ગયા વર્ષે ભારત ચીનને પછાડીને વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો. વિશ્વ વસ્તી દિવસ પર યુનાઈટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટ અનુસાર, ભારત 2060ના દાયકામાં વસ્તીના સૌથી ઊંચા શિખરે પહોંચી જશે. ત્યારે ભારતની વસ્તી લગભગ 170 કરોડ થવાની સંભાવના છે. તે પછી ભારતની વસ્તી લગભગ 12 ટકાના દરે ઘટશે. પરંતુ 80 વર્ષ સુધી ભારત વસ્તીના મામલામાં ચીન કરતા આગળ રહેશે અને વર્ષ 2100 સુધી વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે.
ગ્લોબલ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2024ના રિપોર્ટ અનુસાર આગામી 50 થી 60 વર્ષ સુધી વિશ્વની વસ્તીમાં વધારો થવાની ધારણા છે. વિશ્વની વસ્તી સતત વધતી રહેશે અને 2085 સુધીમાં તેના 1030 કરોડના સર્વોચ્ચ સ્તરે પહોંચશે. 2024 માં વિશ્વની વસ્તી 820 કરોડ છે. તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા પછી, વૈશ્વિક વસ્તી ધીમે ધીમે ઘટવા લાગશે અને સદીના અંત સુધીમાં એટલે કે 2100 સુધીમાં, આ વસ્તી ઘટીને 1020 કરોડ થઈ જશે.
રિપોર્ટ અનુસાર, ભારતની વસ્તી હાલમાં 145 કરોડ હોવાનો અંદાજ છે અને 2055 સુધીમાં તે વધીને 169 કરોડ થશે. ભારત 2100 સુધી સતત વિશ્વમાં ટોચ પર રહેશે. ભારતની વસ્તી 2100 ના અંત સુધીમાં ઘટીને 150 કરોડ થઈ જશે. ભારતની વસ્તી વિશે વાત કરતા, યુએનના વરિષ્ઠ વસ્તી બાબતોના અધિકારી ક્લેર મેનોઝીએ જણાવ્યું હતું કે ભારત હાલમાં વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ છે અને તે સદી દરમિયાન આમ જ રહેશે. એવું માનવામાં આવે છે કે તે 2060 ના દાયકામાં અથવા તેની આસપાસ તેની ટોચ પર પહોંચશે અને પછી થોડો ઘટાડો શરૂ કરશે. સદીના અંત સુધીમાં ભારતની વસ્તી આશરે 150 કરોડ હોવાનો અંદાજ છે.
રિપોર્ટ અનુસાર, ચીનની વસ્તી, જે હાલમાં લગભગ 141 કરોડ છે, તે 2054માં ઘટીને 121 કરોડ થઈ જશે અને 2100 સુધીમાં તે વધુ ઘટીને 63.3 કરોડ થઈ જશે. આનો અર્થ એ છે કે ચીન તેની અડધાથી વધુ વસ્તી ગુમાવશે. વસ્તી નુકશાનની બાબતમાં ચીન સૌથી આગળ રહેશે. આના કારણે જાપાન પણ તેની લગભગ 2.1 કરોડ વસ્તી ગુમાવશે, સાથે જ રશિયાની વસ્તીમાં પણ લગભગ 1 કરોડ ઘટાડો થશે. ચીનની ઘટતી વસ્તીના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે ચીનની વન ચાઈલ્ડ પોલિસીના કારણે આવું બન્યું છે, આજે ચીનમાં મોટાભાગની મહિલાઓ એક જ બાળક પેદા કરવાનું પસંદ કરી રહી છે, જેના કારણે ચીનની વસ્તીમાં ઘટાડો થશે.
વિલ્મોથે જણાવ્યું હતું કે ઇમિગ્રન્ટ્સ વિના, કોઈપણ દેશને સ્થિર વસ્તી જાળવી રાખવા માટે લગભગ 2.1 ટકા પ્રજનન દરની જરૂર પડશે. જો પ્રજનન દર 1.8 અથવા 1.5 ની નીચે પહોંચે છે, તો તે લાંબા ગાળે વસ્તીમાં ઘટાડો લાવી શકે છે. ચીનની વસ્તીમાં ઘટાડાનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે તેમનો પ્રજનન દર પણ નીચો જવાની શક્યતા છે.