- ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જમીન કૌભાંડ સંબંધિત મામલામાં મોટી રાહત
- હાઇકોર્ટમાંથી જામીન મળતા પાંચ મહિના બાદ જેલમાંથી થશે મુક્ત
નેશનલ ન્યૂઝ : ઝારખંડ હાઈકોર્ટે શુક્રવારે જમીન કૌભાંડ કેસમાં પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને જામીન આપ્યા છે. 13 જૂને જસ્ટિસ રોંગન મુખોપાધ્યાયે સોરેનની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 31 જાન્યુઆરીએ સોરેનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે રાંચીની બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં બંધ હતો. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે સોરેનનો જમીન સાથે કોઈ સંબંધ નથી અને ED પાસે કૌભાંડમાં તેની સંડોવણી સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.
બીજી તરફ, EDનું પ્રતિનિધિત્વ કરતા આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ એસવી રાજુએ દલીલ કરી હતી કે સોરેને બરિયાતુમાં 8.86 એકર જમીન પર ગેરકાયદે કબજો કર્યો હતો અને તેના પર બેન્ક્વેટ હોલ બનાવવાની યોજના હતી તે સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે. આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ રાજુએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે સોરેને તપાસને પ્રભાવિત કરવા માટે તેમના પદનો દુરુપયોગ કર્યો હતો અને જો જામીન આપવામાં આવે તો તેને વધુ વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરી શકે છે. જોકે, કોર્ટે સોરેનની જામીન અરજી સ્વીકારી હતી, જેમાં પાંચ મહિનાથી વધુની ન્યાયિક કસ્ટડી બાદ ભૂતપૂર્વ મુખ્યમંત્રીને રાહત મળી હતી.