- અષાઢી બીજ એટલે વણજોર્યું મુહુર્ત: કચ્છીઓનું નવું વર્ષ: અમદાવાદ, ભાવનગર,
- રાજકોટ સહિત રાજયમાં અનેક શહેરોમાં જગનનાથજીની રથયાત્રા નીકળશે
- કોટે મોર ટહુકયાં વાદળ ચમકી વીજ મારા રૂદયાને રાણો સાંભર્યો જાણે આવી અષાઢી બીજ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે અષાઢી બીજના મહાપર્વની ભકિતભાવ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. નંદકુવર નગરચર્યાએ નિકળશે અમદાવાદ, ભાવનગર અને રાજકોટ સહિત રાજયનાં અનેક નગરોમાં ભગવાન જગન્નાથજીની ભવ્યતાભવ્ય રથયાત્રા નીકળશે. વર્ષના જે વણજોયા શુભમુહુર્ત છે. તેમાં અષાઢી બીજનો પણ સમાવેશ થાય છે. કચ્છી સમાજ દ્વારા કાલે નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. મિલકત ખરીદી નવા વાહનની ખરીદી, સોનું–ચાંદી ખરીદી સહિતના શૂભકાર્યો માટે કાલનો દિવસ સર્વ શ્રેષ્ઠ માનવામા આવે છે.
હિન્દુ સમાજમાં અષાઢી બીજનું સવિશેષ મહત્વ રહેલું છે. આ દિવસને અતિ પાવન અને પવિત્ર માનવામાં આવે છે. ચોમાસાની સિઝનમાં સારા વરસાદ માટે અલાઢી બીજના દિવસે ધારાવાહી, દુધધારા આપવાની પરંપરા છે. અમદાવાદમાં દોઢ શતકથી અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જે પુરીની રથયાત્રા બાદ સૌથી મોટી માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરમા પણ અષાઢી બીજની રથયાત્રા દેશભરમાં વિખ્યાત છે. છેલ્લા બે દાયકાઓથી રાજકોટ સહતના નગરોમાં પણ અષાઢી બીજની રથયાત્રા નીકળે છે.
ક્ાલે ગુજરાતભરમાં અષાઢી બીજ ભગવાન જગન્નાથજીની 136 રથયાત્રાઓ તેમજ અન્ય 73 શોભાયાત્રાઓ મળી કુલ 209 યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં આ વર્ષે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળશે, જે ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. અમદાવાદ રથયાત્રામાં લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા આવતા હોવાથી રાજ્ય સરકાર દ્વારા તેમની સુરક્ષા–સલામતી તેમજ રથયાત્રાની સુરક્ષા–વ્યવસ્થાને ધ્યાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં શાંતિ અને સલામતીના વાતાવરણમાં રથયાત્રા પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ કરી છે. રથયાત્રાના રૂટમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તાર ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર વિશ્ર્વાસ પ્રોજેક્ટ અને સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળ સ્થાપિત કરેલા સીસીટીવી કેમેરાના માધ્યમથી સતત નિરીક્ષણ કરવામાં આવશે.
રથયાત્રામાં શાંતિ–સલામતી સુનિશ્ચિત કરવા ડ્રોન આધારિત કેમેરા સીસ્ટમ અને બોડી વોર્ન કેમેરા સીસ્ટમનો મહત્તમ ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવશે. રથયાત્રા નિર્વિઘ્ન ચાલે તે માટે પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સ ડીપ્લોય કરવામાં આવી છે. સાથે જ એસ.આર.પી.એફ, હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરપીની ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત શાંતિ સમિતિ અને મોહલ્લા સમિતિઓ સાથે બેઠક કરીને રથયાત્રા દરમિયાન જુદા–જુદા ધર્મના પ્રતિનિધિઓ અને સ્વયંસેવકો પોલીસની મદદમાં ઉપસ્થિત રહે તે આયોજન પણ કરવામાં આવ્યું છે.
કચ્છી સમાજ દ્વારા અષાઢી બીજે નવા વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવે છે. કચ્છી માડુઓ એકબીજાને અષાઢી બીજે શૂભેચ્છાની આપલે કરે છે.ઈસ્કોન મંદિર દ્વારા પણ રાજયનાં અલગ અલગ શહેરોમાં અષાઢીબીજે વિશાળ રથયાત્રા કાઢવામાં આવે છે. આવતીકાલે ભગવાન જગન્નાથજી, ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે. અષાઢી બીજને લઈ ગુજરાતની જનતામાં ભારે હરખ જોવા મળી રહ્યો છે.
અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે.
અષાઢી મહિનાની બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે.
જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. આજ માસથી ચાતુર્માસનો આરંભ પણ થાય છે. અષાઢ મહિનામાં ગૌરીવ્રત,અલુણા જેવા તહેવારો આવે છે. જૂની કથા અનુસાર ઈ.સ. 1605માં ‘જામ લાખો ફુલાણી’ નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છ પરત ફર્યા ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હતો. ત્યારે ત્યાં વરસાદની હેલી ચોમેર પથરાયેલી અને બધા ખુશ થયા.જામ લાખાજી આ જોઈને કહ્યું અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ઉજવશું.
ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીમાં દર વર્ષે ધૂમ ધામથી નવું વર્ષ ઉજવાય છે. હાલના આધુનિક યુગમાં પણ દેશ, વિદેશમાં વસતા કચ્છીઓ પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. ભલે ઉજવણી રીત આજે કદાચ જુદી હશે પરંતુ તેનો આનંદ તો એક જ હશે. કચ્છીઓ તથા સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષની ખૂબ ખૂબ વધામણી.
કૃષની કથા અનુસાર એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રુક્મણી પણ સૂઈ ગયા હતા. નિદ્રામાં શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભળીને રુક્મણી અચંભિત થઈ.સવાર થતા જ રુક્મણીજીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા.
ત્યારે કૃષ્ણ ભગવાનની 16108 રાણીઓએ માતાને પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતા શ્રીકૃષ્ણજી દિવસમાં રાધાનુ નામ જ લે છે. ત્યારે માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહુ.ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખી તેથી આવે તો જાણ કરે અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશ કરવા ન દેતા. પછી માતાએ કથા ચાલુ કરી.
સુભદ્રા દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજ મહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી.
ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યુ કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યું.
ત્યારથી રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે. અને જે આ રથના દર્શન કે દોરડું ખેચે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે. નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલ બોલી યાત્રાને મંદિર સુધી લઈ જાય છે.
ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રીકૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધુરી બનેલી કાષ્ઠ અર્થાત્ લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે.
આ અવસરે શ્રી જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્યરથ પર યાત્રા કરાવવાનું સવિષેશ મહત્વ છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે. ભગવાન જગન્નાથ તેના જીવનરથનું દોરડું ખેંચે છે. સર્વધર્મસમભાવથી થયેલો ભક્તવૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે. ગાડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થા પૂર્વક આ પર્વ ઉજવે છે.