- કલેકટર, મ્યુ.કમિશનર, પોલીસ કમિશનરને પક્ષકાર તરીકે જોડતા તમામને નોટિસ ફટકારાઈ
ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના મૃતકના પરિવારે ગ્રાહક કોર્ટમાં 20 લાખનો દાવો કર્યો છે. જેમાં કલેકટર, મ્યુ.કમિ., પોલીસ કમિ.ને પક્ષકાર તરીકે જોડ્યા છે. કોર્ટે રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો, મિલકતના માલિક, રાજકોટ કલેકટર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર એમ તમામ પક્ષકારને નોટિસ ફટકારી છે.
ક્ધઝ્યુમર કાયદા હેઠળ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ (અધિક) સમક્ષ દાખલ કરવામાં આવેલ ફરિયાદની વિગત જોતા, સમગ્ર ગુજરાત અને દેશમા ચર્ચાસ્પદ બનેલ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ 27 મૃતકો પૈકી દર્શન એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી અને જાણીતા વેપારી અગ્રણી રસિકભાઈ વેકરીયાના પુત્ર નિરવના મૃત્યુ બદલ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી, તેના ભાગીદારો, મિલકતના માલિકો વિરુદ્ધ રસિકભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટીસ ફટકારવામાં આવી છે.
ફરિયાદીએ પોતાના પુત્ર નિરવ કે, જે દર્શન એન્જિનિયરિંગ કોલેજ ખાતે એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેની ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દી ધ્યાને લઈ રેસ-વે એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી તથા તેના ભાગીદારો, મિલ્કતના માલિકો પાસેથી 20 લાખના વળતરની માંગણી કરી છે.
ફરિયાદીએ કરેલ ફરિયાદના વર્ણનમાં નોંધવામાં આવ્યું છે કે, રેસ-વે એન્ટરપ્રાઇઝ એક ભાગીદારી પેઢી છે. આ પેઢી દ્વારા ટીઆરપી ગેમઝોનના નામથી ગેમ્સ, એમ્યુઝમેન્ટ, સ્પોર્ટસ અને રેસીંગ જેવી અનેકવિધ એક્ટિવિટી થઈ શકે તેવી પોતાની પ્રોડક્ટ વિવિધ પ્રકારે જાહેરાતના માધ્યમથી ઓફર કરેલ હતી. આવી ઓફરના પ્રલોભનથી મૃતક નિરવ, કે જે પેઢીના ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે.
તેઓ તથા અન્ય ગ્રાહકો આકર્ષાયા હતા અને પેઢીએ નિયત કરેલ રકમ ચૂકવી પેઢીની પ્રોડક્ટ એટલે કે, ગેમઝોનમાં ટ્રેમ્પોલીન, આર્ટિફિશિયલ વોલ ક્લાઈમબીંગ, રેસીંગ, બોલીંગ, જમ્પીંગ વગેરે રમતગમત, એમ્યુઝમેન્ટ માણવા પ્રવેશ લીધો હતો.
તા.25/5/24 ના રોજ ગેમઝોન ખાતે અચાનક આગ ફાટી નીકળતા ગેમઝોનમાં રમતગમત એમ્યુઝમેન્ટનો લાભ લઈ રહેલ નિરવ તથા અન્ય ગ્રાહકો ગેમઝોનમાંથી બહાર નીકળી શક્યા ન હતા અને અગ્નિજ્વાળાની લપેટમાં આવી અકાળે મૃત્યુ પામ્યા હતા. ફરિયાદમાં સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવેલ છે કે પેઢી દ્વારા પોતાના ગ્રાહકો માટે સુરક્ષા વિષયક બાબતો અન્વયે બેદરકારી દાખવવામાં આવેલ, અગ્નિશામક સાધનો ઉપલબ્ધ રાખવામાં આવેલ નહી.
ગ્રાહકો માટે કોઈપણ પ્રકારની વિમા સુરક્ષા પણ લેવામાં આવેલ નહી જેને પરિણામે પેઢીના ગ્રાહક એવા નિરવ વેકરીયાનું પેઢીના સ્થળે પેઢીની ખામીયુક્ત સેવા તથા બેદરકારીને કારણે મૃત્યુ થયેલ છે. તે સબબ પેઢીના ભાગીદારો, પેઢી જે સ્થળે ચાલતી હતી તે સ્થળના માલીકો મૃતક નિરવ વેકરીયાના પરિવારને 20 લાખ રૂપિયા વળતર ચૂકવે તેવી દાદ આ ફરિયાદ તળે માંગવામાં આવી છે.
આ ફરિયાદને લગતું તમામ સાધનિક રેકર્ડ કે જે રાજકોટ કલેકટર કચેરી, પોલીસ કમિશનર કચેરી અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક હોય તે તમામ દસ્તાવેજી પુરાવાઓ આયોગ સમક્ષ રેકર્ડ ઉપર લઈ આવી શકાય તે હેતુથી રાજકોટના કલેકટર, પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનરને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે.
આ તમામ સક્ષમ સત્તાધિકારી તથા તેમની કચેરી દ્વારા કોઈની શેહ શરમમા આવ્યા વગર પૂર્ણ પ્રમાણિક અને પારદર્શક અભિગમ અપનાવી રેકર્ડ રજૂ કરવામા આવે છે કે કેમ તેના ઉપર રાજકોટ વાસીઓની મીટ મંડાઈ છે. ફરિયાદના કાર્યને સામાજિક ઉત્તરદાયિત્વ ગણી ફરિયાદીના એડવોકેટ ગજેન્દ્ર જાની દ્વારા કોઈ ફી લેવામાં આવશે નહીં.