- ડિસ્ટ્રીક્ટ જજ વી.બી.ગોહિલે દિપ પ્રાગટ્ય કરી લોક અદાલતને ખુલ્લી મુકી: ચેક રિટર્ન, બેન્ક લેણા, લગ્ન વિષયક, મજૂર અદાલત અને રેવન્યુ-દિવાની પ્રકારના સમાધાન લાયક 36000 કેસો મુકાયા
રાષ્ટ્રીય, રાજ્ય અને રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજકોટ જિલ્લા મથકે તથા તાલુકા મથકોએ આવેલી તમામ કોર્ટમાં આજે 2024ના વર્ષની બીજી રાષ્ટ્રીય મેગા લોક-અદાલતમાં મૂકવામાં આવેલા અકસ્માત વળતરમાં એક હજાર સહિત જુદા જુદા ક્ષેત્રોના 36000 જેટલા સમાધાન યોગ્ય કેસો પૈકી બપોર સુધીમાં 23 થી 24 ટકા જેટલા કેસોમાં સમાધાન સાધવામાં સફળતા મળી હતી, જેમાં અકસ્માત વળતરના કેસોમાં કરોડો રૂપિયાનું વળતર મંજૂર કરાયું હતું. સાંજ સુધી લોક અદાલત ચાલુ હોય સમાધાન થયેલા કેસોની ટકાવારી વધશે.
રાજકોટ જિલ્લા મથક તમામ તાલુકા મથકોની જુદી-જુદી વખતે આજે સવારે રાષ્ટ્રીય મેગા લોક અદાલત પુર્વે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જ્જ વી. બી. ગોહિલના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાનૂની સેવા સત્તા મંડળના સચિવ કે.એમ. ગોહિલ, કોર્ટ મેનેજર હમીરભાઈ છતરીયા, વિવિધ અદાલતોના જ્યુડિશિયલ ઓફિસર્સ, બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઉપપ્રમુખ સુરેશ ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ સહિતના હોદ્દેદારો, કારોબારી સભ્યો,સિનિયર જુનિયર વકીલો અને કોર્ટ સ્ટાફ, વીમા કંપનીઓ, બેંકો, પીજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ શરૂ થયેલી જુદી જુદી કોર્ટમાં લોક-અદાલતની કાર્યવાહી શરૂ થઈ હતી, તેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીએબલ એકટની કલમ-138 (ચેક રિટર્ન અંગેના કેસો) હેઠળના કેસો, બેન્ક લેણાના કેસો, અકસ્માત વળતરને લગતા કેસો, લગ્નવિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેક્ટ્રીસિટી તથા પાણીના બિલોને લગતા કેસો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના કેસો ( ભાડા, સુખાધિકારના કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા) સહિતના અદાલતમાં દાખલ થયેલ તથા અદાલતમાં દાખલ થાય તે પહેલાં (પ્રિલિટિગેશન)ના કુલ 36 હજાર જેટલા કેસોના સમાધાનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જેમાં બપોર સુધીમાં 23 થી 24 ટકા જેટલા કેસોમાં સમાધાન સાધવામાં સફળતા મળી હતી. તેમાં વાહન અકસ્માત વળતરના 1000 જેટલા કેસો પૈકી ઘણા કેસોમાં કરોડ રૂપિયાથી વધુ રકમના વળતરના હુકમ થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત વિવિધ બેંકો, પીજીવીસીએલ, મ્યુનિસિપલ કોર્પોરેશન વગેરેના લેણાના પુષ્કળ કેસોમાં સમાધાન સધાયા હતા, ટ્રાફિકના ઈ મેમોના કેસોમાં પણ સ્થળ ઉપર વસુલાત મેળવી આવા કેસો ફેસલ કરવામાં આવ્યા હતા.આ લોક અદાલત બપોરે પણ ચાલુ રહેનાર હોય સમાધાનના કેસોની સંખ્યા હજી પણ વધશે, તેમ જણાવાયું છે.