• છેલ્લા 24 કલાકમાં રાજયના 42 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ માત્ર એક ઈંચ વરસાદ: સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ બને છે પણ મેઘરાજા મનમૂકીને વરસતા નથી: આજે હળવાથી મધ્મ વરસાદની આગાહી
  • અષાઢી બીજના પાવન દિવસે  મેઘરાજાની પધરામણી ખૂબજ શુકનવંતી માનવામાં આવતી હોય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અષાઢી બીજ કોરી ધાકોડ થતા જગતાત   ચિંતિત બની ગયા છે. વાવણીલાયક વરસાદ પડયા બાદ મેઘરાજાએ લાંબો બ્રેક લેતા હવે ખેડુતો કાગ ડોળે  વરસાદની વાટજોઈ રહ્યા છે.

અષાઢી બીજના દિવસે  ભગવાન જગન્નાથજી ભાઈ બળદેવ અને બહેન સુમદ્રાજીની સાથે નગરચર્યાએ નિકળતા હોય છે. ત્યારે  આકાશમાંથી  ઈન્દ્રદેવ વરસાદ વરસાવી રથયાત્રાનો  જળાભિષેક  કરતા હોય છે.  આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 17  જિલ્લાના 42 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઈ એક ઈંચ સુધી વરસાદ પડયો હતો જોકે સૌરાષ્ટ્ર-કચ્છના એક પણ તાલુકામાં  એક ટીપુ પાણી પણ વરસ્યું ન હતુ. અષાઢી બીજનો  દિવસ કોરો ધાકોડ જવાના કારણે ખેડુતોમાં  ભારે નિરાશા  વ્યાપી જવા પામી છે.  સર્વત્ર  વાવણીલાયક  વરસાદ વરસી ગયા બાદ  મેઘરાજાએ  ઓચિંતો  વિરામ લઈ લેતા હવે  પાકને વરસાદની  તાતી જરૂરીયાત છે. ખેડુતો કાગડોળે મેઘરાજાની પધરામણીની  વાટ જોઈ રહ્યા છે. હાલ એક પણ  સિસ્ટમ એવી નથી  જે સૌરાષ્ટ્ર-કચ્છમા સાર્વત્રિક  અને અનરાધાર વરસાદ પડે જો. એકાદ સપ્તાહમાં  સચરાચર વરસાદ નહી  પડે તો  બિયારણ બળી જવાની  પણ ભારોભાર  ભીતિ  રહેલી છે.

આજે સવારે  પૂરા થતા છેલ્લા  24 કલાક દરમિાન  રાજયના 42  તાલુકાઓમાં વરસાદ ચોકક્સ  પડયો છે. પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છમાં સારૂ ઝાપટુ પણ  પડયું નથી. અષાઢી બીજનો દિવસ વરસાદ વિના પસાર થતા જગતાતના જીવ તાળવે  ચોટી ગયા છે. મેઘરાજાએ હવે મહે કરવા બે   હાથ જોડીને ખેડુતો વિનવી રહ્યા છે.

વરસાદનું  જોર ઘટી જવાના કારણે  રાજયભરમાં ફરી ગરમીનું   જોર વધ્યું છે. બફારાથી  જનજીવન અકળાટ ગયું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં  વાતાવરણ ચોકકસ મેઘાવી અને વાદળછાંયું બને છે. પરંતુ   મેઘરાજા  મહેર કરતા નથી. આજે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં  હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. જયારે દક્ષિણ ગુજરાત, ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે. વાવણી લાયક વરસાદ બાદ લાંબો મેઘ વિરામ અને તડકાથી હવે બિયારણ બળી જવાની પણ દહેશત ઉભી થવા પામી છે. જળાશયોમાં નવાનીરની આવક બંધ થઈ જવા પામી છે. રાજયમાં જૂન માસમાં સરેરાશ 115 મીમી વરસાદ વરસી ગયો હતો. જુલાઈ માસના  પ્રથમ બે  ત્રણ દિવસ  સારો વરસાદ પડયા બાદ મોનસુન  બ્રેકનો પિરીયડ આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે.  જુલાઈના એક સપ્તાહ દરમિયાન  સરેરાશ  89.16 મીમી વરસાદ વરસી ગયો છે.

રાજયમાં આજ સુધીમાં  સિઝનનો  સરેરાશ  23.12 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં  25.63 ટકા વરસાદ, ઉતર ગુજરાતમાં  15.89 ટકા વરસાદ, પૂર્વ મધ્ય ગુજરાતમાં  15.07 ટકા વરસાદ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 30.23 ટકા વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં  26.84 ટકા વરસાદ વરસી ગયો છે.  છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ  વલસાડના વાપીમાં 27 મીમી મહેસાણાના જોટાનામાં 24 મીમી, અમદાવાદના વિરમગામમાં 16 મીમી,  પારડીમાં 13 મીમી વરસાદ વરસી ગયો છે.

ચોમાસાના ચાર માસમાં અષાઢ માસને ધોરી મહિનો માનવામાં  આવે છે. અષાઢનો એકપણ દિવસ  કોરો જવો ન જોઈએ. પરંતુ અષાઢી બીજનો દિવસ જ  વરસાદ વિના કોરો જવાના કારણે ચિંતામાં  થોડો વધારો થયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છનાં હજી કેટલાક  વિસ્તારો  એવા છે  જયાં હજી વાવણી લાયક વરસાદ વરસ્યો નથી. ખેડુતો ભારે ચિંતાતુર બની ગયા છે. અમુક  વિસ્તારોમાં પાણીનો પોકાર પણ ઉભો થયો છે. હળવાથી મધ્યમ  વરસાદની આગાહી  આપવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.