- ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડના એસઆઈટીના રિપોર્ટે રાજકોટ મનપાની તૃટીઓ છતી કરી દીધી
- અધિકારીઓ અને કર્મચારીઓ પર ગાજ ઉતર્યા બાદ હવે ચૂંટાયેલી બોડીને ઘરભેગી કરવાની પ્રક્રિયા શરૂ થશે
રાજકોટના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગત 25મી મેના રોજ સર્જાયેલા જીવલેણ અને હૈયા હચમચાવી દેતા અગ્નિકાંડની તપાસ કરતી સીટની ટીમ દ્વારા ગઈકાલે રાજય સરકાર સમક્ષ તપાસ રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા અને ફાયર બ્રિગેડ શાખાની ગુનાહિત બેદરકારીના પાપે અગ્નિકાંડ સર્જાયો હોવાનું ફલીત થયું છે. મનપાના અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરી હાલ આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.જેમાં રોજ નવા નવા ધડાકા થઈ રહ્યા છે. ભાજપ શાસિત રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી બોડીને ઘર ભેગી કરી દેવાનો તખ્તો તૈયાર થઈ ચૂકયો છે. આગામી દિવસોમાં રાજય સરકાર દ્વારા અગ્નીકાંડનો સીટનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરી દેવામા આવશે ત્યારબાદ અદાલત દ્વારા સુપરસીડ અંગે નોટિસ ફટકારવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.
ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અનેકવાર એવું નિવેદન આપી ચૂકયા છે કે જવાબદાર એકપણ વ્યકિતને છોડવામા આવશે. નહી તમામ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન ગઈકાલે રાજય સરકારના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે પણ અગ્નિકાંડ સંદર્ભે હવે શું કાર્યવાહી કરવામાં આવશે. તેવા સવાલના જવાબમાં ‘વેઈટ ઓન વોચ’નું નિવેદન આપ્યું હતુ. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાએ પણ અગ્નિકાંડમાં સંડોવાયેલા ભ્રષ્ટાચારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી પણ આ ઘટનામાં અંગત રસ લઈ એક એક જવાબદારને કાયદાના સંકજામાં લેવા માંગી રહ્યા છે.
ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનામાં માત્ર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ કે કર્મચારીઓ જ દોષિત નથી કોર્પોરેશનના પૂર્વ અને વર્તમાન પદાધિકારીઓ પણ જવાબદાર હોવાની શંકા–કુશંકા સેવાય રહી છે. અગ્નીકાંડ મામલે સીટનો રિપોર્ટ ધગધગતો હોય કે ટાઢોબોળ એકવાત ખૂબજ સ્પષ્ટ છે જયારે રાજય સરકાર દ્વારા આ રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે અદાલત દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને શો–કોઝ નોટિસ ફટકારી એવો ખુલાશો પૂછવામાં આવશે કે રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખને શા માટે સુપરસીડ ન કરવી. હાઈકોર્ટની નોટિસ બાદ કોર્પોરેશને અદાલતમાં જવાબ રજૂ કરવો પડશે. જે સંતોષકારક નહી જણાય તો સુપરસીડની કાર્યવાહી હાથ ધરવાામાં આવશે.
જયારે–જયારે શહેરમાં કોઈ જીવલેણ દુર્ઘટના બને ત્યારે ચૂંટાયેલી પાંખની પણ વધતા–ઓછા પ્રમાણમાં જવાબદારી રહે છે. ટીઆરપી ગેમઝોનમાં બધુ જ ગેરકાયદે હતુ કોર્પોરેશનની ટીપી શાખા, ફાયર બ્રિગેડ શાખા, આરોગ્ય શાખા, ટેકસ શાખા સહિતની તમામ બ્રાંચ આઅંગે બધુ જ જાણતી હતી. છતા તમામે આંખ આડા કાન કર્યા હતા. વર્તમાન કે પૂર્વ પદાધિકારીઓની પણ મહંદઅંશે સંડોવણી હોવાની શંકા નકરી શકાતી નથી.
મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ હાઈકોર્ટે મોરબી નગરપાલિકાને સુપરસીડ કરી દીધી હતી. ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલી અગ્નિકાંડની ઘટના પણ કઈક આવી જ છે. જેમાં મહાપાલિકાની બેદરકારી સીટના રિપોર્ટમાં છતી થઈ છે. હવે રાજકોટ મહાપાલિકાને સુપરસીડ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવે તેવી ભારોભાર સંભાવના જણાય રહી છે.
