- કચ્છી મેવાને ઈમ્પોર્ટ ડયુટીના નિયમોનું ભારણ નડયું: આ વખતે બાંગ્લાદેશમાં નિકાસ નહીં થાય
કચ્છી મેવો એટલે કે કચ્છની દેશી મીઠી ખારેક કે જે વિદેશોમાં પણ એક્સપોર્ટ થવા લાગી હતી અને ખેડૂતોને સારી આવક થતી હતી જેના કારણે કચ્છના અનેક ખેડૂતો કચ્છી ખારેકની ખેતી તરફ વળ્યા હતા પરંતુ હવે આ જ ખારેક કે જેનો 600 ટન જેટલો માલ બાંગ્લાદેશમાં જતો હતો તે બાંગ્લાદેશ સરકારની ઇમ્પોર્ટ ડ્યુટીના નિયમોના કારણે બાંગ્લાદેશ એક્સપોર્ટ નહીં થઈ શકે જેથી કરીને ખેડૂતોએ પોતાનો માલ દેશમાં જ વેંચવો પડશે.બાંગ્લાદેશ સિવાય પણ લંડન, દુબઈ તેમજ દેશના વિવિધ રાજ્યોમાં પણ નિકાસ થતી હોય છ.
દર વર્ષે કચ્છના 6000 જેટલા ખેડૂતો 20000 જેટલા હેક્ટરમાં ખારેકનું વાવેતર કરે છે.કચ્છમાં અંદાજિત 20 લાખ જેટલા ખારેકના ઝાડ છે અને તેમાંથી લગભગ 17 લાખ જેટલા દેશી જાતની ખારેકના ઝાડ છે. કચ્છમાં દર વર્ષે અંદાજિત 1.75થી 1.80 લાખ ટન ખારેકનું ઉત્પાદન થાય છે. જે પૈકી 800થી 900 ટન જેટલો કચ્છી ખારેકનો માલ કચ્છી ખેડૂતો વેપારીઓ સાથે મળીને અન્ય દેશોમાં નિકાસ કરતા હોય છે.જેમાં 600 ટન જેટલો માલ તો માત્ર બાંગ્લાદેશમાં રોડ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવામાં આવતો હોય છે જ્યારે બાકીનો એર કાર્ગો દ્વારા લંડન અને દુબઈ તેમજ સાઉથ આફ્રિકા જેવા દેશોમાં મોકલવામાં આવતો હોય છે.
કચ્છી ખારેકની આયાત કરવામાં સૌથી મોટો ફાળો બાંગ્લાદેશનો હતો કે જે દર વર્ષે 600 ટન જેટલો કચ્છી ખારેકનો માલ ઇમ્પોર્ટ કરતો હતો અને ઇમ્પોર્ટ ડ્યુટી થકી ત્યાંની સરકાર પણ આવક મેળવતી હતી. બાંગ્લાદેશમાં ભારતમાંથી સૌથી વધુ ફળોનું પ્રમાણ એકસપોર્ટ થતું હોય છે.ત્યારે કચ્છના ખેડૂતો પાસેથી ગુજરાતના વિવિધ જિલ્લાના વેપારીઓ માલ ખરીદી 600 ટન જેટલો માલ કચ્છથી બાંગ્લાદેશ એક્સપોર્ટ કરતા હતા.
