0 થી 3 વર્ષના બાળક ઘરના વાતાવરણમાંથી શીખે જ છે. ૩ થી ૫ વર્ષ પ્રારંભિક પાયાની સમજ સાથેનું પ્રિ પ્રાયમરી શિક્ષણ મેળવે છે. જ્યારે ૬ થી ૯ વર્ષનો તેનો શિખવાનો શ્રેષ્ઠ ગાળો ગણવામાં આવે છે.
બાળકને વિવિધ માધ્યમોથી જોયફૂલ લર્નીંગ આપવું જરૂરી
વિદેશો અને ભારતની શિક્ષણ પધ્ધતીમાં ઘણો ફેર જોવા મળે છે. વિદેશોમાં મા-બાપો શિક્ષણ પ્રત્યે જાગરૂક હોવાથી તેના પાયાના સંર્વાંગી વિકાસ માટે સક્રિય રસ લે છે. આનાથી સાવ ઉલ્ટું આપણાં દેશમાં છે. માતા-પિતાને તેના સંતાનો માટે સમય જ નથી. આર્થિક મુશ્કેલીને કારણે સવારથી સાંજ સુધી કમાવવા જવાનું હોવાથી બાળકો ભગવાન ભરોસે મૂકીને જાય છે. શેરીના વાતાવરણમાં બાળકનો ઉછેર થાય છે. બાલ મનોવિજ્ઞાન પણ કહે છે કે 5 વર્ષ સુધીમાં બાળક ઘણું બધું શીખી લે છે. નાના બાળકોને તેની વયકક્ષા મુજબ તેના રસ-રૂચી વલણો જાણીને ગીત-સંગીત, બાળવાર્તા, ચિત્રો જેવા વિવિધ માધ્યમોથી જોયફૂલ લર્નીંગ આપવું જરૂરી ખુબ જરૂરી હોય છે.
નાના બાળકોના શિક્ષણ માટે આનંદમય શિક્ષણ પધ્ધતી સૌથી બેસ્ટ છે
નાના બાળકના તબક્કાવારનાં વિકાસમાં તેની વયકક્ષા મુજબ તે શીખે છે. જેમાં ૦ થી ૩ વર્ષ તો ઘરનું વાતાવરણ સાથે, પરિવાર સાથે બાળકોનો વિકાસ થાય છે. ૩ થી ૬ વર્ષ ઘર અને શાળા બંને વચ્ચે બાળકનો વિકાસ થાય છે. એ જ રીતે ૬ થી ૧૦ વર્ષને અને ૧૦ થી ૧૪ વર્ષનો વિકાસ થાય છે. જેમ-જેમ બાળક મોટું થાય છે તેમ-તેમ તેનામાં સમજ ખીલતી જાય છે. તેમજ તે વર્ગખંડમાં વાતચીત વ્યવહારો સાથે ઘણું શિખતા હોય છે. શિશુ-કિશોરને તરૂણોના વિકાસમાં શિક્ષકો ઘર, પરિવાર, માતા-પિતાનું પણ વિશેષ મહત્વ હોય છે.
નાના બાળકના શિક્ષણમાં વયકક્ષા મુજબ અને તેના રસ-રૂચિ-વલણોને ધ્યાને લઇને શિક્ષકે શિક્ષણ કાર્ય કરાવવું ખૂબ જરૂરી હોય છે. જો કે નાના ધોરણમાં મહિલા શિક્ષક હોય તો તેવા વર્ગના બાળકોનો ઝડપી વિકાસ થતો જોવા મળે છે. નાના બાળકોને ગીત, સંગીત, રમતગમત, ચિત્રો, બાળવાર્તા જેવું વધુ ગમતું હોવાથી તેને સાંકળીને જોયફૂલ લર્નીંગ આપવાથી ઘણો ફાયદો જોવા મળે છે. બાળકના શારીરીક વિકાસ સાથે માનસિક અને સામાજીક વિકાસ પણ શિક્ષણ લેતાલેતા જ થતો હોવાથી શિક્ષક અને મા-બાપ બંનેની જવાબદારી વધી જાય છે.
માતા- પિતાએ સંતાનો માટે સમય આપવાની જરૂર છે.
