુમારે શુક્રવારે શોક વ્યક્ત કર્યો હતો અને અધિકારીઓને દરેક મૃતકના પરિવારને રૂ.4 લાખની સહાયની જાહેરાત કરી હતી. તેમણે લોકોને વરસાદ અને વાવાઝોડા દરમિયાન ઘરની અંદર રહેવાની પણ વિનંતી કરી હતી.