- મોબાઈલનો રાત્રે સતત ઉપયોગ રિવેન્જ બેડ ટાઈમ પ્રોકાસ્ટીનેશન સુધી લઈ જવા માટે પણ જવાબદાર: મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને અધ્યક્ષ પ્રો. યોગેશ જોગસણ દ્વારા રાત્રી સમય દરમિયાન ખાસ કરીને ઊંઘવાના સમયે થતા ડીજીટલ માધ્યમોના ઉપયોગ 1350 લોકો પર સર્વે કર્યો
- કામકાજ ભરેલ આખા દિવસ પછી, લોકો ટીવી જોવાને રાહતનો સમય કહે છે અને કલાકો સુધી જાગતા રહે છે.
- તેમને એમ લાગે છે કે તેઓ પોતાની જાતને આરામ આપી રહ્યા છે. આ વિચારના કારણે તેઓ ઊંઘમાં સમાધાન કરે છે. પરંતુ વાસ્તવમાં તેઓ આરામ નથી કરી રહ્યા પરંતુ મોટી મુશ્કેલીઓને આમંત્રણ આપી રહ્યા છે.
આજની આધુનિક જીવનશૈલી અને વ્યસ્ત સમયપત્રકને કારણે મોટાભાગના લોકો મોડી રાત સુધી જાગતા રહે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો ઘણા લોકો એવા હોય છે જે રાત્રે 1 કે 2 વાગ્યા પછી જ ઊંઘે છે. જ્યારે લોકો તેમના ઓફિસના કામમાંથી મુક્ત હોય છે, ત્યારે તેઓ તેમના ફોનમાં વ્યસ્ત થઈ જાય છે. તે કોઈ ને કોઈ કામમાં વ્યસ્ત રહે છે.
આ સમગ્ર પરિસ્થિતિ માટે એક ખાસ પ્રકારના શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રિવેન્જ બેડ ટાઈમ પ્રોકાસ્ટીનેશન. આ આદત આપણને થોડા સમય માટે શાંતિ આપે છે પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો. ધારા આર. દોશી અને અધ્યક્ષ પ્રો. યોગેશ જોગસણ દ્વારા રાત્રી સમય દરમિયાન ખાસ કરીને ઊંઘવાના સમયે થતા ડીજીટલ માધ્યમોના ઉપયોગ અંગે સર્વે કર્યો અને જેમાં 1350 લોકોનો સમાવેશ કર્યો અને જેમાં જોવા મળ્યું કે ઘણા લોકો આ પ્રકારના રિવેન્જ બેડ ટાઈમ પ્રોકાસ્ટીનેશન ઓછા વધતા પ્રમાણમાં અનુભવી રહ્યા છે.
ખૂબ જ વ્યસ્ત અને ખૂબ જ થાકેલ બાદ પણ ટીવી જોઈને તાજગી અનુભવવી. મોડી રાત સુધી સ્ક્રીનની સામે બેસવાની પ્રક્રિયા, ઊંઘ લાવવા માટે ક્યારેક આંખો ચોળવી છે તો ક્યારેક ચહેરો ધોઈ નાખવો. જરૂર પડે તો ચાની ચૂસકી લેવી. એકાદ દિવસ આવી ઘટના થાય તો તકલીફ નથી પણ જો સતત પોતાની ઊંઘ સાથે દુશ્મની રહે, તો તે રિવેન્જ બેડટાઇમ પ્રોક્રેસિનેશનનો શિકાર છે. તેનો સીધો અર્થ માની શકાય છે કે દિવસભર ગમે તેટલી મહેનત કરી હોય, વ્યસ્ત હોઈએ પણ આરામ કરવા સુવાની જગ્યાએ વ્યક્તિ મોબાઈલ સ્ક્રીન ટાઈમનો ઉપયોગ વધુ કરે છે. જરૂર કરતાં વધુ સમય સુધી જાગતા રહેવાથી અને આરામના નામે માત્ર ટીવી જોવાથી અનેક પ્રકારની માનસિક સમસ્યાઓને આમંત્રણ આપી રહ્યા છીએ. જો આ નિયમિત આદત બની ગઈ હોય તો વ્યક્તિ ઘણા પ્રકારની સમસ્યાઓથી ઘેરાઈ શકે છે. ઓછી ઊંઘને કારણે વિચારવાની ક્ષમતામાં ઘટાડો, એકાગ્રતામાં ઘટાડો, નબળી યાદશક્તિ, ચિંતા અને ચીડિયાપણું જેવી સમસ્યાઓ થઈ શકે છે.જો આ સિલસિલો લાંબા સમય સુધી ચાલુ રહે તો રોગોની ગંભીરતા પણ વધી શકે છે. નિષ્ણાંતોના મતે ઊંઘની ઉણપથી હૃદયની બીમારીઓ, ડાયાબિટીસ અને મેદસ્વિતા પણ થઈ શકે છે. તે રોગપ્રતિકારક શક્તિ એટલે કે રોગપ્રતિકારક શક્તિને પણ અસર કરી શકે છે. ડિપ્રેશનની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.
