- લીંબડી હાઇવે પર ગોઝારો અકસ્માત
- અકસ્માતમાં દ્વારકા પંથકના પિતા-પુત્રનું મોત થતાં પરિવાર નોંધારો
રાજકોટ-અમદાવાદ હાઇવે પર વારંવાર ગમખ્વાર અકસ્માતના અહેવાલ પ્રાપ્ત થતાં હોય છે ત્યારે લીંબડી હાઇવે પર વધુ એક ગોઝારી ઘટના બનવા પામી છે. જેમાં ડમ્પરની પાછળ ટ્રક ઘુસી જતાં ધડાકાભેર આગ લાગી હતી. જેમાં ઘડીવારમાં ટ્રકના ડ્રાયવર અને ક્લિનર જીવતા ભડથું થયાં હતા.
પ્રાપ્ત વિગત અનુસાર લીંબડી હાઇવે પર ભલગામડા સર્કલ પાસે ગત મોડી રાત્રે આશરે અઢી વાગ્યાંના અરસામાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઇવે પર પૂરપાટ દોડી રહેલા ટ્રકની આગળ જતાં ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારી દેતાં પાછળ આવતા ટ્રકના ચાલકે ગતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ રાત્રીના સમયે હાઇવે પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રકની ગતિ પર કાબુ મેળવી શકાયો ન હતો અને પરિણામે ડમ્પરની પાછળ ટ્રક ધડાકાભેર અથડાયુ હતું અને જોરદાર ટક્કરને પગલે આખેઆખો ટ્રક ક્ષણભરમાં સળગી ઉઠ્યો હતો.
અમદાવાદ તરફથી બાજરાનો જથ્થો ભરીને ટ્રક રાજકોટ તરફ આવી રહ્યો હતો. ત્યારે ભલગામડા સર્કલ નજીક આગળ રહેલા ડમ્પર ચાલકે બ્રેક મારતા ટ્રકના 21 વર્ષીય ચાલક ગતિ પર કાબુ નહિ મેળવી શકતા ટ્રક આગળ રહેલા ડમ્પરમાં ધડાકાભેર અથડાતા ધડાકાભેર આગ લાગતા વિસ્ફોટ જેવો અવાજ ઉદભવતા આસપાસના લોકો સ્તબ્ધ થઇ ગયાં હતા. ટ્રકની કેબીનથી ઉદભવેલી આગળ સહેજ વરમાં જ આખે આખા ટ્રક મના ફેલાઈ ગઈ હતી અને જોતજોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રકના ડ્રાયવર અને ક્લિનર કેબીનમાં જ જીવતા ભડથું થઇ ગયાં હતા.
ઘટનાની જાણ થતાં સંજીવની હોસ્પિટલના મુકેશસિંહ રાણા, લીંબડી નગરપાલિકાના કોર્પોરેટર મહેન્દ્રસિંહ રાણા તથા આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા. લીંબડી નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મૃતક ડ્રાયવર-ક્લિનર દ્વારકા જિલ્લાના ગોરીયારી ગામના પિતા-પુત્ર
ઘટનામાં જીવતા ભડથું થયેલા ડ્રાયવર ક્લિનર પિતા-પુત્ર હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર બંને ડ્રાયવર-ક્લિનર મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગોરીયારી તાલુકાના વતની હોવાનું સામે આવ્યું છે. બંને મૃતકોમાં ક્લિનર અમીનભાઈ આદમભાઈ હાકડા (ઉ.વ.21) અને ડ્રાયવર આદમભાઈ મામદભાઈ હાકડાની ઓળખ થઇ છે. ઘટનામાં પિતા પુત્રનું મોત થતાં આખેઆખો પરિવાર નોંધારો થયો છે.
અકસ્માત હોવાથી ઉભેલા આઈસર ચાલકને અજાણ્યા વાહને ઠોકરે લેતા હાલત ગંભીર
લીંબડી હાઇવે પર સર્જાયેલા અકસ્માત બાદ વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ભડભડ સળગી રહેલા ટ્રકને જોવા ઉભેલા એક આઈસર ચાલકને એક અજાણ્યા વાહને ઠોકરે લેતા આઈસરચાલક ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આઈસર ચાલકની હજુ સુધી ઓળખ થઇ નથી. ઇજાગ્રસ્તને પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.