- વિનમ્રતા એ કાયરતા કે નબળાઈ નથી પરંતુ વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારૂં પ્રેરક પરિબળ છે
અબ્રાહમ લિંકન એક વખત બગી મારફત શહેરની બહાર ફરી રહ્યા હતા.ત્યાં રસ્તામાં એક ખેત મજૂર સામે મળે છે.એ અબ્રાહમ લિંકન પાસે જઈને તેને સેલ્યુટ કરે છે.આ જોઈ અબ્રાહમ લિંકન બગીના દરવાજા પાસે આવીને તેને પણ એ જ અદબથી સેલ્યુટ કહે છે.આ દ્રશ્ય તેના પીએ જોઈ રહ્યા હતા.ત્યાંથી નીકળ્યા પછી તેના પીએ તેને કહે છે કે,’સાહેબ તમે પ્રેસિડેન્ટ છો એટલે એ તમને સેલ્યુટ કરે,તે સ્વાભાવિક છે,પણ આપે એને સેલ્યુટ કરવાની ક્યાં જરૂર છે ? એ તો સામાન્ય મજૂર છે.’ આ સાંભળીને અબ્રાહમ લિંકન બોલ્યા, ’ભાઈ,એ મજૂર આપણા દેશની સમૃદ્ધિના પાયાના પથ્થર છે.એના થકી જ આપણો દેશ આટલો સમૃદ્ધ છે અને મુખ્ય વાત એ કે એક સામાન્ય મજૂર વ્યક્તિ વિનમ્રતા પ્રગટ કરવાની તક ના છોડતો હોય તો હું તો એક પ્રેસિડેન્ટ છું.’ આટલું વિનમ્રતાણું,આટલી સાદગી, આટલો લાગણી સફર વ્યવહાર અને એ પણ પ્રેસિડેન્ટ બન્યા પછી.આથી જ આજે પણ અબ્રાહમ લિંકનને માત્ર અમેરિકા જ નહીં પરંતુ વિશ્વ આખું યાદ કરે છે.
આપણે જાણીએ છીએ કે શુભ કાર્ય કરતાં પહેલાં કંકુનો ચાંદલો કરીએ છીએ તેના પર ચોખા લગાવીએ છીએ.તો ચોખા જ શું કામ ? ઘઉં,બાજરી જુવાર કેમ નહીં ? કેમ કે,ઘઉંના છોડમાં ઘઉંની ડુંડીઓ હંમેશા ઉપર તરફ જ રહે છે.બાજરી અને જુવારના પાકમાં પણ ડુંડીઓ ઉપરની તરફ જ રહે છે,નીચે નમતી નથી.પરંતુ એક કમોદ જ એવી છે કે જેમાં પાક આવતાં તે નીચે તરફ નમે છે.સંસારનો નિયમ છે કે ’જે નમે તે સૌને ગમે.’ માટે ચોખાને આપણા કપાળમાં સ્થાન પ્રાપ્ત થાય છે.વૃક્ષો પાસેથી પણ આપણને આ વિનમ્રતા શીખવા મળે છે.જ્યારે તેનાં પર ફળ આવે છે ત્યારે તે નીચે નમે છે અને આસાનીથી માણસો તેનો આનંદ લઈ શકે છે.જીવનની સાચી ખુશી આપવામાં છે,લેવામાં નહીં. અને ત્યારે જ તમે આપી શકો,જ્યારે તમારામાં ઉદારતા,પ્રેમ,દયા અને વિનમ્રતા હોય.
મહાત્મા ગાંધી પણ આવી વિનમ્રતાથી જ મહાત્માનું બિરુદ પામી શક્યા છે.ભારતના રજવાડાંઓને એક સૂત્રમાં જોડનારા સરદાર વલ્લભભાઈ પટેલ,લાલબહાદુર શાસ્ત્રી જેવા મહાપુરુષો વિનમ્ર,સરળ અને સહજ હતા.એટલે જ તેના એક સાદથી સેંકડો લોકો પોતાની સરકારી નોકરી છોડીને દેશ સેવા માટે જોડાઈ ગયા હતા.
આથી જ જીવનમાં હર હંમેશ વિનમ્રતા રાખીને જીવન જીવવાથી લોકો તમને એનાં હૃદયમાં સ્થાન આપશે અને તમારું જીવન સફળ થશે.જીવનમાં સફળતા પામવા માટે નમ્રતાના સદગુણ હોવા ખૂબ જરૂરી બને છે.વ્યક્તિ ઉંમરથી કે પદથી મોટી હોઈ શકે,પણ જો તેનામાં નમ્રતા નહીં હોય તો તે સફળ થઈ શકે નહીં.વ્યવહારમાં વિનમ્રતા એક મોટી શક્તિ બનીને આગળ આવે છે.કોમળતાનું આયુષ્ય લાંબું હોય છે,જયારે કઠોરતાનું આયુષ્ય ટૂંકું હોય છે. મહાભારતમાં ભીષ્મ પિતાએ ઉપદેશ આપતા કહ્યું કે, ’જે મનુષ્ય જીવનમાં વિનમ્રતાનો ગુણ કેળવે છે તેઓ ગમે તેવા ઝંઝાવાત સામે પણ ટકી શકે છે.’ આપણા સમાજમાં મોટે ભાગે એવું જોવા મળે છે કે લોકો પોતાના કામમાં તો કુશળ હોય છે પણ પોતાના કઠોર સ્વભાવને કારણે ઘરમાં કે કાર્યાલયમાં હંમેશા પરેશાનીઓ ભોગવે છે.વિનમ્રતા એ કાયરતા કે નબળાઈ નથી,પરંતુ વ્યક્તિના જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ લાવનારું પ્રેરક પરિબળ છે.