બચવાના ઉપાયો
જો તમે આ રોગોથી બચવા માંગતા હોવ તો ખાસ શેડ્યૂલ ફોલો કરવું જરૂરી છે.ઊંઘનું શેડ્યૂલ બનાવો, સૂવાનો અને જાગવાનો તમારો સમય સુનિશ્ચિત કરો. તમારી ઊંઘને નિયમિત કરો, સૂવાના સમયે આધ્યાત્મિક વિચારો કરવા, જેથી મન શાંત રહે, પુસ્તક વાંચવું, લાઇટ સ્ટ્રેચિંગ કરવું જેથી શરીરને આરામ મળે, ફોન પર વધુ સમય સુધી ન રહો, સૂતા પહેલા ફોનના નોટિફિકેશન બંધ રાખીને સૂવું. સૂવાના એક કલાક પહેલા સ્ક્રીનથી દૂર રહો. ખાસ કરીને વાદળી પ્રકાશ ફેંકતા ઈલેક્ટ્રોનિક ઉપકરણોના સંપર્કમાં ન આવો.
શું છે રિવેન્જ બેડ ટાઈમ પ્રોકાસ્ટીનેશન? સર્વેના તારણો
આખા દિવસના થાક પછી આરામ મેળવવા 65.5% લોકો મોબાઈલની વિવિધ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે.
70% લોકોએ કહ્યું કે સતત રીલ્સ કે વિડીયો જોવાનો ટાઈમ નક્કી નથી રહેતો.
જ્યાં સુધી મોબાઈલ હાથમાં હોય કે ટી.વી. શરુ હોય ત્યાં સુધી ઊંઘ આવવામાં સમસ્યાઓ અનુભવાય છે? જેમાં 71.2% લોકોએ હા કહ્યું વેકેશનની રજાઓમાં શું મોબાઈલ અને ટી.વી.નો ઉપયોગ વધુ થતો હતો તેવું અનુભવાય છે? જેમાં 62.1% લોકોએ હા જણાવી
રીલ્સ કે વિડીયો સ્ક્રોલ કરતી વખતે સમયનું ભાન ન રહ્યું હોય એવો અનુભવ થાય છે? જેમાં 80% લોકોએ હા જણાવ
ઘડિયાળના કાંટા સતત ચાલતા હોવા છતાં ઊંઘવાનું મન ન થતું હોય તેવું અનુભવાય છે? જેમાં 77.3% લોકોએ હા જણાવી આંખોમાં ઊંઘ હોય પણ હાથમાં મોબાઈલ હોય અને સ્ક્રીન શરુ હોય તેવું અનુભવાય છે? જેમાં 70.17% લોકોએ હા જણાવી
તમારે રાત્રે વહેલું સુવું હોય છે પણ સુઈ નથી શકતા તેવું બને છે? જેમાં 71% લોકોએ હા જણાવી
તમે ધાર્યા કરતા મોડા સુવો છો? જેમાં 78% લોકોએ હા જણાવી જો તમારે સવારે વહેલું ઉઠવું હોય તો તમે વહેલા સૂઈ શકો છો? જેમાં 41% લોકોએ હા જણાવી
જો રાત્રે લાઇટ બંધ કરવાનો સમય હોય તો તમે તરત લાઈટ બંધ કરીને સુઈ શકો છો? જેમાં 71.2% લોકોએ ના જણાવી
ઘણીવાર, જ્યારે સૂવાનો સમય થાય છે ત્યારે તમે અન્ય વસ્તુઓ વિશે પણ સતત વિચાર કરો છો? જેમાં 71.2% લોકોએ હા જણાવી જ્યારે તમે ખરેખર સુવા માંગો છો ત્યારે જ અલગ અલગ વિચારો તમને ઘેરી વળે છે? જેમાં 71.2% લોકોએ હા જણાવી
તમે સમયસર સુવા જતા રહો છો? જેમાં 78% લોકોએ નાં જણાવી સવારે જાગ્યા પછી પણ થાક કે આખી રાત સુતા ન હો તેવો અનુભવ થાય છે? જેમાં 60% લોકોએ હા જણાવી