વરસાદની મોસમમાં ખુશનુમા હવામાન તો હોય જ છે. પણ ચોમાસાની સિઝન શરૂ થતાંની સાથે જ લોકોની જીવનશૈલીમાં ઘણા ફેરફારો થવા લાગે છે. તેમજ ઉનાળા બાદ વરસાદને કારણે તાપમાનમાં અચાનક ભેજ વધી જાય છે. આવી પરીસ્થિતિમાં તમારા શરીરનો પરસેવો અને ભેજને કારણે આ ઋતુમાં ઘણીવાર ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થાય છે. નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે લોકો અનેક રોગોનો શિકાર બને છે.
તેમજ ગરમી, પરસેવા અને ભેજના કારણે લોકોને વરસાદની મોસમમાં ઘણી વખત ત્વચાની સબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરસેવો થતાં પહેલાં ગરદન, ચહેરો, હાથ, પગ, પીઠ, કમર વગેરે પર લાલાશ થાય છે અને પછી તમારા શરીર પર બળતરા અને ખંજવાળ શરૂ થાય છે. ક્યારેક આનું કારણ વરસાદનું પાણી અને સિન્થેટિક કપડાં પણ હોઈ શકે છે. ઘણા લોકો પરસેવો અને ખંજવાળથી રાહત મેળવવા માટે પાવડર વગેરેનો ઉપયોગ કરતા હોય છે. જેના કારણે ત્વચાના છિદ્રો વધુ બ્લોક થઈ જાય છે. જેના લીધે પિમ્પલ્સ અને ફોલ્લીઓ ફેલાવા લાગે છે. જો તમે પણ ખંજવાળથી અને ફોલ્લીઓની સમસ્યાઓથી પરેશાન છો તો આ ઘરગથ્થુ ઉપાયોનો સહારો લો.
એલોવેરા જેલ :
અનેક ગુણોથી ભરપૂર એલોવેરામાં ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓમાં ખૂબ જ ફાયદાકારક છે. તેમાં એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ ત્વચા પર બળતરા અને લાલાશ ઘટાડવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં જો તમને પણ વરસાદની મોસમમાં એલર્જી, બળતરા અને ખંજવાળની સમસ્યા હોય તો એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો. તમે એલોવેરા જેલને ગુલાબજળમાં મિક્સ કરીને ત્વચા પર લગાવી શકો છો. એલોવેરા જેલ માત્ર ખંજવાળ માટે જ નહીં પણ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ માટે રામબાણ સમાન છે. એલોવેરા જેલમાં ઠંડક અને બળતરા વિરોધી ગુણો હોય છે. જે ગરમીને કારણે થતી ખંજવાળ, સનબર્ન અને અન્ય ઘણી સમસ્યાઓ માટે અસરકારક સારવાર છે. સાથોસાથ એલોવેરા ત્વચા માટે દવાની જેમ કામ કરે છે.
મુલતાની માટી :
મુલતાની માટી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની ઠંડકની અસરને કારણે તે ત્વચાને પણ ઠંડક આપે છે. શિળસ અને ફોલ્લીઓથી રાહત મેળવવા માટે તે ઉપયોગી છે. તમે આ માટીને ગુલાબજળ સાથે પેસ્ટ બનાવીને ત્વચા પર લગાડી શકો છો. આમ કરવાથી ત્વચાને ખંજવાળમાંથી રાહત મળે છે. આયુર્વેદમાં ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે મુલતાની માટીનો ઉપયોગ કરવામાં આવે છે.
નાળિયેર તેલ :
એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર નારિયેળ તેલ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓમાં ઉપયોગી છે. નારિયેળ તેલ કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે. સાથોસાથ તે ત્વચાની શુષ્કતા દૂર કરે છે. આ ઉપરાંત આ તેલમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો અને પ્રોટીન પણ જોવા મળે છે. જે ત્વચાના PH ને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે. હૂંફાળા નારિયેળના તેલમાં કપૂર ભેળવીને ત્વચા પર લગાવવાથી તમને ફાયદો થશે. નાળિયેર તેલ ત્વચા માટે શ્રેષ્ઠ તેલ છે. સાથોસાથ આ તેલ ખંજવાળ અને અન્ય સમસ્યાઓને દૂર કરે છે. તેમજ ત્વચાને હાઇડ્રેટ પણ રાખે છે. જેનાથી તમારી ત્વચા સોફ્ટ બને છે.
લીમડાના પાન :
ઔષધીય ગુણો માટે પ્રખ્યાત લીમડાના પાન ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણ ત્વચાને ખંજવાળ અને બળતરાથી બચાવે છે. જો તમે પણ વરસાદની ઋતુમાં ખંજવાળ અને બળતરાથી પરેશાન છો. તો તાજા લીમડાના પાનને પાણીમાં ભેળવીને પીસી લો અને પછી આ પેસ્ટને ત્વચા પર લગાવો. તો તમારી ત્વચાને ખંજવાળની બળતરામાથી રાહત મળે છે. તમે લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તેનાથી સ્નાન પણ કરી શકો છો.
બરફના ટુકડા :
બરફના ટુકડાનો ઉપયોગ વરસાદની ઋતુમાં થતી ખંજવાળને દૂર કરવા માટે થાય છે. ઠંડી વસ્તુઓ ત્વચા માટે ફાયદાકારક હોય છે. બરફના ટુકડાનો ઉપયોગ કરવાથી તમને ખંજવાળનો અનુભવ થતો નથી.
ફુદીનાનું તેલ :
ફુદીનાનું તેલ ચોમાસામાં ત્વચા પર થતી ખંજવાળથી તમને રાહત અપાવવામાં ખૂબ અસરકારક છે. આનાથી માત્ર ખંજવાળ જ દૂર નથી થતી પણ તે તમારા શરીરને ઠંડુ રાખે છે. ખંજવાળ સિવાય તમને ત્વચાને લગતી કેટલીક સમસ્યાઓથી રાહત આપવામાં મદદરૂપ બને છે. ફુદીનામાં રહેલું એન્ટીબેક્ટેરિયલ ગુણ તમને ચેપથી બચવાનું કામ કરે છે. જો ચોમાસાની આ મોસમમાં તમને ખંજવાળ કે ત્વચાને લગતી સમસ્યાઓથી તમે પરેશાન છો. તો તમે ડોક્ટર પાસે યોગ્ય સારવાર લેવાનું રાખો.