ચોમાસાની સીઝન શરૂ થતાની સાથોસાથ જ તમારે ત્વચાની ખાસ સંભાળ રાખવી પડે છે. હવામાં ભેજ વધવાથી ત્વચાને લગતી ઘણી સમસ્યાઓ જેવી કે ખીલ, ફોલ્લીઓ થવા લાગે છે. આવા સમયમાં મોનસૂન સ્કિનકેર રૂટિનનું પાલન કરીને તમે તમારી ત્વચાને આ સમસ્યાઓથી તો બચાવી શકો છો. સાથોસાથ તમારી ત્વચાને સ્વસ્થ પણ બનાવી શકો છો. આવો જાણીએ આ સ્કિન કેર રૂટિન વિશે.
વરસાદને કારણે ભેજ પણ વધે છે અને તેની સીધી અસર ત્વચા પર પણ પડે છે. વરસાદની ઋતુમાં તૈલી ત્વચાની સમસ્યા વધી જાય છે. જેમની ત્વચા પહેલાથી જ ઓઇલી છે તેમના માટે આ સિઝન સૌથી ખતરનાક હોય છે. તૈલી ત્વચાને કારણે ત્વચા પર પિમ્પલ્સ દેખાય આવે છે. દરેક ઋતુ પ્રમાણે ત્વચાની અલગ-અલગ રીતે કાળજી લેવી જરૂરી છે. દરેક ઋતુમાં તાપમાન અને ભેજ અલગ-અલગ હોય છે. તેથી ત્વચાની જરૂરિયાતો પણ અલગ-અલગ હોય છે. તેથી ચોમાસાની મોસમમાં તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે તમારે ત્વચાની સંભાળની વિશેષ દિનચર્યાનું પાલન કરવું જોઈએ. તેનાથી આ સિઝનમાં ત્વચા સંબંધિત સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો પણ ચમકદાર બનશે.
ચહેરાને વારંવાર પાણીથી સાફ કરો
ચોમાસા દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધી જાય છે. આના લીધે ધૂળ અને ગંદકી સરળતાથી તમારી ત્વચા પર ચોંટી જાય છે અને છિદ્રોમાં ભેગાં થવા લાગે છે. તેના કારણે પિમ્પલ્સ અને સ્કિન ઈન્ફેક્શન પણ થઈ શકે છે. તેથી તમારે દિવસમાં બે વાર તમારા ચહેરાને સારી રીતે પાણીથી સાફ કરો. આ માટે હળવા ક્લીંઝરનો ઉપયોગ કરવાનું રાખો. જેથી કરીને તમારી ત્વચાને કોઈ નુકસાન ન થાય અને છિદ્રો પણ સાફ થઈ જાય.
એક્સ્ફોલિયેટ
ચોમાસામાં ત્વચાના છિદ્રોને ડીપ ક્લીન કરવું જરૂરી બને છે. તેથી તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તમારી ત્વચાને એક્સફોલિએટ કરવાનું રાખો. આ માટે AHA અને BHA ધરાવતા કેમિકલ એક્સફોલિયેટરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ત્વચાના મૃત કોષો પણ સાફ થાય છે અને છિદ્રોમાં છુપાયેલી ગંદકી પણ સાફ થાય છે.
લાઇટ મોઇશ્ચરાઇઝર પસંદ કરો
આ સિઝનમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે તમારા ચહેરો ઓઇલી બની જતી હોય છે. તેથી જો તમે જાડા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાથી તમારી ત્વચા વધુ ચીકણી લાગશે. તેથી તમારે હળવા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. જેથી કરીને ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ રહે અને ચીકણી ન બને. જેલ આધારિત મોઇશ્ચરાઇઝર્સ આ સિઝન માટે બેસ્ટ છે. સાથોસાથ તમારી ત્વચા પણ સોફ્ટ બને છે.
સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં
ચોમાસા દરમિયાન એવું લાગે છે કે વાદળોને કારણે સૂર્યપ્રકાશ તમારા સુધી પહોચતો નથી . પણ તમને જાણીને નવાઈ લાગશે કે એવું બિલકુલ નથી. કારણ કે વાદળોની પાછળથી પણ સૂર્યપ્રકાશ તમારા સુધી પહોંચે જાય છે અને તેના કિરણો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. તેથી તમારે દરરોજ ઓછામાં ઓછું સનસ્ક્રીન લગાવવું જોઈએ.
નિયાસીનામાઇડ સીરમ લગાવો
વરસાદની ઋતુમાં ત્વચા વધુ તૈલી થઈ જાય છે જેના કારણે પિમ્પલ્સ અને બ્લેક હેડ્સ થઈ શકે છે. તેથી તમારે ઓઇલી સ્કીનને દૂર કરવા માટે નિયાસીનામાઇડ સીરમનો ઉપયોગ કરવો જોઈએ. નિઆસીનામાઇડ એ છે વિટામિન B3 નું સ્વરૂપ નિકોટિનામાઇડ તરીકે પણ ઓળખાય છે. આ તમારી સ્કીનને ઘણી રીતે મદદ કરે છે. આ સિવાય તમે માટીના માસ્કનો પણ ઉપયોગ કરી શકાય છે. તેનાથી ત્વચામાંથી વધારાનું તેલ પણ નીકળી જશે અને તમારી ત્વચા ચમકદાર બને છે.
ઘરગથ્થુ ઉપાયો
લીમડો
લીમડામાં એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. ચોમાસામાં તેનો ઉપયોગ કરવાથી ખીલની સમસ્યા પણ નિયંત્રણમાં રહે છે. ખીલથી છુટકારો મેળવવા માટે લીમડાના પાનને સારી રીતે સાફ કરી તેની પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો. આ પછી ચહેરો પાણીથી ધોઈ લો. આનાથી તમારો ચહેરો સોફ્ટ બને છે.
એલોવેરા જેલ
એલોવેરા જેલ ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં ઘણી રીતે ઉપયોગી બને છે. ખાસ કરીને જો તમારે ખીલથી છુટકારો મેળવવો હોય તો આ સૌથી ફાયદાકારક છે. આ માટે ચહેરા પર એલોવેરા જેલ લગાવો અને 20 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. થોડા સમયમાં તમારા ચહેરા પર સુધારો દેખાવા લાગશે.
ચણાનો લોટ અને દહીં
ચણાનો લોટ અને દહીંનો ઉપયોગ ત્વચાની સંભાળમાં કરવામાં આવે છે. તેનો ઉપયોગ કરવા માટે તમારે એક ચમચી ચણાના લોટમાં એક ચમચી દહીં મિક્સ કરો. ત્યારપછી પેસ્ટ બનાવો . આ પેસ્ટને ચહેરા અને ગરદન પર 15 મિનિટ સુધી લગાવો. આ પછી ચહેરો પાણીથી ધોઈ લો. જેનાથી તમારો ચહેરો મુલાયમ બને છે.