વરસાદની મોસમ પોતાની સાથે-સાથે તાજગીભર્યું વાતાવરણ લાવે છે. કેટલાક લોકોને વરસાદની આ ઋતુ અતિપ્રિય હોય છે. પણ આ મોસમમાં સ્વાસ્થ્ય અને ત્વચાને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. વરસાદની મોસમમાં વધુ ભેજ અને ગરમીના કારણે ત્વચા તૈલી થઈ જાય છે. જેના લીધે ચહેરા પર ખીલ, ફંગલ ઇન્ફેક્શન અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓ થવા લાગે છે.
તેમજ વરસાદના દિવસોમાં ભેજ વધવાને કારણે ત્વચાની ચમક પણ ઘટી જાય છે. તેથી તમારે આ મોસમમાં ત્વચાની કાળજી લેવી ખૂબ જરૂરી બને છે. જેથી કરીને આ સમસ્યાઓ દૂર રહે અને તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને. આ ઋતુમાં ત્વચાની ચમક જાળવી રાખવા માટે તમે આલુ બુખારા ફળમાથી બનાવેલા આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. જે તમારી ત્વચા માટે ફાયદાકારક છે.
ઘરે આલુ બુખારાના ઉપયોગથી ફેસ પેક કેવી રીતે બનાવવું
આલુ બુખારા એક એવું ફળ છે જે એન્ટીઑકિસડન્ટ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે અને ત્વચાને કુદરતી રીતે પોષણ આપવામાં મદદરૂપ બને છે. સાથોસાથ તે તમારા ચહેરાને પણ ચમકદાર બનાવે છે. તો ચાલો જાણીએ કે આલુ બુખારામાંથી આ ત્રણ પ્રકારના ફેસ પેક કેવી રીતે બનાવી શકાય અને તેના શું ફાયદા છે.
1. આલુ બુખારા અને મધનો ફેસ પેક
બનાવવાની રીત
આ ફેસ પેક બનાવવા માટે તમારે 2 ચમચી પાકેલા આલુ બુખારા અને 1 ચમચી મધ લો. ત્યારબાદ એક બાઉલમાં આલુ બુખારાના પેસ્ટ સાથે મધ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. તેમજ આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવવાનું રાખો. તેને 15-20 મિનિટ સુધી સૂકવવા દો અને પછી નવશેકા પાણીથી ચહેરો અને ગરદનને ધોઈ લો. ત્યારબાદ ટુવાલ વડે સૂકવી લો.
ફાયદાઓ
આ ફેસ પેકનો ઉપયોગ તૈલી ત્વચા માટે ફાયદાકારક હોય છે. મધ ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને આલુ બુખારામાં રહેલા એન્ટીઑકિસડન્ટ તમારી ત્વચાને ચમકદાર બનાવે છે. આ ફેસ પેક ત્વચાના ચેપ અને ખીલને પણ ઘટાડે છે. વરસાદની ઋતુમાં આ ફેસપેકનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી સ્કીન સોફ્ટ અને ચમકદાર બને છે.
2. આલુ બુખારા અને દહીંનો ફેસ પેક
બનાવવાની રીત
આલુ બુખારા અને દહીંના ઉપયોગથી આ ફેસ પેક બનાવવા માટે પહેલા પાકેલા આલુ બુખારાને પાણીથી ધોઈ લો અને તેનો પલ્પ કાઢીને તેની ઝીણી સ્મૂધ પેસ્ટ બનાવો. પ્લમ પેસ્ટમાં દહીં મિક્સ કરીને તેને સારી રીતે મિક્સ કરો. જેથી કરીને ફેસ પેકનું પેસ્ટ તૈયાર થઈ જાય. આ પેસ્ટને તમારા ચહેરા અને ગરદન પર લગાવો અને પછી તેને 15 થી 20 મિનિટ સુકાવા દો. ત્યારબાદ નવશેકા પાણીથી ચહેરાને ધોઈ લો.
ફાયદાઓ
આલુ બુખારા અને દહીંથી બનેલો ફેસ પેક તૈલી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. દહીંમાં હાજર લેક્ટિક એસિડ ત્વચાને પોષણ આપે છે અને આલુ બુખારાના પેસ્ટ સાથે મિક્સ કરીને લગાવવાથી તે ત્વચાને ચમકદાર બનાવે છે. દહીં અને આલુ બુખારામાથી બનેલું આ પેક ત્વચાને ઊંડે સુધી સાફ કરી દે છે. સાથોસાથ આ ફેસપેક તમારી ત્વચાને સોફ્ટ બનાવે છે.
3. આલુ બુખારા અને ચણાના લોટનો ફેસ પેક
બનાવવાની રીત
આ ફેસ પેક બનાવવા માટે સૌપ્રથમ આલુ બુખારાને પાણી વડે ધોઈ લો અને તેમાથી પલ્પ કાઢીને તેનું પેસ્ટ બનાવો. પ્લમ પેસ્ટમાં ચણાનો લોટ અને ગુલાબજળ મિક્સ કરીને સારી રીતે તેને મિક્સ કરો. થોડીક જાડી પેસ્ટ રાખીને પેસ્ટ તૈયાર કરો. આલુ બુખારા અને ચણાના લોટમાથી બનાવેલા આ ફેસ પેકને તમારા ચહેરા અને ગરદન પર લગાવીને 15 થી 20 મિનિટ સુધી સૂકાવા દો. ત્યારબાદ ચહેરાને અને ગરદનને પાણીથી ધોઈ લો.
ફાયદાઓ
ચણાનો લોટ ત્વચામાંથી વધારાનું તેલને દૂર કરે છે અને આલુ બુખારા તમારી સ્કીનને પોષણ આપે છે. આ ફેસ પેક બનાવવામાં ગુલાબજળનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ત્વચાને સોફ્ટ કરે છે અને પ્લમની સાથે તે તમારી ત્વચાને ચમકદાર પણ રાખે છે. આ ફેસ પેકનો નિયમિત ઉપયોગ કરવાથી તમારી સ્કીન ચમકદાર અને સ્વસ્થ રહે છે.
આલુ બુખારામાથી બનાવેલા આ ત્રણ ફેસ પેક તમારી ત્વચાને કુદરતી રીતે પોષણ આપે છે. આ ફેસપેક તમારી ત્વચાને યુવાન રાખવામાં પણ મદદ કરે છે. તેનાથી તમારા ચહેરા પર કરચલીઓ ઓછી થાય છે. તમે તેનો નિયમિત ઉપયોગ કરીને તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો. જો તમને સ્કીનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક સ્કીન ડોક્ટર પાસે તપાસ કરવો.