ગુજરાત પોલીસ એક્ટની કલમ 33માં ફેરફાર કરી પ્રિમાઈસીસ અને ટિકિટ લાઇસન્સ ઇસ્યુ કરવાની સત્તા પોલીસને આપવા ભલામણ
ગેમઝોનની ગોઝારી ઘટનાની તપાસ માટે નિયુક્ત સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમએ ગુજરાત પોલીસ એક્ટ (જીપી એક્ટ)ની કલમ 33 માં ફેરફારો સૂચવ્યા છે. જે ફેરફાર સ્થાનિક પોલીસને આવા ગેમ ઝોનને વિવિધ લાઇસન્સ આપવાની સત્તા આપે છે. 100 પાનાના વચગાળાના અહેવાલમાં શુક્રવારે રાજ્ય સરકારને સુપરત કરવામાં આવેલા તેના બીજા અહેવાલમાં પોલીસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ ગુનાહિત બેદરકારી દાખવ્યાના અહેવાલ છે. સુભાષ ત્રિવેદીએ ઉમેર્યું છે કે, એસઆઈટીએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33માં કેટલાક ફેરફારો સૂચવ્યા છે, જે હેઠળ સ્થાનિક પોલીસ આવી મનોરંજન સુવિધાઓ માટે પ્રિમાઈસ લાયસન્સ અને ટિકિટ લાઇસન્સ આપે છે.
તપાસ હજુ પણ ચાલુ છે, દોષિતોને છોડીશું નહીં: સુભાષ ત્રિવેદી
એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આજે રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે પણ તપાસ હજુ પૂર્ણ થઇ નથી અને એસઆઈટીની તપાસ હજુ ચાલુ છે. અમે હાલમાં વરિષ્ઠ પોલીસ તેમજ નાગરિક અધિકારીઓ દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકાઓની તપાસ કરી રહ્યા છીએ. હાલ સુધીમાં 24 જેટલાં અધિકારીઓ અને પદાધિકારીઓની પૂછપરછ કરવામાં આવી છે અને હજુ પણ કાર્યવાહી ચાલુ જ રહેશે.
વાયરલ ફોટોનું તથ્ય: 2022માં અધિકારીઓ બાળકો સહિત પરિવારજનો સાથે આઈપીએસના જન્મદિવસની ઉજવણી કરવા ગયાં’તા
ટીઆરપી ગેમ ઝોનના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેલા રાજકોટના તત્કાલિન પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીની વાયરલ તસવીરો અંગે એસઆઈટી વડાએ જણાવ્યું હતું કે, આ અધિકારીઓ ઉદ્ઘાટન સમયે હાજર રહ્યા ન હતા. આ ફોટો એક અધિકારીના જન્મદિવસનો છે. આઈપીએસ અધિકારીનો જન્મદિવસ હોય અન્ય અધિકારીઓ પોતાના બાળકો સહીત પરિવારજનો સાથે ટીઆરપી ગેમઝોન ખાતે ઉજવણી કરવા ગયાં હતા તે સમયનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વર્ષ 2022માં તત્કાલિન ટીપીઓ સાગઠીયા વિરુદ્ધ એસીબીમાં થયેલી ફરિયાદમાં ભીનું સંકેલી લેવાયું હતું
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2022માં તત્કાલિન ટીપીઓ સાગઠીયા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ આ મામલે ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું. રાજકોટ મનપાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામેછેલ્લા 12 વર્ષમાં 11 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત એકઠી કર્યાનો ગુનો નોંધાયો છે ત્યારે એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. મનસુખ સાગઠિયા મનપાના ટીપીઓ તરીકે બેફામ ભ્રષ્ટાચાર કરતા હોવાની એક અરજી રાજકોટ નહિ પરંતુ એસીબીનીવડી કચેરી અમદાવાદ ખાતે જૂન 2022માં કરવામાં આવી હતી. આ અરજીની તપાસ 3 જુલાઈના રોજ રાજકોટ એસીબીને સોંપવામા આવી હતી. થોડો સમય તપાસનો ધમધમાટ ચાલ્યો હતો પરંતુ આ અરજી ફાઈલે કરી દેવા એટલે કે અરજીની તપાસ બંધ કરી દેવા માટે વડી કચેરીથીકરવામાં આવેલા આદેશના અનુસંધાને સાગઠિયા સામેની ભ્રષ્ટાચારની તપાસનું ફીંડલું વાળી દેવામાં આવ્યુ હતું.