- પશ્ચિમ બંગાળમાં મહિલાઓ સાથે થતા અત્યાચારના વિરોધમાં કલેકટરને આવેદનપત્ર
- રાષ્ટ્રપતિને સંબોધીને કલેક્ટરને અપાયું વિસ્તૃત આવેદનપત્ર
- મહિલાઓને ન્યાય મળે તે માટેની ઉગ્ર માંગ કરાઈ
જામનગર ન્યૂઝ : પશ્ચિમ બંગાળામાં મહિલાઓ સાથે અન્યાય અને અસભ્ય વર્તન થઈ રહયું છે, ત્યારે મહિલાઓ સાથેના અન્યાય અને અસભ્ય વર્તન સામે વિરોધ વ્યક્ત કરવાના ભાગ રૂપે જામનગરની મહિલા સંસ્થા શક્તિ પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જામનગરના જિલ્લા કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કરાયો છે, અને મહિલાઓને ન્યાય મળે તે માટેની ઉગ્ર માંગણી કરાઈ છે.
આવી ઘટનાને સંસ્કારી સમાજ માટે શરમજનક બાબત ગણાવી
જે આવેદન પત્રમાં જણાવાયું છે કે પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી, કૂચબિહાર અને ઉત્તર દિનાજપુર (ચોપરા)માં બનેલી ઘટનાથી અમે અત્યંત દુઃખી છીએ, તેથી અમો તમને આ આવેદનપત્ર મોકલી રહ્યા છીએ. પશ્ચિમ બંગાળમાં મહિલાઓની દિવસેને દિવસે બગડતી સ્થિતિએ ગંભીર ચિંતાનો વિષય છે. લાગે છે કે કાયદો અને વ્યવસ્થા માત્ર શબ્દકોષ પુરતી સીમિત બની ગઈ છે. સંદેશખાલી, ફચા અને ઉત્તર દિનાજપુર (ચોપરા)ની ઘટનાઓ સંસ્કારી સમાજ માટે શરમજનક બાબત છે. નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિંદાને પાત્ર છે. ભારતીય બંધારણનો ભંગ કરતી આ ઘટનાઓ આપણને તાલીબાન શાસનની યાદ અપાવે છે.
ઘટનાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગ
તાલિબાનમાં મહિલા મુખ્ય મંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય, અત્યાચાર અને અપમાનથી તમામ મહિલાઓ ખુબજ વ્યથિત અને ચિંતિત છીએ. આપ આ સમગ્ર ઘટનામાં પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરી ઘટના વિષે કાયદાકીય તપાસ કરાવો, અને તમામ દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. મહિલાઓની શારીરિક અને માનસિક સારવાર અને પુનઃ સ્થાપના માટે અસરકારક વ્યવસ્થા કરવા આપને વિનંતી છે. અમે આ સમગ્ર મામલાની નિંદા કરીએ છીએ.
આ સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ શક્ય એટલી વહેલી તકે જરૂરી પગલા ભરવા નમ્ર અપીલ છે, અને કાયદાના શાસનની પુનઃ સ્થાપનાની આશા રાખીએ છીએ.
સાગર સંઘાણી