બાંગ્લાદેશની સરકાર દ્વારા અગાઉ ખારેકના પ્રતિ કિલો 15 રૂપિયા ઇમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં આવતી હતી જે વધીને 75 જેટલી કરવામાં આવતા એટલે કે સીધી 5 ગણી ડ્યુટી વધારી નાખતા એક્સપોર્ટર વેપારીઓ પણ કચ્છી ખારેક એક્સપોર્ટ કરવાનું ટાળી રહ્યા છે.ગત વર્ષે જૂન માસમાં કચ્છમાં આવેલ બીપરજોય વાવાઝોડાના કારણે કચ્છી ખારેકના ઝાડો પડી ગયા હતા તેમજ અનેક ઝાડના મૂળિયાં પણ હલી ગયા હતા.જેથી કરીને કચ્છના મુન્દ્રા તાલુકાના ખેડૂતોની વાડીમાં આ વર્ષે ગત વર્ષ કરતા થોડું ઓછું ઉત્પાદન થયું હશે
છેલ્લાં 25 વર્ષથી ખારેકનું પાક મેળવતા ખેડૂતો પ્રવીણ દબાસિયાએ જણાવ્યું હતું કે, કચ્છની દેશી ખારેકનું છેલ્લા 25 વર્ષથી ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે તેની વાડીમાં 450થી 500 ટન ઉત્પાદન થયું છે અને જો વરસાદ નહીં આવે તો ઉત્પાદન સારું રહેશે.અત્યારે ખારેકના માલની માંગ ખૂબ છે અને જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી બજારમાં સારી માંગ રહેશે.હાલમાં દેશી ખારેકની કિંમત તેના સ્વાદ મુજબ 20થી 100 રૂપિયા જેટલી મળી રહી છે.
કચ્છી ખારેકની વિશેષતા એ છે કે આ ખારેક વિવિધ રંગ, કદ, આકાર અને સ્વાદની હોય છે.કચ્છી ખારેકને જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતા ખારેકના ઊંચા ભાવો કચ્છના ખેડૂતોને મળશે અને લોકોને પણ સારી ગુણવત્તાની ખારેક ખાવા મળશે પરંતુ હજી સુધી ૠઈં ટેગના ઉપયોગ સાથે ખારેક વેંચવા માટે જે ફી ભરવી પડે છે તે ભરવામાં નથી આવી અને અમુક પ્રોસેસ કરવાની બાકી છે અને ક્યાં ખેડૂતોએ આ ટેગ વાપરવું તેના માટે સરકાર પાસે પણ ફોર્મ રજૂ કરવા પડશે જે પ્રક્રિયા બાકી છે.
કચ્છની દેશી ખારેકને જાન્યુઆરી 2024માં જીટેગ મળ્યું છે. કચ્છી ખારેકની વિશેષતા એ છે કે તે સ્વાદમાં મીઠી અને મુલાયમ હોય છે. કચ્છી દેશી ખારેક કાબ્ર્સ અને માઈક્રોન્યૂટ્રિએન્ટ્સથી ભરપૂર હોય છે અને તેમાં ફાઈબર પણ પૂરતી માત્રામાં હોય છે. કચ્છી ખારેક ખાવાથી પેટની અનેક બીમારીઓથી પણ રાહત મળે છે.
કચ્છમાં કચ્છી ખારેકની ખેતી કરતા ખેડૂત હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે, “કચ્છી મેવો તરીકે ખારેક ઓળખાય છે.આ વર્ષે તેને જીઆઈટેગ પણ મળ્યું છે ત્યારે આ ખારેકમાં કઈક તો એવું હશે કે જેના કારણે તેને જીઆઈ ટેગ મળ્યું છે.ત્યારે ગુજરાત તેમજ દેશના તમામ લોકોએ કચ્છી ખારેકનો સ્વાદ માણવો જોઈએ.ખારેકના પાકથી કચ્છના ખેડૂતોની આવકમાં વધારો થાય તેના માટે દર વર્ષે તેને બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.પણ આ વખતે ફરી બાંગ્લાદેશ સરકારે ડ્યુટી વધારી નાખી છે.ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર સાથે ચર્ચા વિચારણા કરીને ડ્યુટી ઘટાડવા રજૂઆત કરે તો ખેડૂતોને સારી આવક ઊભી થાય તેમ છે.દર વર્ષ કરતા આ વર્ષે ખારેકનું ઉત્પાદન ઓછું છે ગત વર્ષે આવેલા વાવાઝોડામાં નુકસાની ગઈ છે.