નાનપણથી જ સારા-નરસાની પરિભાષા સમજાવવી જરૂરી બને છે અને તેનાથી જ તેનામાં ઘણી સારી બાબતોનું સિંચન થાય છે. બાળક બાળક દ્વારા શીખતું હોવાથી માતા-પિતા ઘણા બધા ગુણો સામુહિક રીતે પણ શીખવી શકે છે. મૂલ્યાંકન વખતે વ્યક્તિગત તમે તેની વિશેષ કાળજી રાખી શકો છો. ધો.૧ થી ૫ કે બાલમંદિરમાં વિવિધ પ્રવૃતિ દ્વારા જ્ઞાન આપવાથી તે ચિરંજીવી બને છે. બાળકોમાં રહેલી છૂપી કલાઓને શિક્ષક જ શોધીને પ્રોત્સાહન આપી શકે છે. ઘણા બાળકો નાનપણથી બહુ જ હોંશિયાર હોય છે. સહઅભ્યાસિક પ્રવૃતિઓ-ઇત્તર પ્રવૃતિઓ દ્વારા તમે શિક્ષણને જોડી શકો છો. માતા-પિતાએ પણ ઘણી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની સાથે તેના સંતાનો માટે સમય આપવાની જરૂર છે.
નાના બાળકોની જીજ્ઞાસાવૃતિ તીવ્ર હોવાથી તે પ્રશ્નો વધારે જ પૂછે છે ત્યારે ગુસ્સે નહીં થવાનું. કારણ કે તેની સમજ ઓછી હોવાને કારણે અને નવું-નવું જાણવાની જિજ્ઞાસાને કારણે તેના મનમાં ઉઠતા પ્રશ્નો શિક્ષકો અને માતા-પિતાને કરે છે. નાના બાળકોના શિક્ષક સારા કાઉન્સીલર હોવા છતાં બાળ માનસનો અભ્યાસું હોવા જોઈએ. પાયાથી જો તેને સારી ટેકનીકથી માર્ગદર્શન મળે તો તેને ભણવાની પ્રેરણા અને સ્વઅધ્યયન કરવા પ્રેરાય છે. બાળ વાર્તા કે બાળ ગીતોથી તેની પરિકલ્પના સાથે મૌખિક અભિવ્યક્તિ ખીલતી હોવાથી શિક્ષક, માતા-પિતાએ આ વિશે જાગૃત રહેવું પડે છે. બાળકને શાળાએ આવવુ, બેસવું ને ભણવું ગમે તેવું વાતાવરણ શાળા કે વર્ગખંડમાં નિર્માણ થાય તો બાળક ક્યારે વર્ગમાં રડશે નહીં અને અધવચ્ચેથી શાળા છોડશે નહીં. આજે ડ્રોપ આઉટની સમસ્યા ઘણી જોવા મળે છે. આપણે 100 ટકા નામાંકન તો કરીએ છીએ પણ ધો.7 કે 8 સુધી કેટલા ટકે છે. એ ખૂબ જ જરૂરી છે.
બાળક માટે માતાનું સ્થાન વિશેષ હોય છે.
શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો માટે માતાનું સ્થાન વિશેષ હોય છે. ઘરનું વાતાવરણ પણ બાળકના ઘડતરમાં મહત્વનો ફાળો ગણાય છે. બાળક વધારે પ્રેમ, હૂંફ અને લાગણી મેળવે તો પણ તેનામાં ઘણો બદલાવ આવે છે. નાનું બાળક ભણતું હોય ત્યારે માતાએ સતત તેની સાથે રહેવું અતિ આવશ્યક હોય છે. વર્કિંગ વુમનને આ વિશે ઘણી તકલીફો પડે છે. બાળકના ભાષા વિકાસ કે કૌશલ્ય વિકાસમાં પણ માતાની હૂંફ મહત્વની બની રહેતી હોવાનું કહેવાય છે.
