• સ્વચ્છતા રેન્કીંગ સ્પર્ધાના પરિણામ જાહેર
  • હોટલ કેટેગરીમાં ફર્ન, રેસીડેન્સ સોસાયટીમાં શ્યામલ વાટીકા, માર્કેટમાં ધ સ્પાયર, સરકારી કચેરીમાં આયકર ભવન, સ્વચ્છ વોર્ડમાં વોર્ડ નં.8 અને સ્વચ્છ ચેમ્પિયન મેન-વુમેન કેટેગરીમાં સ્વ સહાય સહિતના 6 જૂથે મેદાન માર્યું

સ્વચ્છ સર્વેક્ષણ-2024 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલા વિવિધ કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાના વિજેતાઓના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સ્વચ્છ હોસ્પિટલ કેટેગરીમાં ઝનાના હોસ્પિટલનો દબદબો જોવા મળ્યો છે. હોટેલ કેટેગરીમાં ધ ફર્ન, સ્વચ્છ રેસિડેન્સ વેલ્ફેર એસોસિએશનમાં શ્યામલ વાટિકા, સ્વચ્છ સ્કૂલમાં રાજકુમાર કોલેજ, સ્વચ્છ માર્કેટ એસોસિએશનમાં ધ સ્પાયર, સ્વચ્છ સરકારી કચેરીમાં આયકર ભવન, સ્વચ્છ વોર્ડમાં વોર્ડ નં.8 જ્યારે સ્વચ્છતા ચેમ્પિયન મેન-વુમેન કેટેગરીમાં અલગ-અલગ 6 એવોર્ડ આપવામાં આવ્યા છે. જેમાં મેયર નયનાબેન પેઢડિયાને સ્વચ્છ ચેમ્પિયન કોર્પોરેટર જાહેર કરવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ હોટલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સ્કુલ, સ્વચ્છ માર્કેટ એસોસિએશન, સ્વચ્છ સરકારી કચેરીઓ, સ્વચ્છ રેસીડેન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા તથા સ્વચ્છ વોર્ડ, સ્વચ્છતા ચેમ્પિયન મેન/વુમેન વગેરે જુદી-જુદી કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનું આયોજન કરવામા આવેલ. આ સ્પર્ધામાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર્સ જેમ કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ, મેઈન્ટેનન્સ અને લોકોના ફીડબેક ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ દ્વિતિય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા. વિવિધ કેટેગરીમાં સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાના વિજેતાઓને પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરના વરદ હસ્તે આજે સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ સમારોહને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ઝીરો વેસ્ટ ઇવેન્ટ બનાવવામાં આવી. જેમાં પ્લાસ્ટિકની બોટલને બદલે કાચના ગ્લાસમાં પાણી આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, જેમ વિવિધ કેટેગરીની સ્પર્ધામાં વિજેતા થયા છો તેવી જ રીતે સૌ સાથ-સહકાર આપી આપણા શહેરને પણ સ્વચ્છ બનાવીએ. સ્વચ્છતાની બાબતે આપણા શહેરનો ક્રમ આગળ આવે તે માટે મારી શેરી, મારૂ ઘર, મારો મહોલ્લા, મારૂ શહેર માનીને સ્વચ્છતા જાળવીએ.

મેયરે વધુમાં જણાવ્યું હતું કે, એક સુત્ર છે “ચલો જલાયે દીપ વહા, જહાં આજ ભી અંધેરા હૈ” સુત્રને સાકર કરવા માટે રાજકોટના નાગરિક તરીકે આપણે પહેલ કરીએ કે, જ્યાં-ત્યાં કચરો ફેંકીશું નહી, જાહેરમાં ગંદકી કરીશું નહી અને અન્યોને પણ ગંદકી કરતા રોકીશું અને અન્યોને પણ સ્વચ્છતા અંગે જાગૃત કરીશું.

આ સમારોહમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ પી. દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન લોન્ચ કર્યું. સ્વચ્છતા માટે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. આપણે જોઈએ તો ડબલ્યૂએચઓના રિપોર્ટ મુજબ વર્ષ 2014માં 50% નાગરિકો ખુલ્લામાં શૌચ કરતા જણાયેલ જે છેલ્લા દસ વર્ષમાં જાગૃતતાને કારણે નહીવત જણાયેલ છે. વિકાસ માટે માત્ર માળખાકીય વિકાસ જ નહી પરંતુ ખરા અર્થમાં સ્વચ્છતા નજરે પડે અને અને સ્વચ્છતા અંગે વિકાસ દેખાય છે. દરેક નાગરિક જાતે સ્વચ્છતામાં જોડાઈ તે મહત્વનું છે. સ્વચ્છ સર્વેક્ષણમાં તમામ વર્ગને આવરી લેતા કાર્યક્રમ કરવામાં આવે છે. વિશ્વના સ્વચ્છ સારા શહેરોની યાદીમાં રાજકોટનું નામ આવે તે માટે સૌ ભાગીદારી થઈએ. સૌ સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવીએ, દેશમાં રાજકોટનું નામ ઉજાગર કરીએ.

આ સમારોહની શરૂઆતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા સૌનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ. ઉપસ્થિત સૌ મહાનુભાવોના વરદ હસ્તે વિવિધ કેટેગરીના વિજેતાઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ. અંતમાં સૌ મહાનુભાવો અને સ્પર્ધાના વિજેતાઓનો સેનિટેશન સમિતિના ચેરમેન નિલેશ જલુ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વિશેષમાં સ્વચ્છતા ચેમ્પિયન મેન/વુમેન કેટેગરીમાં મેયર નયનાબેન પેઢડીયાને ઉપસ્થિત ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર ડી. પી. દેસાઈ, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સેનિટેશન કમિટી ચેરમેન નીલેશભાઈ જલુ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવેલ.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.