અમેરિકા વિશ્વ જમાદાર તરીકે ઓળખાય છે. આખા વિશ્વના મોટાભાગના નિર્ણયો તેના ઈશારે લેવામાં આવતા હોય છે. જો કે અમેરિકાને ટોચ ઉપર પહોંચાડવામાં ભારતીયોનો જ સિંહ ફાળો છે. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના નાગરિકોની સંખ્યા 50 લાખથી પણ વધી છે. અમેરિકામાં સૌથી વધુ પ્રભાવશાળી પ્રવાસી સમુદાય ભારતીયોનો છે. ભારતીય અમેરિકનો સાથે જોડાયેલ એક એનજીઓ ઇન્ડિયાસ્પોરાનું કહેવું છે કે અમેરિકાની જનસંખ્યામાં 1.5 ટકા હિસ્સો ભારતીયોનો હોવા છતાં તેઓ અહીંની અર્થવ્યવસ્થાને વેગ આપવામાં મોટું યોગદાન આપી રહ્યા છે.
ફોચ્ર્યુન ઇન્ડિયાસ્પોરાએ તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે ભારતીય અમેરિકનોએ અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં ભૂમિકા નિભાવી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ફોચ્ર્યુન 500 કંપનીઓમાંથી 16ના સીઈઓ ભારતીય મૂળના છે. જેમાં સુંદર પિચાઈ અને રેશમા કેવલરમાની સામેલ છે. જે 16 કંપનીઓના સીઈઓ ભારતીય છે તેમાં 27 લાખ અમેરિકનો નોકરી કરે છે. આ કંપનીઓ દર વર્ષે એક લાખ કરોડ ડોલરની આવક કરે છે.
અમેરિકાના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પણ ભારતીય અમેરિકનોનું મોટું યોગદાન છે. અમેરિકાના 648 યુનિકોન સ્ટાર્ટઅપમાંથી 72ના કો ફાઉન્ડર ભારતીય અમેરિકન છે. ભારતીય અમરિકનોના સ્ટાર્ટ અપની કુલ વેલ્યુ 195 અબજ ડોલર છે અને તેનાથી 55 હજાર લોકોને રોજગારી મળે છે.
અમેરિકાની 60% મોટેલ્સના માલિક પણ ભારતીય અમેરિકન છે. આ ઉપરાંત ભારતીય અમેરિકનોના બિઝનેસ 1.1 કરોડથી 1.2 કરોડ અમેરિકનોને રોજગારી આપી રહ્યા છે. અમેરિકામાં ભારતીય અમેરિકન દર વર્ષે 250થી 300 અબજ ડોલરનો ટેક્સ ભરે છે, જે કુલ ટેક્સમાં પાંચથી છ ટકા હિસ્સો છે.
રિપોર્ટ અનુસાર 1975 અને 2019 વચ્ચે અમેરિકામાં ભારતીય મૂળના ઇનોવેટર્સ પાસે પેટન્ટની હિસ્સેદારી 2%થી વધી 10% થઈ છે. 2013માં ભારતીય મૂળના તમામ વૈજ્ઞાનિકોને નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થની 11%ની ગ્રાન્ટ મળી છે. અમેરિકાની કોલેજ અને યુનિવર્સિટીની ફૂલ ટાઈમ ફેકલ્ટીઝમાં 2.6 ટકા ભારતીય અમેરિકન છે.
ભારતીય અમેરિકને અમેરિકાને સાંસ્કૃતિક રૂપથી ઘણા હદ સુધી પ્રભાવિત કર્યા છે. વિકાસ ખન્ના અને મનીત ચૌહાણ જેવા ભારતીય મૂળના શેફએ અમેરિકામાં ભારતના ખાનપાનને લોકપ્રિય બનાવ્યું છે.જ્યારે દિપક ચોપડા જેવી હસ્તીઓએ આયુર્વેદને ઓળખ અપાવી છે. સ્વામી વિવેકાનંદનો યોગ અમેરિકનોની દિનચર્યાનો ભાગ બની ગયો છે. 2023ના અંત સુધી દસ ટકા અમેરિકન યોગ કરતા હતા. દિવાળી અને હોળી જેવા ભારતીય તહેવાર પણ હવે અમેરિકામાં ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે. રાજનીતિમાં પણ ભારતીય અમેરિકનો ઝડપથી વધી રહ્યા છે. અમેરિકાની સંઘીય સરકારમાં 150થી વધુ ભારતીય અમેરિકન મહત્વના હોદ્દાઓ પર છે. જ્યારે 2013 સુધી જવલ્લેજ ભારતીય અમેરિકન હતા.