- મીડિયા માટે પોલીસ કમિશનર કચેરીના દરવાજા બંધ કરાતા હોબાળો
સસ્પેન્ડેડ અને ભ્રષ્ટ ટીપીઓ સાગઠીયાના નાર્કો ટેસ્ટની માંગણી સાથે કોંગ્રેસનું ડેલિગેશન પોલીસ કમિશ્નર કચેરી ખાતે પહોંચ્યું હતું. જ્યાં ગણતરીના આગેવાનોને જ પોલીસ કમિશ્નરની ચેમ્બરમાં પ્રવેશ આપવામાં આવશે તે મુદ્દે શરૂ થયેલી બોલાચાલી બાદ શાબ્દિક ટપાટપી થતાં પોલીસ કમિશ્નરે કોંગ્રેસનું આવેદન નકારી કાઢ્યું હતું. જ્યાં બીજી બાજુ કોંગ્રેસના આવેદનનું કવરેજ કરવા પહોંચેલા મીડિયાકર્મીઓ માટે પોલીસ કમિશ્નર કચેરી ખાતે પ્રવેશબંદી કરી દેવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. મીડિયાની પ્રવેશબંદી અને કોંગ્રેસના આવેદનને ભણી દેવાયેલા નનૈયા મુદ્દે ચાલી રહેલા હોબાળા દરમિયાન કોંગી કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.
અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા જવાબદારો સામે પગલાં લેવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એસઆઈટીની તપાસમાં લાપરવાહી દાખવનાર 14 જેટલાં અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જયારે સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયા સાહિતના અધિકારીઓ વિરુદ્ધ ગુનાહિત લાપરવાહીનો ગુનો નોંધાયો હતો. દરમિયાન બોગસ મિનિટ બુક બનાવવા તેમજ અપ્રમાણસર મિલ્કત એકત્ર કરવા બદલ સાગઠીયા વિરુદ્ધ વધુ બે ગુના નોંધવામાં આવ્યા હતા. સાગઠીયા વિરુદ્ધ એસીબીમાં અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયા બાદ એસીબીએ સાગઠીયાના ભાઈની માલિકીની ટ્વીનસ્ટાર ખાતેની ઓફિસમાં સર્ચ હાથ ધરવામાં આવતા 450 કિલોની તિજોરીમાં સોનાના દાગીના સહિત કુલ રૂ. 18 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવી હતી.
જે બાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, રાજદીપસિંહ જાડેજા, અશોકસિંહ વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી સહીતનું કોંગ્રેસનું ડેલિગેશન સસ્પેન્ડેડ ટીપીઓ સાગઠીયાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે જેથી તેની સાથે ભ્રસ્ટાચારમાં ભાગીદાર રહેલા નેતાઓના નામ ખુલે તેવી માંગણી સાથે પોલીસ કમિશ્નર કચેરી ખાતે પોલીસ કમિશ્નરને આવેદન આપવા કોંગી આગેવાનો પહોંચ્યા હતા.
દરમિયાન કોંગ્રેસના આવેદનનું કવરેજ કરવા પહોંચેલા મીડિયાકર્મીઓને પોલીસ કમિશ્નર કચેરીના પ્રવેશ દ્વાર પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. પ્રવેશ દ્વારને બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો હતો. મીડિયાકર્મીઓએ કચેરીમાં પ્રવેશ બાબતે કહેતા ફરજ પરના અધિકારીએ મીડિયાને અંદર જવાની મનાઈ હોવાનું જણાવ્યું હતું.
દરમિયાન કોંગી આગેવાનો બહાર આવી જતાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નરે ફક્ત બે જ લોકોએ આવેદન આપવા આવવું તેવું કહેતા કોંગી આગેવાનોએ આ વાતનો વિરોધ કર્યો હતો જેથી કમિશ્નરે આવેદન સ્વીકારવાની ના પાડી દીધી હતી. જે બાદ આવેદન નહિ સ્વીકારવા તેમજ મીડિયાને પ્રવેશબંદી મામલે કોંગી આગેવાનો ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા કોંગી આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી.
કોંગ્રેસના લોકો વગર મંજૂરીએ ટોળાં સ્વરૂપે આવ્યા, જરૂર પડ્યે ગુનો દાખલ કરાશે : બ્રજેશ ઝા
મામલામાં અબતક મીડિયાએ પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ડેલિગેશન કોઈ પણ મંજૂરી વિના આવ્યું હતું. તેમ છતાં તેમને રજુઆત કરવાની તક આપવામાં આવી હતી. પોલીસ કમિશ્નર કચેરીમાં ગેરકાયદે ટોળું રચીને આવવું ચલાવી લેવામાં આવશે નહિ જરૂર પડ્યે ગેરકાયદે ટોળાં વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવશે તેવું કમિશ્નર ઝાએ જણાવ્યું હતું.
મીડિયા કર્મીઓને મળવાની મેં ક્યારેય ના પાડી નથી પરંતુ ટોળાંમાં શામેલ હોવાથી રોક લગાવેલી હતી : પોલીસ કમિશનર
પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ મીડિયાને પ્રવેશબંદી મામલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈ પણ મીડિયાકર્મીને મળવાની મે ક્યારેય ના પાડી નથી. કોઈ પણ મીડિયાકર્મી મને મળવા આવી શકે છે પરંતુ આજે મીડિયાકર્મીઓ ટોળાંમાં શામેલ હોવાથી રોક લગાવવામાં આવેલ હતી. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસનું ડેલિગેશન કોઈ પણ પૂર્વ મંજૂરી વિના ટોળાં સ્વરૂપે આવ્યું હતું જેથી રોક લગાવવામાં આવી હતી.