આચાર્ય રજનીશ વિનમ્રતાને એક પ્રસંગ દ્વારા સમજાવે છે.બે પનિહારી ઘડા લઈને નદી કિનારે પાણી ભરવા માટે જાય છે.એક પનિહારી વિચારે છે કે હું શું કામ નીચે નમુ ? એ તો અક્કડ બનીને ઉભી રહે છે.નમતી નથી.આથી વહેતા પ્રવાહ પાસે ઊભી હોવા છતાં તેનો ઘડો ખાલી રહે છે.જ્યારે બીજી પનિહારી વાંકી વળીને વહેતા પ્રવાહમાંથી પોતાનો ઘડો છલોછલ ભરી લે છે.આમ જેનામાં વિનમ્રતા છે તે કંઈક પ્રાપ્ત કરી શકે છે.વિનમ્રતા એ બહુ ઉત્તમ વસ્તુ છે.વિનમ્રતા દ્વારા આપણે મુશ્કેલ કાર્ય પણ આસાનીથી પૂર્ણ કરી શકીએ છીએ.સમજો કે, ’વિનમ્રતા એ ઈશ્વર દ્વારા મળેલું એક અમૂલ્ય વરદાન છે.’
સમાજમાં આજે લોકો પદ,પ્રતિષ્ઠા અને પૈસાના જોરે અતિ ઘમંડથી જીવન જીવે છે.દરેક જગ્યાએ કંઈક દેખાડો કરવાની મનોવૃત્તિ રાખીને જીવન જીવે છે.જાહેર જીવનના નિયમોનું પાલન ન કરવું. આચારસંહિતાને માન આપવા જેવી બાબતોનો અભાવ જોવા મળે છે.રસ્તામાં આડેધડ વાહનો પાર્ક કરીને રાહદારીઓને અડચણરૂપ બનવું અથવા જાહેર સેવાના માધ્યમોમાં કામ લેવા માટે થઈને કતારમાં ઊભા ન રહી પોતાનો અહમ દેખાડવો,જેવી બાબતોમાં વિનમ્રતાનો અભાવ જોવા મળે છે.આમ જોવા જઈએ તો વિશ્વના અન્ય દેશોની સરખામણી ભારતના લોકોમાં વિનમ્રતાનો વધુ પડતો અભાવ જોવા મળે છે.
એક વખત નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટેને ભારત આવ્યા હતા.એ વખતે બેંગ્લોરમાં તેઓએ સાયકલ ચલાવી હતી,તે પણ સામાન્ય લોકોની વચ્ચે જેમ કે તેઓ પોતાના દેશમાં કરે છે.તેમણે સાયકલ ચલાવવાની સાથે જ કોબલસ્ટોન ફીટ કરેલી ચર્ચ સ્ટ્રીટ પર વોક પણ કર્યું.લોકોને ખબર જ નહોતી કે તેઓ કોણ છે.સાથે હાજર સુરક્ષા અધિકારીઓએ જ્યારે લોકોને તેમની ઓળખ આપી ત્યારે ખબર પડી અને પછી લોકો સેલ્ફી લેવાનો આગ્રહ કરવા લાગ્યા.તેમણે સેલ્ફી આપી પણ ખરી.એમણે ચા પીધી,યુપીઆઈથી પૈસાની ચુકવણી કરી અને દુકાનવાળા સાથે સેલ્ફી પણ પડાવી.રૂટેએ પોતાના સમયનો સદુપયોગ બેંગ્લોરના સાયકલ મેયર સત્યા શંકરનની સાથે શહેરમાં સાઈક્લિંગને સપોર્ટ કરતા ઈન્ફાસ્ટ્રક્ચરના વિકાસ અંગે ચર્ચા કરવામાં પસાર કર્યો.તેમણે સડકના કિનારે ઈમારતોમાં બારીની નજીક ઊભેલા લોકો તરફ હાથ હલાવ્યો.તેમની પાસે આવનારા તમામ લોકો સાથે વાતચીત કરી.જેની સાથે પણ આંખ મળે તેમને સ્મિત આપ્યું,તેના તરફ હાથ હલાવ્યો.રૂટેના આ વ્યવહારમાંથી એ બોધપાઠ મળે છે કે એ કે જો મોટી વસતિ કે આર્થિક રીતે પછાત વર્ગ જે કોઈ વસ્તુનો ઉપયોગ કરે છે અને જો આપણે પણ તેનો ઉપયોગ કરીએ તો કોઈને કોઈ પ્રકારે આ વિનમ્રતા આપણામાં આવી જાય છે.
દેશની તાજેતરમાં લોકસભાની ચૂંટણી થઈ.આ ચૂંટણીના પ્રચાર વખતે સડક,પરિવહન અને હાઈ વે મંત્રી નીતિન ગડકરીજી પોતાના ચૂંટણી પ્રચારમાં કહેતા કે તમારે મને મત આપવો હોય તો પણ ભલે અને ના આપવો હોય તો પણ ભલે.હું ક્યાંય મારા પોસ્ટર નહીં લગાડું કે કોઈ બેનર નહીં લગાડું.મારી પાસે પક્ષના જે લોકો કામ માટે આવ્યા છે,તેમના પણ કામ મેં કર્યાં છે અને વિપક્ષના લોકો કામ માટે આવ્યા છે,તેમના કામ પણ મેં કર્યાં છે.મારા પરિવારના કોઈ સભ્ય માટે મેં ક્યારેય ટિકિટની માગણી કરી નથી અને ભવિષ્યમાં ક્યારેય ટિકિટની માગણી કરીશ પણ નહીં.ખારા રણમાં મીઠી વીરડી સમાન આવા રાજનેતાઓની વિનમ્રતા આપણને અવશ્ય સ્પર્શી જાય.