નાના બાળકોના શિક્ષક ‘બાળમિત્ર’ સમાન હોવાં જોઇએ . જો કે આજના સમયમાં શાળામાં ક્યાંય આવું જોવા મળતું નથી. બાળકો માટે તેનો શિક્ષક મિત્ર, અને માર્ગદર્શક હોવા જોઈએ. બાળકને અનુભવજન્ય શિક્ષણ આપવું ખૂબ જરૂરી હોય છે. આજે તો શાળામાં વાલી મિટિંગો પણ થાય છે પણ તેમાં માર્ગદર્શન દેનારા એટલા નિષ્ણાંત હોતા નથી. મીટીંગોમાં શાળાકીય લાભ સિવાય બીજી વાતો થતી જ નથી. બાળકોના રક્ષણ માટે પણ શિક્ષક ઘણું કરી શકે છે. તેને પર્યાવરણની સમજ સાથે તેના હક્કોની સમજ પણ શિક્ષકે જ આપવી જોઇએ.
માતૃભાષામાં જ્ઞાન આપવું જરૂરી છે.
નાનો બાળક વાંચતા-લખતાને ગણતો થઇ જાય તો પણ તે સ્વઅધ્યયન કરવા લાગે છે. આજે સૌથી નબળાઇ અહિં જ જોવા મળે છે. અંગ્રેજી માધ્યમના શોખીન માતા-પિતા હાથે કરીને બાળકની જીંદગી બગાડે છે. માતૃભાષામાં ભણતો બાળક બીજી ભાષા હિન્દી, અંગ્રેજી ઝડપથી શિખતો હોવાનું સંશોધનો જણાવે છે. બાળકોના ગેરવર્તન વખતે શિક્ષકની ખરી કસોટી થતી હોય છે. સુટેવોનું ઘડતર પણ ભાવી નાગરિક ઘડતરનો એક ભાગ છે.
પ્રારંભિક બાળ શિક્ષામાં શરીર વિજ્ઞાન સાથે તેના આરોગ્ય વિષયની જાણકારી અને તેના કાર્યોની સમજ હસતા-હસતા આપવી જરૂરી બને છે. બાળકના વર્ગના શિક્ષણમાં અનુબંધ ખૂબ જ જરૂરી છે જેમ કે તમે કોઇ વાત તેને શીખવી રહ્યા છો ત્યારે વરસાદ આવે તો ત્રણ ઋતુ, બાર મહિના, પાણીનું મહત્વ, વરસાદ કેમ પડે જેવી તમામ વિષય સાથે સાંકળીને તમે તેને શીખવી શકો છો.
આજના સમયે ત્રણ ચાર વર્ષના બાળકને પણ ગૃહકાર્ય આપવામાં આવે છે.
આજના સમયે તો ત્રણ-ચાર વર્ષના બાળકને ABCD,ONE TO FIFTY જેવું હોમવર્ક આપવામાં આવે છે જે ખરેખર ખોટું છે. રમતા-રમતાં શિક્ષણ મેળવવાની ઉંમરે તમે તેને ગોખણીયું શિક્ષણ ન કરાવો. આજના માતા-પિતા જ અંગ્રેજી માધ્યમ પાછળ દોડી રહ્યાં છે. મોટા ભાગના વાલીઓને પોતાને અંગ્રેજી આવડતું હોતુ નથી પણ બાળકને અંગ્રેજી ગીતો શિખડાવવા છે. પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું 100 ટકા તો આવવા જ જોઈએ. આજનું શિક્ષણ એ પ્રકારનું છે. જો કે નવી શિક્ષણ નીતીમાં એ આવી જ રહ્યું છે. ધો.6 પછી અન્ય હિન્દી, અંગ્રેજી અભ્યાસ સાથે જ તેને શિખવા મળી જ જશે. બાળક તેની વ્યથા રજૂ કરી શકે એવી ક્ષમતા શિક્ષકે કેળવવી જ પડે છે. કેળવણી એટલે જ બાળકોને સારૂ ઘડતર. શરૂઆતમાં આંગળાની સ્કિલ કેળવવી, પેન કેમ પકડવી કે પછી ચિત્રમાં રંગ કેમ પૂરવો તે શિખવવું જ પડે છે. ધો.1 -2 માં સરકારી શાળામાં ચાલતી “પ્રજ્ઞા” અભ્યાસક્રમ ખૂબ જ સરસ છે. આજના બાળકને તેમણે જેમાં રસ છે તે વિષયમાં શિક્ષણ આપવું ખુબ જરૂરી છે.
અરુણ દવે